સ્નેહરશ્મિ
સ્નેહરશ્મિ
આજે તારીખ ૧૬ એપ્રિલ. આજના દિવસે જ પંચ મહાલના ૫ નાયક આદિવાસીઓને અંગ્રેજોએ ફાંસીના માંચડે લટકાવી દીધા હતા. આ ઘટનાને આજે ૧૫૦ વર્ષ થયાં.
આજના દિવસે જ મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી સ્નેહરશ્મિ અને સમાજશાસ્ત્રી અક્ષયકુમાર દેસાઇનો જન્મ થયો હતો.
સ્નેહરશ્મિનું મૂળ નામ ઝીણાભાઈ રતનજી દ્દેસાઈ અને જન્મસ્થળ વલસાડ જિલ્લામાં ચીખલી ખાતે. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ચીખલીમાં મેળવ્યું.૧૯૨૦ માં અસહકારનું આંદોલન શરૂ થતાં અભ્યાસ પડતો મૂકી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા .વિદ્યાપીઠના સ્નાતક થઈ અધ્યાપક બન્યાં.
૧૯૩૦ માં "સત્યાગ્રહ પત્રિકા"નું સંપાદન સંભાળ્યુ. મુંબઇ રાષ્ટ્રીય શાળામાં આચાર્ય બન્યાં.૧૯૩૮ માં અમદાવાદમાં ચી. ન. વિદ્યાવિહારના આચાર્યપદેથી નિવૃત્ત થયાં.૧૯૪૨ માં હિંદ છોડો આંદોલનમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો.
આઝાદીના સૈનિક કરતાં સ્નેહરશ્મિ સાહિત્યકાર તરીકે વધુ જાણીતા છે. અર્ધ્ય, અણદીઠ જાદુગર, પનઘટ, સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, અતીતની પાંખમાંથી, કેવળ બીજ, ગાતાં આસોપાલવ, તૂટેલા તાર, મોટી બહેન, હીરાના લટકણિયાં, શ્રીફળ , અંતરપટ, સાફલ્યટાણું વગેરે તેમની જાણીતી કૃતિઓ છે.
ગુજરાતી ભાષામાં હાઈકુ કાવ્યપ્રકારનો આર્વિભાવ અને સ્થાપન કરવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. તેમનાં સર્જનોમાં મૂલ્યબોધ અને યુગ સંદર્ભ નોંધપાત્ર છે. રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, રણજિતરામ અને નર્મદ સુવર્ણચંદ્રક ,ગુજરાત યુનિવર્સિટી સેનેટ.. સિન્ડિકેટ મેમ્બર એમ અનેક રીતે તેઓનું સન્માન થયું હતું.
શિક્ષણકાર, સાહિત્યકાર અને સ્વતંત્રતા સેનાની સ્નેહરશ્મિનું ૬ જાન્યુ.૧૯૯૧ ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૬ એપ્રિલ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment