નિરાલા
નિરાલા : સૂર્યકાન્ત ત્રીપાઠી (૧૮૯૬...૧૯૬૧)
આજે હિન્દી સાહિત્ય જગતના દિગ્ગજ સાહિત્યકાર સૂર્યકાન્ત ત્રીપાઠીનો જન્મદિવસ છે.
" નિરાલા"ના તખલ્લુસથી લખતા અને હિન્દી સાહિત્યમાં છાયાવાદના ચાર સ્તંભો પૈકીના એક સૂર્યકાન્ત ત્રીપાઠીનો જન્મ બંગાળના મેદનીપુર જિલ્લાના મહિશાદલ નામના દેશી રજવાડાંમાં થયો હતો. તેમનું ભણતર બંગાળ અને લખનૌમાં થયું હતું.
નિરાલાજીએ પત્નીને સહકાર આપવા હિન્દી શીખી લખવાનું શરૂ કર્યું હતું. રામચરિતમાનસને પ્રિય ગ્રંથ માનતા નિરાલા રામકૃષ્ણ પરમહંસ,વિવેકાનંદ અને ટાગોરને પોતાના આદર્શો ગણતા હતા. છતાં સાહિત્ય કાર તરીકે તેમની છબી વિદ્રોહી , ક્રાંતિકારી છે. પિતાની ઈચ્છા વિરુદ્ધ નિરાલા પોતાના વિચારોને પ્રગટ કરતાં હતાં. કવિતા ,નવલકથા, વાર્તા જેવા અનેક સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કરનાર નિરાલા હિન્દી સાહિત્યના સૌથી ચર્ચિત કવિઓ પૈકીના એક છે.
હિન્દી સાહિત્ય ક્ષેત્રે તેમણે પરિમલ, અર્ચના, દ્વિતીય અનામિકા, સાંધ્ય કાકલી, અપરા, ગીતિકા, નયે પત્તે,આરાધના, રાગ બિરાગ, ગીત કુંજ જેવી કૃતિઓ દ્વારા યુગપરીિવર્તનકારી યોગદાન આપ્યું છે.
નિરાલાની ઝેર પી અમૃત વરસાવનારા કવિ અને પૃથ્વી પર ગંગા ઉતારનારા રાજા ભગીરથ તરીકે સરાહના થઇ છે. સાહિત્યની સાથે તેઓએ સમન્વય, મતવાલા અને સુધા જેવા સામયિકોનું સંપાદન પણ કર્ય઼ું હતું. નિરાલા વગર હિન્દી સાહિત્ય કેવું હોત તેવી કલ્પના સુધી તેમના યોગદાનની ચર્ચા થઈ છે.
૨૦મા સૈકાના ભારતના અવાજ સમા નિરાલાનું ૧૫ ઓકટો.૧૯૬૧ ના રોજ અલ્હાબાદ માં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
Comments
Post a Comment