પુષ્પાબેન મહેતા

              નારી હક્કોના ચેમ્પિયન:
          પુષ્પાબેન મહેતા (૧૯૦૫..૧૯૮૮)

         આજે  પુષ્પાબેન મહેતાનો  જન્મદિવસ છે.કલમ, કડછી અને બરછી માટે પંકાયેલી વડનગરા નાગર જ્ઞાતિમાં તેમનો જન્મ પ્રભાસ પાટણમાં થયો હતો. પિતા  હરપ્રસાદ દેસાઈ બ્રિટિશ અને જૂનાગઢની નવાબીમાં મહત્વનું સ્થાન ધરાવતાં હતાં .
       નાનપણથી જ ગૃહવ્યવસ્થા માથે આવી પડી પણ આજ બાબત પુષ્પાબેન માટે ભાવિ જીવનની પ્રયોગશાળા સમું બન્યું હતું. વાંચનનો શોખ ધરાવતાં પુષ્પાબેન પ્રભાસ પાટણ અને મહાલક્ષ્મી ફિમેલ કોલેજમાં ભણ્યા હતા. શાળામાં ૧૪ વર્ષની ઉંમરે ક્ષમા,દયા અને કૃપા વિશે સતત ત્રણ કલાક બોલ્યાં હતાં. બોલવાની રીતે જ નહીં શાળામાં ઈનામ ન મળવાથી રડતી છોકરીને પોતાને મળેલું ઈનામ આપી દઈ પ્રત્યક્ષ પ્રમાણ પણ આપ્યું હતું.
          નાની વયે જનાર્દનરાય સાથે લગ્ન થયાં.૧૯૩૧ માં પતિનું અવસાન થયું તે પછી પુષ્પાબેને  કાળી સાડી અને સફેદ બ્લાઉઝના જ પોશાક સાથે ૫૮ વર્ષ વૈધવ્ય પાળ્યું, દિવંગત પતિના પુત્રનો સગા પુત્ર કરતાં વિશેષ ઉછેર કર્યો.
           પુષ્પાબેન ગાંધીજીથી ગાઢ રીતે પ્રભાવિત હતાં. જાતે વણેલી ખાદી જ પહેરતાં. આઝાદીની વિવિધ લડતોમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો. ૪૨ ના  આંદોલનમાં ભૂગર્ભ પ્રવુતિઓ પણ કરી. આઝાદી આંદોલનના ગાળામાં મિલમજૂરોના શાહુકારો દ્વારા થતાં બેફામ શોષણ વિરૂદ્ધ પણ તેમની પ્રવુતિઓ સરાહનીય રહી હતી.
           ગુજરાતની સ્ત્રી સંસ્થાઓમાં પણ પુષ્પાબેનનું સીધું યોગદાન રહ્યું છે. પુષ્પાબેન સૌરાષ્ટ્ર ધારાસભા, મુંબઇ ધારાસભા, સૌરાષ્ટ્ર બંધારણ સભાના અને ૧૯૭૦માં રાજ્યસભાના સભ્ય પણ રહ્યાં હતાં.  રાજ્યસભામાં તેમણે ગર્ભપાત વિરોધી બીલ રજૂ કર્યું હતું.
             આઝાદી પછીની ગુજરાતની જાહેરજીવનની મોટાભાગની પ્રવૃતિઓમાં પુષ્પાબેન સંકળાયેલા હતા. પુષ્પાબેન મહેતાનું જમનાલાલ બજાજ  સહિત અનેક પુરસ્કારોથી સન્માન થયું છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ