હલદી ઘાટી - 2
29.04.2019
🎠🎠 *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી* 🎠🎠
*મુઘલાઈ યુદ્ધો - હલ્દી ઘાટીનું યુદ્ધ - ૧૫૭૬*
*પ્રકરણ:-50 *
લેખક:✒ *શ્રી અરુણ ભાઈ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
વ્યક્તિગત જીવનમાં બનતી ઘટનાઓ પણ જો અકારણ બનતી ન હોય તો યુદ્ધ જેવી મહત્વપૂર્ણ ઘટના કારણ વિના કેવી રીતે બની શકે ? હલ્દી ઘાટીનું યુદ્ધ ભારતનાં યુદ્ધોના ઇતિહાસમાં અદ્વિતીય અને અભૂતપૂર્વ હતું. તેનાં એકાધિક કારણો હતાં. અકબરે ઉત્તર ભારતના મોટાભાગનાં રાજપૂત રાજ્યો જીતી તેમને મુઘલ સામ્રાજ્ય હસ્તક આણ્યા હતા. પરંતુ અકબરનાં સ્વપ્નનો વિજય હજુ થોડો આઘો હતો. હલ્દી ઘાટીનું યુદ્ધ ભલે અકબરની સામ્રાજ્યવાદી નીતિઓને કારણે થયું હોય, છતાં તેની પૃષ્ઠભૂમિ ઘણી મજબૂત હતી. હલ્દી ઘાટીના યુદ્ધનાં પરિબળો જોઈએ:
૧. મહારાણા પ્રતાપ અને જોધપુરના રાજા ચંદ્રસેનને બાદ કરતાં મોટાભાગના રાજસ્થાની રાજાઓ મુઘલ બાદશાહ અકબરની કદમબોશી કરતા હતા. આઝાદી જાળવી રાખવા માટે તત્પર મેવાડમાં મહારાણા પ્રતાપને કારણે રાજપૂતી ગૌરવ, સાહસ અને પુરુષાર્થ ટકી રહ્યાં હતાં. મેવાડની સ્વતંત્રતા કાજે જ પ્રતાપે રજવાડી જીવનશૈલી છોડી સામાન્ય માણસ જેવું જીવન જીવવાનું શરૂ કર્યું હતું. પ્રતાપને મેવાડની મહાન પરંપરાઓ પ્રતિ ગાઢ લગાવ હતો તેથી આગ્રાના મુઘલ દરબારમાં પરાધીનતાનાં પકવાન ખાવા કરતાં જંગલમાં લૂખું-સૂકું ખાઈ આઝાદી જાળવી રાખવામાં પોતાનું અને મેવાડનું ગૌરવ સમજતો હતો. આમ મહારાણા પ્રતાપની સ્વાતંત્ર્યપ્રિયતા જ હલ્દી ઘાટીના યુદ્ધના મૂળમાં હતું.
૨. મહારાણા પ્રતાપ આઝાદીનો આશક હતો, તો અકબર હઠીલો હતો. કાબુલથી આસામ અને કાશ્મીરથી મદ્રાસ સુધીના પ્રદેશોવાળા વિશાળ મુઘલ સામ્રાજ્યમાં મેવાડ અપવાદરૂપ રાજ્ય હતું. જે અકબરને કણાની જેમ ખૂંચતું હતું. મુઘલ દરબારમાં મેવાડ અને તેના ધણી પ્રતાપની ગેરહાજરી અકબરને સતત ખટકતી હતી. છતાં તેનો નિવેડો સમાધાનવૃત્તિથી લાવવા તે પ્રયત્નશીલ હતો. ટૂંકમાં બાદશાહના સામ્રાજ્યવાદ વિરુદ્ધ મહારાણા પ્રતાપની સ્વતંત્રતાપ્રિયતા હલ્દી ઘાટીના યુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું.
૩. અકબર સામ્રાજ્યવાદી શાસક હોવા સાથે કુશળ વહીવટકર્તા પણ હતો. રાજ્યની આર્થિક સમૃદ્ધિ વિશે તો તે સદૈવ ચિંતિત હતો. ગુજરાતનો અત્યંત સમૃદ્ધ પ્રદેશ મુઘલિયા સલ્તનતના તાબામાં હતો. અહીંનું સુરત બંદર દેશાવરોમાં વેપાર કરવા માટે પ્રસિદ્ધ હતું. વળી મક્કાની હજયાત્રા માટેનો મોકાનો માર્ગ સુરતથી જતો હોવાથી સુરત ‘બંદર મુબારક’ પણ કહેવાતું હતું. ધાર્મિક અને આર્થિક રીતે અગત્યના માર્ગમાં ચિતોડ પડતું હતું. અને અકબર તેની સ્વતંત્રતા કેવી રીતે સહન કરે?
૪. અકબર ભલે મોટો સામ્રાજ્યવાદી હોવા છતાં અને ચિતોડ તેના સપનાનો વિજય હોવા છતાં શરૂમાં તો પ્રતાપ સાથેનું તેનું વલણ સમાધાનકારી અને સમજાવટવાળું રહ્યું હતું. તેના ભાગરૂપે વાક્ચાતુરીમાં માહેર જલાલ ખાન અને રાજા ટોડરમલ પ્રતાપને સમજાવી ચૂક્યા હતા, પણ પરિણામ શૂન્ય. આખરે આમેરનો રાજા માનસિંહ આસમાધાની માટે આગળ આવ્યો. એપ્રિલ ૧૫૭૩માં માનસિંહ ઉદેપુરમાં પ્રતાપ સાથે મુલાકાત માટે આવ્યો. પ્રતાપે શાહી પદ્ધતિથી તેનું સ્વાગત કરાવ્યું. પરંતુ ભોજન સમયે પ્રતાપ માનસિંહ સાથે જમવા ન બેઠો, પણ પોતાના પુત્ર અમર સિંહને મોકલ્યો. માનસિંહે પ્રતાપની ગેરહાજરીનું કારણ પૂછ્યું તો અમરસિંહે કહ્યું કે પિતાજીને શિરદર્દ હોવાથી તેઓ ભોજનમાં સામેલ થયા નથી. ચતુર માનસિંહ સાનમાં બધું સમજી ગયો અને તેણે ટોણો મારતાં કહ્યું કે પ્રતાપનું દર્દ હું સમજી શકું છું.
આ વાત પ્રતાપ સુધી પહોંચતાં તેણે માનસિંહને કહેવડાવ્યું કે પોતાની બહેન-દીકરીઓને મુઘલો અને તુર્કો જેવા વિધર્મીઓ સાથે પરણવાનાર રાજપૂતો સાથે ભોજન લેવા કરતાં મરવું બહેતર છે. માનસિંહ માટે પ્રતાપની વાત લપડાક સમી હતી. માનસિંહ પીરસેલી થાળીએ ઊભો થઇ ગયો અને પ્રતાપને ધમકીભરી ભાષામાં કહ્યું કે, "તમારી આઝાદી કેવી રીતે ટકાવો છો તે હું જોઈ લઈશ. હવે આ ધરતી તમને વધુ સમય સંઘરી નહિ શકે! તમારા ગર્વના ચૂરેચૂરા ન કરી દઉં તો હું માનસિંહ નહીં." તેની સાથે માનસિંહ ઉદેપુરના ઉદયસાગર તળાવથી દિલ્હીની વાટે નીકળી પડ્યો. તેના જવા સાથે જ સ્વમાની પ્રતાપે માનસિંહ જ્યાં જમવા બેઠો હતો ત્યાં બે-બે ગાહ જમીન ખોદાવી ગંગાજળ છંટાવ્યું. માનસિંહ સાથે બેઠેલા સેનાપતિઓને સ્નાન કરાવી પવિત્ર કરાવ્યા. એટલું જ નહીં, માનસિંહના ભોજન માટે જે વાસણો ઉપયોગમાં લેવાયાં હતાં તે બધાં તળાવમાં ફેંકાવી દીધાં.
આમ મહારાણા પ્રતાપે અકબર અને રાજા માનસિંહ સામે આક્રોશની પરાકાષ્ઠા દેખાડી હતી. આ બધી વાતો ઊડતી-ઊડતી મુઘલ દરબાર સુધી પહોંચી હતી. હવે માનસિંહ પણ પ્રતાપને નાથવા ભૂરાટો થયો હતો. હલ્દી ઘાટીના યુદ્ધની વધુ વિગતો કાલે.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment