દુર્ગાવતી કી કહાની
27.04.2019
🎠🎠 *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી* 🎠🎠
*મુઘલાઈ યુદ્ધો - અકબરનાં યુદ્ધો
(ગૌડવાનું યુદ્ધ - ૧૫૬૪)*
*પ્રકરણ:- 48*
લેખક:✒ *શ્રી અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
મધ્યપ્રદેશનો ઉત્તર ભાગ ગૌડવા તરીકે ઓળખાય છે. તેનો ઈતિહાસ છેક પાંચમી સદીથી શરૂ થાય છે. પાંચમી સદીમાં ગૌડવા કતંગ ગૌડ તરીકે ઓળખાતું હતું. મુઘલ બાદશાહ અકબર જ્યારે તેની ભારત વિજય યાત્રાઓ શરૂ કરી રહ્યો હતો ત્યારે અહીં રાણી દુર્ગાવતીનું શાસન હતું. અલબત્ત તે ખુદ શાસક ન હતી. તેના બાળપુત્ર વીર નારાયણ વતી રાણી દુર્ગાવતી તેના વાલી તરીકે શાસન કરતી હતી.
રાણી દુર્ગાવતીએ પોતાના સમયમાં સફળ યુદ્ધો કરી વીરાંગના તરીકેની છબી ઊભી કરી હતી. ખુદ કુશળ તીરંદાજ અને બંદુકબાજ હતી. શિકારની શોખીન હતી. ગઈકાલે આપણે આ જ રાણીએ માળવાના બાજબહાદુરને આપેલા ભૂંડા પરાજયની કહાની જોઈ હતી. ગૌડવા રાજ્ય પાસે ૨૦ હજારનું અશ્વદળ અને ૧ હજાર હાથીઓ હતા. દુર્ગાવતીનું રાજ્ય ધન-ધાન્યથી ભરપુર હતું. તેનો ઉપયોગ પ્રજાકલ્યાણની પ્રવૃત્તિઓમાં પણ ઉદારતાપૂર્વક થતો હતો.
શાસકીય કારકિર્દીના પ્રારંભે બાદશાહ અકબર તેની યુદ્ધ નીતિઓને કારણે જાણીતો હતો. તે માનતો હતો કે લશ્કરને એક દિવસ પણ નવરું બેસવા દેવાય નહીં. જો આમ થાય તો સૈનિકોમાં આળસ આવે અને તેમના લડાયક જુસ્સામાં ઘટાડો થાય છે. પરિણામે માળવા વિજય પછી અકબરનો સામ્રાજ્યવાદી ડોળો ગૌડવા પર પડ્યો. અકબરે સેનાપતિ આસફ ખાનને ગૌડવા પર ચડાઈ કરવા હુકમ કર્યો. ગૌડવા અભિયાન પાછળનો આશય સામ્રાજ્ય વિસ્તાર તો ખરો જ, સાથે ગૌડવા રાજ્યનો અઢળક ખજાનો પણ હતો. પરિણામ આસફ ખાનની ગૌડવા પરની ચડાઈ.
અકબરનો સેનાપતિ આસફ ખાન ૫૦ હજારની મુઘલ સેના લઇ ગૌડવા પર ચડી આવ્યો, પણ રાણી દુર્ગાવતી એમ કંઈ ગાજી જાય તેવી ન હતી. તે પોતાની મુઘલ ફોજની સામે મર્યાદિત સૈનિકો હોવા છતાં લડવા માટે સજ્જ થઇ હુમાયુના વખતથી મુઘલોના શત્રુઓ રહેલા અફઘાન સરદારો પણ તેની મદદમાં દોડી આવ્યા. સૌએ મળી મુઘલોનો લડાયક મુકાબલો કર્યો. રાણી દુર્ગાવતીનું યુદ્ધવાહન હાથી હતું. તે હાથી પર સવાર થઇ નાની છતાં કુશળ સેનાને દોરવણી આપી રહી હતી. દરમિયાન ગૌડવાનો બાળરાજા વીર નારાયણ યુદ્ધમાં ઘાયલ થયો અને રાજાવિહોણું સૈન્ય તિતર - બિતર થતું ગયું. પણ હજુ યુદ્ધ મેદાનમાં રાણી દુર્ગાવતી અણનમ ખડી હતી . વીર નારાયણ પછી મુઘલોએ રાણીને તેમના નિશાના પર લીધી. દુર્ગાવતીને તીર વાગ્યું, પણ બાહોશ રાણીએ શરીરમાંથી તીરને ખેંચી ફેંકી દીધું, તો તરત જ બીજું તીર તેની ગરદન પર વાગ્યું તેને પણ ખેંચી કાઢ્યું. રાણી દુર્ગાવતી વીરાંગના બની લડી રહી હતી, પણ તેનું સૈન્ય તૂટતું જતું હતું.
આખરે લશ્કરના અભાવે પોતે જીતી નહીં શકે તેવું લાગતાં અને શત્રુઓના હાથે પકડાવા કરતાં મરવું ભલું, એમ માની એક સેનાપતિને પોતાની હત્યા કરવા આદેશ કર્યો, પણ આવી બહાદુર અને પ્રજાકલ્યાણકારી શાસક પર કયો સૈનિક વાર કરે? બીજી તરફ યુદ્ધની વ્યૂહરચનાઓમાં માહેર મુઘલોને રાજા વીરનારાયણનું ઘાયલ થવું અને ગૌડવાના સૈન્યની ભાગેડુ વૃત્તિ વગેરેનો અંદાજ આવી ગયો હતો. રાણી દુર્ગાવતી પણ હિંમત હારી ચૂકી હતી. અંતિમ ઉપાય તરીકે તેણે ખુદ પોતાના પેટમાં તલવાર મારી મોતને વહાલું કર્યું. આમ સ્વદેશની રક્ષામાં જીવનું બલિદાન આપી એક મહાન વીરાંગના સદા માટે રણમેદાનમાં પોઢી ગઈ.
બીજી તરફ ઘાયલ વીર નારાયણ સ્વસ્થ થતાં જ યુદ્ધ મેદાનમાં ફરીથી જોડાયો, પણ હવે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. રાજાએ રાજપૂત સૈનિકો સાથે કેસરિયાં કર્યાં અને રણભૂમિમાં શહાદત વહોરી લીધી. તેમની વીરગતિ પછી રાજપૂત વિધવાઓએ શત્રુ સેનાના હાથે પકડાવા કરતાં જૌહર કરવાનું મુનાસિબ સમજ્યું, પરંતુ રાજા વીર નારાયણની પત્ની મુઘલોના હાથે પકડાઈ ગઈ. તેને અકબરના હરમમાં દાખલ કરી દેવામાં આવી અને અકબરના રાણીવાસમાં હિંદુ સ્ત્રીઓની સંખ્યામાં અભિવૃદ્ધિ થઇ. આ પછી પણ મુઘલોએ ગૌડવાને લૂંટવામાં કોઈ કસર છોડી ન હતી. આસપાસના પ્રદેશમાં એટલી તો બેફામ લૂંટ કરી કે ગૌડવા લગભગ ઉજ્જડ થઈ ગયું. ૧ હજારથી વધુ હાથી પણ હડપી લેવામાં આવ્યા, પણ આસફ ખાને ૧ હજારને બદલે માત્ર ૨૦૦ હાથી જ મોકલી પોતાના સ્વામી સાથે ગદ્દારી કરી હતી.
આમ બાદશાહ અકબરનું ગૌડવા અભિયાન વિજય શ્રી સાથે પૂરું થયું. ભલે આ યુદ્ધમાં અકબરનો વિજય થયો હોય, પરંતુ ગૌડવાના યુદ્ધ અને રાણી દુર્ગાવતીની સાહસિકતાની ગુંજ તો આજે પણ ગૌડવા મુલકમાં ગુંજે છે. ગૌડવાના યુદ્ધ પછી હવે આપણે રાજપુતાના તરફ વળીશું અને ભારત વર્ષના ઇતિહાસમાં એક અમર નાયક તરીકે આજે પણ બિરાજેલા મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચેના હલ્દી ઘાટીના યુદ્ધની રોમાંચક વાતો આવતી કાલથી શરૂ કરીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in
*Limited 10 પોસ્ટ* વતી
ખંજન અંતાણી,
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment