હલદી ઘાટી 2
30.04.2019
🎠🎠 *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી* 🎠🎠
*મુઘલાઈ યુદ્ધોઃ હલ્દી ઘાટીનું યુદ્ધ -૧૫૭૬*
લેખક:✒ *શ્રી અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
મહારાણા પ્રતાપને પડકારી કુંવર માનસિંહ દિલ્હીના માર્ગે પડ્યો. આમ તો હલ્દી ઘાટીના યુદ્ધમાં અકબર કરતાં માનસિંહની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ હતી. તેથી તેનો ટૂંકો પરિચય જરૂરી બને છે.
આમેરનો આ ભાવિ શાસક તેના દાદાનો અત્યંત લાડકો હતો અને પિતા ભગવાનદાસ પછી આમેરનો રાજા બન્યો હતો. માનસિંહે આમેર પર ઈ.સ. ૧૫૮૯થી ૧૬૧૪ સુધી શાસન કર્યું હતું.રાજસ્થાનના રાજપૂત રાજાઓમાં અકબરની મૈત્રી સૌપ્રથમ માનસિંહે સ્વીકારી હતી. એટલું જ નહિ, રાજપુતાનાના રાજાઓને અકબર અને મુઘલ દરબારમાં કદમબોસી સુધી લઇ જવાની જવાબદારી પણ માનસિંહે જ ઉપાડી હતી. તેણે ૧૫૬૫થી ૧૫૭૪ સુધી મુઘલ દરબારમાં એટલે કે આખી જુવાની મુઘલ સંસર્ગમાં વીતાવી હતી. અકબર સાથે રહી યુવાનીમાં તે અસ્ત્ર-શસ્ત્રના પાઠ શીખ્યો હતો. મુઘલો સાથે માનસિંહે પોતાની ફોઈ, બહેન અને પૌત્રીનાં લગ્ન કરાવી સગાઇ સંબધોની મજબૂત ગાંઠ રચી હતી. આ સંબંધોના આધારે જ અકબરના દરબારમાં તેણે માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તે ૭ હજાર જાત અને ૬ હજાર સવારનો મનસબદાર બન્યો હતો, જે અકબરના સમયમાં કોઈપણ હિન્દુને મળેલો સૌથી ઊંચો દરજ્જો હતો. અકબર વતી લડી તેણે અનેક વિજયો મેળવી મુઘલ સામ્રાજ્યમાં અભિવૃદ્ધિ કરી હતી.
માનસિંહનું વ્યક્તિગત જીવન ઘણું વિલાસી હતું. તેની ૧૫ રાણીઓ હતી, તો તજુક-એ-જહાંગીરીમાં માનસિંહની રાણીઓની સંખ્યા ૧૫ હજાર કીધી છે. તેમાં ૬૦ માનસિંહના અવસાન પછી સતી થઇ હતી. આમેરમાં તેના ૨૪ અને સૈતાસમાં ૧૫ રાણીમહેલો હતા. મુઘલો સાથે ગાઢ રીતે જોડાયેલો હોવા છતાં માનસિંહ પાક્કો હિંદુ હતો. વેંકટપૂરમાં પોતાની આસ્થાના પ્રતીક તરીકે માનસિંહે વિશાળ ભવાનીશંકર મંદિર બંધાવ્યું હતું. મંદિરની સાથે તેણે આમેરમાં શીશમહેલનું નિર્માણ પણ કરાવ્યું હતું.
અકબર અને મુઘલો પ્રત્યે સર્વોપરી વફાદારી બતાવવા માટે જ માનસિંહ અકબરનો દૂત બની પ્રતાપ પાસે ગયો હતો અને તેનું સ્વાભિમાન જ હલ્દી ઘાટીના યુદ્ધનું પ્રબળ કારણ બન્યું હતું. અકબર પ્રત્યેની વફાદારીને કારણે જ માનસિંહ લાંબા સમય સુધી મુઘલ દરબારની શાન બની રહ્યો હતો. શાહજાદા સલીમ (જહાંગીર)ના વિદ્રોહ વખતે પણ ભવિષ્યની ચિંતા કર્યા વગર તેણે અકબરની વફાદારી તોડી ન હતી. આ બધું અકબર પછી મુઘલ બાદશાહ બનનાર જહાંગીરની નજર બહાર ન હતું. ૧૬૦૫ના વર્ષે અકબરનું અવસાન થયું તેની સાથે મુઘલ દરબારમાં માનસિંહનાં વળતાં પાણી થયાં હતાં. જહાંગીર તો તેણે ‘પાખંડી’ અને ‘ભેડીયો’ કહીને સંબોધતો હતો.
જહાંગીરના સમયમાં જે થયું તે ખરું, પણ અકબરના સમયમાં તે હુકમનું પત્તું હતો. તેના લડાયક મિજાજ અને પ્રતાપ સાથેની શત્રુતાનો લાભ ઉઠાવવા માટે જ અકબરે માનસિંહની નિયુક્તિ સેનાપતિ તરીકે કરી હતી. હલ્દી ઘાટીના યુદ્ધ પૂર્વે તો ખુદ અકબરે અજમેર આવી ૧૮ માર્ચ ૧૫૭૬નારોજ પ્રતાપ વિરુદ્ધના યુદ્ધમાં તેને મુખ્ય સેનાપતિ બનાવ્યો હતો. (રાજકીય કુસંપ અંગ્રેજોએ પેદા કર્યો હતો તેવું માનનારા લોકો આ ઘટનાક્રમ પર વિચાર કરજો.)
૩ એપ્રિલ ૧૫૭૬ના રોજ માનસિંહ મુઘલ ફોજ સાથે અજમેરથી નીકળ્યો. તેની સાથે અસફ ખાન સૈયદ અહમદ ગાઝી ખાન, સૈયદ રજુ, ખેંગાર, મીહતરખાન, મઝાહીદ બેગ, જગન્નાથ કછવાહા, માધોસિંહ અને રાય લુણકાણ જેવા સેનાપતિઓ અને અકબરનો ઇતિહાસકાર બદાયુની પણ હતો. અકબરનું ધાડું અજમેરથી માંડલગઢ પહોંચ્યું. અહીં મુઘલ સેનાએ બે મહિના મુકામ કર્યો. માનસિંહ પહેલો હુમલો પ્રતાપ કરશે તેવી અપેક્ષા રાખતો હતો. બીજું કે વિશાળ મુઘલ સેનાના આગમનના સમાચારથી પ્રતાપ ફફડી જશે અને સમાધાન માટે દોડતો આવશે તેવાં દીવાસ્વપ્ન પણ માનસિંહ જોતો હતો.
સામી બાજુ રાણા પ્રતાપ માટે ખુદ પોતાના માટે નહિ મેવાડની પ્રતિષ્ઠા પણ દાવ પર હતી. મુઘલો પાસે ૮૦ હજારનું સ્થાયી લશ્કર, તોપખાનું અને કેળવાયેલા હાથીઓ હતા. મેવાડ પાસે ૨૦ હજાર સૈનિકો અને હાથીઓ જ હતા તોપખાનાનો સદંતર અભાવ. ટૂંકમાં આ સંઘર્ષ અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ વિશાળ સૈન્ય વિરુદ્ધ મર્યાદિત લશ્કર વચ્ચેનો સંઘર્ષ બનાવાનો હતો.
હલ્દી ઘાટીમાં પ્રતાપ સાવ નોંધારો પણ ન હતો.તેની મદદે ગ્વાલિયરનો રાજા રામસિંહ તંવર અને તેનો પુત્ર શાલિવાહન, ભવાનીસિંહ, ભામાશાહ અને તારાચંદ, પઠાણ હકીમ ખાન, ભીમસિંહ ડોડીયા, કૃષ્ણા દાસ ચુડાવત, રાવત સાંગા અને સૌથી મહત્વનો ચંદાવલનો ભીલ સરદાર પૂંજો તેની ભીલ ટુકડી સાથે તૈયાર હતા. આ બધા મહારાણા પ્રતાપ અને મેવાડની સ્વાધીનતા અને ગૌરવ માટે મરતે દમ સુધી તેની સાથે હતા. આ બધું છતાં પ્રતાપ ઉતાવળિયો કે મરણિયો ન હતો. મુઘલોની લશ્કરી હિલચાલ પર બાજ નજર ટેકવી બેઠો હતો.
માનસિંહ સાથે સીધા યુદ્ધ મેદાનમાં ટકરાવાના બદલે પ્રતાપે જંગલનો રસ્તો લીધો. આ જંગલનો રસ્તો એટલો તો સાંકડો હતો કે તેની કેડીઓ પર એક સમયે એક જ માણસ પસાર થઇ શકતો. પ્રતાપ, માનસિંહ અને મુઘલોને આ જંગલના ચક્રવ્યૂહમાં સપડાવવા માગતો હતો. કારણકે અહીં મહારાણા પ્રતાપના વફાદાર ભીલો પ્રતાપ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર હતા. પરંતુ માનસિંહ પણ અકબરની યુક્તિ સમજી ગયો હોય કે ગમે તે કારણે પ્રતાપના આ વ્યૂહથી દૂર જ રહ્યો. જો માનસિંહ આ જંગલમાં પેઠો હોત તો તેની કબર ત્યાં જ ખોદાઈ ગઈ હોત અને મેવાડનો ઈતિહાસ પણ જુદો હોત! માનસિંહ માંડલગઢથી મોહી, ભુતાલા વગેરે ગામો વટાવી હલ્દી ઘાટી નજીક પહોંચી ગયો અને બનાસ નદીના કાંઠે ડેરો તાણ્યો.(હલ્દી ઘાટી નામ ત્યાંના પથ્થરો હળદરિયા રંગના હોવાથી પડ્યું હતું.)
આખરે પ્રતાપે પણ ભારે તૈયારી સાથે ગોગંદ નામના સ્થળેથી ચડી આવ્યો. બંને સૈન્યો સામસામાં ગોઠવાઈ ગયાં. તેમની વચ્ચે માત્ર ૩ કોસનું જ અંતર હતું. અને ભારતના ઇતિહાસમાં દાયકાઓ, સદીઓ સુધી યાદગાર બનનાર યુદ્ધ શરૂ થવાનું હતું. આ વાતને કાલ પર રાખીએ?
*સૌજન્ય:*
https://www.divyabhaskar.com
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment