આનંદીબાઈ જોશી


ડોક્ટર આંનદીબાઈ જોષી (૧૮૬૫..૧૮૮૭)

       આજે માર્ચનો છેલ્લો દિવસ અને રેને દેકાર્ટે અને ભારતમાં મેડીકલની પહેલી પદવી પ્રાપ્ત કરનાર આનંદીબાઈ જોશીનો જન્મદિવસ છે.
       પૂણેમાં જન્મેલા આનંદીબાઈનું બચપણનું નામ યમુના હતું. ૯ વર્ષની બાળવયે તેમનાથી ૨૦ વર્ષ મોટા વિધુર ગોપાળરાવ સાથે લગ્ન થયા.પતિએ આનંદીબાઈ નામ આપ્યું.આમ કજોડું કહેવાય પણ આ દમ્પતીએ ઐતિહાસિક ભૂમિકા અદા કરી .
       ૧૪માવર્ષે માતા બનેલાં આનંદીબાઈનો પુત્ર જન્મના ૧૦માં દિવસે મૃત્યું પામ્યો અને તેમણે કસમયે થતાં મોતને નિવારવા ડોકટર થવાનું નક્કી કર્યું. તેમાં પતિ ગોપાળરાવે રૂઢિચુસ્ત જમાનાની લેશમાત્ર ચિંતા કર્યા વગર દામ્પત્ય ધર્મ બજાવ્યો. પત્નીને  મરાઠી, સંસ્કૃત અને અંગ્રેજી શીખવ્યું.મહિલાઓને શિક્ષણ પણ નસીબ ન હતું ત્યારે આ એક ક્રાંતિ હતી. કારણ જે છોકરી ભણે તેનો પતિ મરી જાય તેવી  માન્યતાનો એ જમાનો હતો.
         આનંદીબાઈ એ ૧૮૮૩ માં અમેરિકાની પેનસિલવેનિયાની વુમન મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો અને ૧૧ માર્ચ ૧૮૮૬ ના રોજ ૧૯ વર્ષની ઉંમરે મેડિકલની પદવી લઈ ભારત આવ્યા.લોકમાન્ય ટિળક સહિતના લોકોએ તેમનું નાયિકાની જેમ દેશમાં સ્વાગત કર્યું. કોલ્હાપુરના શાસકે ફિઝિશિયંન તરીકે નિમણુક આપી.
        પરંતુ અમેરિકાનું ઠંડુ વાતાવરણ અને સાનુકૂળ ખોરાકના અભાવે તબિયત બગડી, ટી.બી. નું નિદાન થયું અને માત્ર ૨૨ વર્ષની વયે ભારતના ઇતિહાસમાં તેજ લીસોટા સમાન આનંદી બાઈનું અવસાન થયું.
         જે ઉદ્દેશથી તેઓએ મેડિકલ ડિગ્રી હાંસલ કરી હતી તે ભલે ફળીભૂત ન થયો પણ આનંદીબાઈ જોષીએ ભારતમાં સ્ત્રીઓ માટે ઉચ્ચ શિક્ષણ અને ખાસ તો તબીબી શિક્ષણનાં દ્રાર ખોલી દીધા હતા. આવી યુગપરિવર્તનકારી મહિલા વિશે ૧૮૮૮ માં કેરોલિન વિલ્સે "The Life of dr.anandibai joshee" નામે જીવનચરિત્ર લખ્યું છે.તેમના જીવન સંઘર્ષ વિશે મરાઠીમાં નવલકથા અને દૂરદર્શને ટેલિવિઝન સિરિયલ બનાવી હતી.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૩૧ માર્ચ ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ