ગંગુબાઈ હંગલ
અતુલ્ય સંઘર્ષની કહાની :
ગંગુબાઈ હંગલ (૧૯૧૩..૨૦૦૯)
" મુસ્લિમ સંગીતકાર ઉસ્તાદ કહેવાય, સંગીતકાર હિન્દુ હોય તો પંડિત ગણાય પણ કમનસીબી એ વાતની છે કે મહિલા સંગીતકાર માત્ર બાઈ બનીને રહી જાય છે."
પ્રસ્તુત વેદના કર્ણાટકની મહાન ગાયિકા ગંગુબાઇ હંગલે વ્યક્ત કરી હતી. કર્ણાટક રાજ્યના ધારવાડ જિલ્લાના શુકવારદાપેતે ખાતે તેમનો જન્મ દેવદાસી પરિવારમાં થયો હતો.૧૬ વર્ષની વયે લગ્ન થયાં પણ ચાર જ વર્ષમાં ૨ પુત્ર અને ૧ પુત્રીની ભેટ આપી પતિ સ્વર્ગે સિધાવ્યા.
ગંગુબાઈના માતા સંગીતજ્ઞ હોવાથી પુત્રીને સંગીતકાર બનાવવાં માટે જાણીતાં સંગીતકારો પાસે તાલીમ અપાવી. ગરીબાઈ, લિંગ અને જાતિય ભેદભાવો સામે ઝઝૂમતા ગંગુબાઇએ પોતાની સંગીતકાર તરીકેની યાત્રા તય કરી હતી. બચપણમાં ગ્રામોફોનનો એટલો શોખ હતો કે ગ્રામોફોન સાંભળવા સડક પર દોડી પડતાં તેનાં અવાજની નકલ પણ કરતાં.
સંગીતકાર તરીકે સ્થાપિત થયાં પછી ભૈરવ, તોડી, ભીમપલાસી , પુરિયા, ધનશ્રી જેવાં શાસ્ત્રીય રાગોમાં પોતાનું કૌવત દાખવ્યું હતું. મુંબઇનાં સાવર્જનિક ગણેશ મહોત્સવમાં ગાવામાં ગંગુબાઇ વિશેષ આનંદ અનુભવતા હતા.
એક સંગીતકારે કંજૂસ વ્યક્તિની જેમ પોતાનાં સુરનો ઉપયોગ કરવો જોઈએ જેથી ભાવકો રાગની બારીકીઓ સમજી શકે તેવી ગંગુબાઈની માન્યતા હતી.
ગંગુબાઈની સંગીત સાધનાનું પદ્મભૂષણ, પદ્મવિભૂષણ , સંગીત નાટક અકાદમી એવોર્ડ, કર્ણાટક યુનિ. ડોકટેરેટની પદવી એમ અનેક રીતે સન્માન થયું છે. ગંગુબાઈ હંગલે "મેરે જીવન કા સંગીત " શીર્ષકથી આત્મવૃતાંત પણ લખ્યું છે.
અતુલ્ય સંઘર્ષની કહાની સમાન ગંગુબાઈ હંગલનું ૨૧ જુલાઈ ૨૦૦૯ નાં રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર,૫ માર્ચ ૨૦૧૯ , અમદાવાદ
Comments
Post a Comment