મહારાણા પ્રતાપ અને હલદી ઘાટીનું યુદ્ધ
*અકબરનાં યુદ્ધો - હલ્દી ઘાટીનું યુદ્ધ (૧૫૭૬)*
*પ્રકરણ:- 49*
લેખક:✒ *શ્રી અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
આપણા જ એક કવિએ લખ્યું છે કે, "ભાષાને શું વળગે ભૂર, યુદ્ધમાં જીતે તે શૂર." આ કાવ્યપંક્તિમાં યુદ્ધમાં જીતેલાનો મહિમા કરવામાં આવ્યો છે. પરંતુ શું હંમેશાં યુદ્ધમાં જીતેલાનો જ મહિમા કરવામાં આવે છે? જી નહીં. ભારત અને વિશ્વના ઇતિહાસમાં યુદ્ધમાં બૂરી રીતે પરાસ્ત થયા હોવા છતાં અનેક વિરલાઓ આજે પણ આપણા રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયેલા છે. સિકંદર સામે હારેલો પ્રાચીન કાળનો પોરસ, મહમૂદ ઘોરી વિરુદ્ધ વીરગતિને વરેલો પૃથ્વીરાજ ચૌહાણ, હમણાં જ આપણે જેની વાત કરી હતી તે સેનાપતિ હેમુ અને આજે જેની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ તે મહારાણા પ્રતાપ તેના જ્વલંત દાખલાઓ છે.
મુઘલ બાદશાહ અકબર ઉત્તર ભારતમાં ધીરે-ધીરે તેનો વિજય ધ્વજ લહેરાવી હવે રાજપૂતાના તરફ તેની સામ્રાજ્યવાદી નજર દોડાવી રહ્યો હતો. ધાર્મિક રીતે ઉદારતા અને રજપૂતો સાથે યુદ્ધ દ્વારા નહીં, પરંતુ કુનેહથી વિજય મેળવી શકાશે તેવી ધારણા સાથે રાજસ્થાનના રાજપૂત રાજાઓ સાથે એકપક્ષીય લગ્નસંબધો બાંધી પોતાના વિશાળ સામ્રાજ્યની કલ્પનાને ચરિતાર્થ કરી રહ્યો હતો. આ પ્રક્રિયામાં સામેલ ન થનારાં રણથંભોર અને કાલીન્જર જેવાં રાજ્યો જીતી પણ લીધાં. પરંતુ તે બધા ઘટનાક્રમો દરમિયાન એક રાજ્ય અને તેનો શૂરવીર રાજવી અડચણરૂપ હતો. તે રાજ્ય એટલે મેવાડ અને રાજવી એટલે મહારાણા પ્રતાપસિંહ ઉર્ફે રાણા પ્રતાપ.
અકબર અને મેવાડ વચ્ચે પ્રતાપના પિતા રાણા ઉદયસિંહના સમયથી સંઘર્ષ શરૂ થયો હતો. ઉદયસિંહ એટલે બાબર સામે રણશિંગું ફૂંકનાર રાણા સાંગાનો પુત્ર. તેનો જન્મ રાણા સાંગાના મૃત્યુ પછી થયો હતો. ૧૫૬૭માં અકબરે મેવાડ પર આક્રમણ કર્યું ત્યારે તેણે લેશમાત્ર સામનો કર્યા વગર ત્યાંથી નૌ દો ગ્યારહ થવાનું મુનાસિબ માન્યું હતું. મેવાડથી ભાગેલા ઉદયસિંહે ત્યાંથી દૂર પહાડીઓમાં ઉદયપુરમાં નવી રાજધાની વસાવી પોતાની સલામતી ઈચ્છી હતી. પરંતુ તેના સેનાપતિઓ એટલા કાયર ન હતા. મુઘલોના વાવાઝોડા જેવા આક્રમણ સામે પણ જયમલ રાઠોડ અને પટ્ટા જેવા સેનાપતિઓ મેવાડની રક્ષા કરતા રહ્યા હતા. તેનો અંત મેવાડી વીરોનાં કેસરિયાં અને મેવાડી મહિલાઓના જૌહર સાથે આવ્યો. યુદ્ધ પછી ક્રોધે ભરાયેલા અકબરે મેવાડમાં કત્લેઆમ ચલાવી. ઇતિહાસકાર વી. એ. સ્મિથના કહેવા પ્રમાણે મુઘલ સૈન્યે અહીં ૩૦ હજારથી વધુ સૈનિકો અને સામાન્ય નાગરિકોની હત્યા કરી નાખી હતી. તેમનો કહેવાતો રાજા ઉદયસિંહ આકરી રઝળપાટ પછી કમોતે માર્યો હતો. અલબત્ત અકબરે મેવાડ યુદ્ધમાં બહાદુરીપૂર્વક ઝઝૂમનાર જયમલ રાઠોડ અને પટ્ટાનાં હાથી પર સવાર પૂતળાં મહેલના દરવાજે મુકાવી તેઓની બહાદુરીને બિરદાવી હતી.
રાણા ઉદયસિંહના અવસાન પછી ફેબ્રુઆરી ૧૫૭૨માં પ્રતાપી પ્રતાપ ચિત્તોડનો રાણા બન્યો. ૧ માર્ચ ૧૫૭૨ના રોજ મહારાણા પ્રતાપનો કુંભલગઢમાં રાજ્યાભિષેક થયો ત્યારે તેની ઉંમર ૩૨ વર્ષની હતી. ઉદયસિંહ પ્રતાપને વારસામાં આકરી રઝળપાટ અને દુઃખના પહાડો આપીને ગયો હતો. અકબર વિરુદ્ધના સંઘર્ષમાં પ્રતાપ કહેતા હતા કે "રાણા સાંગા પછી મેવાડની ગાદી પર ઉદયસિંહ ન આવ્યો હોત તો રાણા સાંગાની મર્યાદા જળવાઈ રહી હોત." પણ બાહોશ અને સાચા શૂરવીરોની કસોટી તો સંઘર્ષના સમયમાં જ થતી હોય છે. મહારાણા પ્રતાપ સત્તાસ્થાને આવ્યો અને રાજસ્થાનના ઇતિહાસમાં સ્ફૂર્તિદાયક અધ્યાય શરૂ થયો. માત્ર રાજસ્થાન જ કેમ, સમગ્રતયા ભારતને સ્વાધીનતા માટે સ્વર્સ્વનું બલિદાન આપી અડગ સાધનાના પાઠ રાણા પ્રતાપે ભણાવ્યા છે.
હિન્દુસ્તાનના ઈતિહાસ પર સદીઓ સુધી પોતાની અમીટ છાપ છોડી જનાર રાણા પ્રતાપને એમ સીધેસીધી રીતે રજૂ ન કરી દેવાય. આવા મહાનવ્યક્તિત્વ વિશે હલ્દી ઘાટી પૂર્વે બે વાતો થવી જોઈએ. પ્રતાપનો જન્મ 9મે 1540ના રોજ થયો હતો. તેનાં માતા ગુજરાતના ઇડર રાજ્યના રાજકુમારી હતાં. એ નાતે પ્રતાપ ગુજરાતનો ભાણેજ ગણાય. લાંબું અને ઊંચું કદ, મોટી આંખો અને ભરાવદાર ચહેરો, મોટી મૂંછો (દાઢી નહોતા રાખતા), લાંબા હાથ, વિશાળ છાતી, ઘઉંવર્ણો વાન આ બધું આપણા નાયકનું શારીરિક બંધારણ. આજે જેની તસવીર જોતાં જ રોમાંચિત થઇ જવાય છે તે મહારાણા પ્રતાપના સમકાલીનો પરના પ્રભાવની કલ્પના કરી શકાય તેમ છે. પ્રભાવ તો એવો કે પ્રત્યેક મેવાડી નાગરિક મહારાણા માટે લડવા તૈયાર રહેતો.
રાજ્યાભિષેક પછી તરતજ પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી હતી. મેવાડમાં હોળીના દિવસોમાં શિકારે જવાની પ્રવૃત્તિને "અહેડા" કહેવાય છે. પિતાના મૃત્યુના શોકમાં બેસી રહેવાને બદલે રાણા પ્રતાપે શિકારે જવાનું પસંદ કર્યું હતું. રાજગાદી સંભાળ્યા પછી પ્રતાપનો એક મહત્વનો નિર્ણય અકબર અને મુઘલો સામે આરપારનો જંગ ખેલી લેવાનો હતો. તેના માટે તરત જ રાજવી જીવનની વિલાસિતા છોડી દીધી. સોના-ચાંદીનાં વાસણોમાં ભોજન કરવાનું બંધ કર્યું. મહારાણાના આવા ત્યાગી જીવનથી રાજ્યના કિસાનો ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓએ પણ તાત્કાલિક ધોરણે કિસાની છોડી સૈનિક તરીકે રાણાની સાથે જોડાવાનું શરૂ કર્યું. અને આમ પણ ભારતનો ઈતિહાસ સાક્ષી પૂરે છે કે રાજ્યને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતોએ પોતાનાં ખેતીનાં ઓજારો ઓગાળી યુદ્ધનાં હથિયારો બનાવ્યાં છે. આવી નાની પણ સંગઠિત તાકાત સાથેમહારાણા પ્રતાપ તે સમયની ભારતની સૌથી મોટી તાકાત મુઘલો સામે લડવા માટે સાબદો થયો. તેની વાત હવે પછી.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in
*Limited 10 પોસ્ટ* વતી
ખંજન અંતાણી, હૈદરાબાદ
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment