દેવિકા રાની


            રજતપટની પહેલી ડ્રીમ ગર્લ :
            દેવિકા રાની (૧૯૦૮..૧૯૯૪)
    ભારતીય મહિલાઓ "રસોડાની રાણી" જ હતી ત્યારે એક સાહસિક યુવતીએ તદ્દન નવતર ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.ક્ષેત્ર હતું ફિલ્મો અને પ્રયોજક મહિલા નામે દેવિકા રાની. આજે તેમનો જન્મદિવસ છે.
     જૂનાં મદ્રાસ પ્રાંત ના વિશાખાપટ્ટનમમાં વલ્ટયેરમાં અત્યંત ધનિક પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પિતા પ્રાંતના પહેલા સર્જન અને કાકા કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ હતા. પ્રારંભિક શિક્ષણ મેળવી દેવિકા ઇંગ્લેન્ડ ગયા. ત્યાં નાટય શિક્ષણ લીધું અને ફિલ્મોમાં અભિનય કરવાના ઇરાદા સાથે ભારત આવ્યા. પણ પરિવારને તે સ્હેજે મંજૂર ન હતું.
      ૧૯૨૮ માં દેવિકા રાનીનો પરિચય નિર્માતા હિમાંશુ રોય સાથે થયો અને તેમણે દેવિકાને ફિલ્મી પરદે પ્રસ્તુત કર્યા. બંનેની પહેલી ફિલ્મ" કર્મા "હતી. તે પછી તો જવાની કી હવા, અંજાન, સાવિત્રી, ઈજ્જત , અછૂત કન્યા,જન્મભૂમિ, જીવન નૈયા જેવી અનેક ફિલ્મોમાં અભિનય આપ્યો. અછૂત કન્યાના કસ્તુરીના પાત્ર પછી તો "ડ્રીમ ગર્લ "અને "લેડી ઑફ ઇન્ડિયન સ્ક્રીન" જેવી ઉપાધિ મળી.
       દેવિકા એ પોતાના યુગથી આગળ જર્જર સામાજિક રૂઢિઓ અને માન્યતાઓને પડકારી માનવીય મૂલ્યો અને સંવેદના ઓને સ્થાપિત કરવાનું સ્તુત્ય કાર્ય બજાવ્યું હતું. ૧૯૪૦ માં પતિ હિમાંશુનાં અવસાન પછી હિંમત હાર્યા વગર બોમ્બે ટોકિઝ સ્ટુડિયો પર નિયંત્રણ સ્થાપ્યું.૧૯૪૫ માં રશિયન ચિત્રકાર રોરિક સાથે પુનઃ લગ્ન કરી બેંગ્લોરમાં સ્થાયી થયા.
         દેવિકા રાનીનું પદ્મશ્રી, સોવિયત લેન્ડ નહેરુ પુરસ્કાર અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માન થયું હતું. તારીખ ૮ માર્ચ ૧૯૯૪ ના રોજ તેમનું અવસાન થયું હતું.
          ફિલ્મોમાં કામ કરવાના અપ્રિતમ સાહસ અને અદ્વિતીય સુંદરતા માટે દેવિકા રાની હંમેશા યાદ રહેશે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૩૦ માર્ચ ૨૦૧૯, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ