દુર્ગાશંકર શાસ્ત્રી
પ્રાદેશિક ઈતિહાસલેખનના જનક :
દુર્ગાશંકર શાસ્ત્રી (૧૮૮૨-૧૯૫૨ )
આજે તારીખ ૨૪ જાન્યુઆરી અને ગુજરાતમાં પ્રાદેશિક ઈતિહાસલેખનના જનક શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીનો જન્મદિવસ છે .
જામનગરમાં જન્મેલા દુર્ગાશંકર શાસ્ત્રીએ ગોંડલ સંસ્કૃત પાઠશાળામાં ૧૦મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો .૧૦મા નાપાસ થયા પછી અભ્યાસ છોડી દીધો અને ઈતિહાસ ,તબીબીશાસ્ત્ર અને સંસ્કૃતનો વિશદ અભ્યાસ શરુ કર્યો .
આજીવિકા માટે ઝંડુ ફાર્મસી સમેત નાની-મોટી નોકરીઓ કરી ,ભાવનગરમાં કવિ કાન્તના પરિચયમાં આવ્યા અને દુર્ગાશંકરનું જીવન પલટાયું .આર્થિક અવરોધો વચ્ચે વાંચન-સંશોધન અને લેખન ચાલુ રાખ્યું .પરિણામે માધવ નિદાન ,ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર ,શૈવ ધર્મનો ઈતિહાસ ,પુરાણ વિવેચન ,ગુજરાતના ધાર્મિક સ્થળો ,પ્રશ્નોરા જ્ઞાતિનું દિગ્દર્શન ,પ્રબંધ ચિંતામણી ( સંપા.),ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ( બે ભાગમાં ) ,ભગવાનલાલ ઈન્દ્રજીનું જીવનચરિત્ર અને ઈતિહાસ સંશોધન જેવા વૈદક અને ઈતિહાસને લગતા ગ્રંથો લખાયા .
ગુજરાતના ઈતિહાસ પર આટલું વિસ્તૃત ,પ્રમાણભૂત અને ઊંડાણપૂર્વક લખનાર દુર્ગાશંકર શાસ્ત્રી પહેલા ગુજરાતી ઇતિહાસકાર હતા એ દ્રારા તેઓએ ગુજરાતમાં પ્રાદેશિક ઈતિહાસ
લેખનનો પાયો નાંખ્યો હતો .
તેમના ગ્રંથોનું વારંવાર અધ્યયન અને સંશોધન એ ગુજરાતી પ્રજા દ્રારા થયેલું તેઓનું સન્માન છે .ઈતિહાસ સાથે એમ.એ કે પીએચ.ડી થયા વગર માત્ર મેટ્રિક સુધીના અભ્યાસના જોરે ગુજરાતના ઈતિહાસ લેખનમાં માતબર યોગદાન આપનાર દુર્ગાશંકર શાસ્ત્રી ગુજરાતના સીમાસ્તમ્ભરૂપ ઇતિહાસકાર હતા .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર ,૨૪ જાન્યુઆરી ૨૦૧૪
Comments
Post a Comment