ગોપાલ હરી દેશમુખ
રાષ્ટ્રવાદનો અરુણોદય :
ગોપાળ હરિ દેશમુખ (૧૮૨૩...૧૮૯૨)
"Morning star of the Indian freedom movement", "લોકહિતવાદી "જેવા અનેક વિશેષણોથી પ્રસિદ્ધ થયેલા ગોપાળ હરિ દેશમુખનો જન્મ આજના દિવસે ૧૮૨૩ ના વર્ષે થયો હતો. પુનામાં જન્મેલા ગોપાળ હરિ ભણ્યાં પણ પુનામાં જ .
અનુવાદક તરીકે પોતાની વ્યવસાયિક કારકિર્દી શરૂ કરનાર દેશમુખ પાછળથી અમદાવાદમાં આસી. જજ અને રતલામ રાજ્યના દીવાન બન્યાં હતા. તેમનો અમદાવાદ નિવાસ ગુજરાતના સમાજસુધારાને ઉપકારક રહ્યો હતો.લોકહિતવાદીનું માત્ર મહારાષ્ટ્રમાં જ નહિ સમગ્ર પશ્ચિમ ભારતમાં સામાજિક અને રાજકીય ચેતના સંકોરવામાં પાયાનું યોગદાન રહ્યું હતું. આ યુગપરીવર્તનકારી પ્રવુતિઓ તેઓએ પત્રકારત્વ અને સાહિત્યિક ખેડાણ દ્વારા કરી હતી. તેમાં" પ્રભાકર" સામયિકમાં " શતપત્રે" શીર્ષકથી લખાયેલા લેખો મહત્વના છે. મહારાષ્ટ્રમાં તત્કાલીન સમસ્યાઓ અને તેનાં સંભવિત નિવારણની વિષયવસ્તુવાળા પ્રસ્તુત લેખો ૧૮૬૦ માં" લોકહિતવાદી નિબંધસંગ્રહ" તરીકે પ્રકાશિત થયા હતાં. તેમના હિંદુ સમાજમાં સુધારાના ઉપાયો" હિંદુ શાસ્તક" તરીકે પ્રસિધ્ધ છે.
.મહિલા શિક્ષણ, બાળલગ્ન નાબૂદી, દહેજ અને બહુપત્નીત્વ બંધી અને જ્ઞાતિપ્રથાનો અંત વગેરે ગોપાળ હરિની પ્રાથમિકતાઓ હતી.
મહારાષ્ટ્રમાં બ્રિટીશ શાસન વિરૂદ્ધ સ્વદેશી અને બહિષ્કાર પ્રવૃતિઓના પગરણ તેમના થકી જ મંડાયા હતાં. ગોપાળ હરિ દેશમુખે ગાઢ નિંદ્રામાં પોઢેલા ભારતીયોને ઢંઢોળી રાષ્ટ્રવાદના પથ પર લાવી ઊભા કર્યા હતા .
તેઓ બધાને નવીન તથ્યોની જાણકારી અને સંસારના પ્રવાહોથી માહિતગાર રહેવા માટે નવા પુસ્તકો અને છાપાઓ વાંચવાનો સતત આગ્રહ કરતા હતા.
જસ્ટિસ ઓફ પીસ"અને"રાવ બહાદુર" ના ખિતાબો પામેલા ગોપાળ હરિ દેશમુખનું તારીખ ૯ ઓકટો.૧૮૯૨ ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર,૧૮ ફેબ્રુઆરી ૨૦૧૯, અમદાવાદ
Comments
Post a Comment