વિશ્વનાથ ભટ્ટ
સિદ્ધાંતનિષ્ઠ વિવેચક :
વિશ્વનાથ ભટ્ટ (૧૮૯૮..૧૯૬૮)
આજે મહાન વિજ્ઞાની સર આઇઝેક ન્યુટન અને આપણી ભાષાના સમર્થ વિવેચક વિશ્વનાથ ભટ્ટનો જન્મદિવસ છે.
નર્મદ... નવલરામથી શરૂ થયેલી ગુજરાતી સાહિત્ય વિવેચન પ્રવુતિઓનો મહત્વપૂર્ણ મુકામ વિશ્વનાથ ભટ્ટ છે.ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે જન્મેલા વિશ્વનાથ અમરેલીથી મેટ્રિક અને ૧૯૨૦માં ભાવનગરની શામળદાસ કોલેજથી સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે સ્નાતક થયા હતા. તેઓ અનુસ્નાતક થવા પણ ઈચ્છતા હતા પણ મહાત્મા ગાંધી પ્રેરિત અસહકારના જુવાળમાં ભણતર છોડ્યું.તે પછીના સમયમાં અમદાવાદની વિવિધ કોલેજોમાં અઘ્યાપન કાર્ય કર્યું. વચ્ચે ભારતીય વિદ્યાભવન અને ગુજરાત વિદ્યાપીઠના જોડણી કોશ સાથે પણ સંકળાયા હતાં.
વિશ્વનાથ ભટ્ટ ૧૯૨૨..૧૯૫૨ એટલકે ત્રણ દાયકા સુધી અવિશ્રાતપણે વિવેચન પ્રવૃતિમાં સક્રિય રહ્યાં હતાં. વિવિધ સામયિકોમાં વિવેચન લેખો અને પછી તેનું ગ્રંથ સ્વરૂપ એમ ગુજરાતી વિવેચન સાહિત્યમાં માતબર યોગદાન આપ્યું. સાહિત્ય સમીક્ષા, વિવેચન મુકુર, સાહિત્યનો સ્વાધ્યાય, નિકશરેખા જેવાં વિવેચન ગંથો ઉપરાંત વીર નર્મદ ચરિત્ર ગ્રંથ નિબંધમાલા, પારિભાષિક શબ્દકોશ અને નર્મદનું મંદિર: પદ્ય વિભાગ, નર્મદનું મંદિર: ગદ્ય વિભાગ જેવાં પુસ્તકો લખ્યાં છે.
અનુવાદ સાહિત્યમાં પણ યોગદાન આપનાર વિશ્વનાથનું ઘણું સાહિત્ય અપ્રકાશિત છે."વિવેચક સૌપ્રથમ તો સાહિત્યનાં સૌંદર્ય દર્શન માટે પ્રવૃત્ત થાય છે,પછી કેળવાયેલી પરિષ્કૃત સૌંદર્ય ભાવનાથી સાહિત્યનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરે છે,"એ વિશ્વનાથનું મુખ્ય પ્રતિપાદન છે.
તેમનાં વિવેચનમાં બૌદ્ધિકતા, બહુશ્રુંતતા અને શાસ્ત્રીયતા છે.વિવેચક, સર્જક કરતાં ચડિયાતો છે તેવું તેઓ માનતા હતા. તેમનો વીર નર્મદ ગ્રંથ ગુજરાતી ચરિત્ર સાહિત્યમાં પ્રભાવશાળીી ચરિત્ર ગ્રંથ છે.
તારીખ ૨૭ નવે.૧૯૬૮ ના રોજ તેમનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર ,૨૦ માર્ચ ૨૦૧૯ , અમદાવાદ
Comments
Post a Comment