રા. વિ. પાઠક
ગાંધીયુગના સાહિત્યગુરુ :
રા.વિ .પાઠક (૧૮૭૭-૧૯૫૫)
"જાત્રાળુ " , "ભુલારામ" , "શેષ ", "દ્રિરેફ" અને "સ્વેરવિહારી "જેવા ઉપનામોથી લખતા રામનારાયણ વિશ્વનાથ પાઠકનો આજે જન્મદિન છે.
મુળગામ ધોળકા તાલુકાનું ભોળાદ પણ જન્મ થયો હતો એજ તાલુકાના ગાણોલ ગામે. રા.વિ .પાઠકે ભોળાદ, શામળદાસ કોલેજ ભાવનગર,વિલ્સન કોલેજ મુંબઈ ગુજરાત વિદ્યાપીઠ એમ અનેક ઠેકાણે અભ્યાસ કર્યો હતો .
૧૯૨૧મા એલ.એલ.બી કરી વકીલાત શરુ કરી પણ આ જ ગાળામાં અસહકારનું આન્દોલન શરુ થતા તેના તરફ આકર્ષાયા, આઝાદીના આન્દોલનમાં જેલવાસ પણ ભોગવ્યો હતો.ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક બન્યા.તે પછી તેમની અધ્યાપકીય કારકિર્દી એસ.એન.ડી.ટી કોલેજ મુંબઈ ,ભવન્સ કોલેજ મુંબઈ,અને ભારતીય વિદ્યાભવન વગેરે જગ્યાએ રહી હતી. "પ્રસ્થાન"સામયિકના તંત્રી તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી અદા કરી હતી.
રા.વિ પાઠકના સર્જનોમાં "શેષના કાવ્યો","વિશેષ કાવ્યો","છંદ શાસ્ત્ર","બૃહદ પિંગળ","દ્રિરેફની વાતો ભાગ ૧-૩ ","મનોવિહાર","સ્વેરવિહાર","અર્વાચીન સાહિત્યના વહેણો", "કાવ્યની શક્તિ","સાહિત્ય વિમર્શ","સાહિત્ય લોક","પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા "વગેરે મુખ્ય છે તે ઉપરાંત અનેક સંપાદનો અને જીવનચરિત્રો પણ તેમને લખ્યા છે.
પહેલા પત્નીના અવસાન પછી ૧૯૪૫માં શિષ્યા હીરાબેન સાથે લગ્ન કર્યા ,તેમના લગ્ને ઊહાપોહ જન્માવેલો પણ તેમના મધુર દામ્પત્ય જીવને ઊહાપોહ નિરર્થક ઠેરવ્યો હતો.
રા.વિ .પાઠકના યોગદાનનું મહીડા સુવર્ણ ચંદ્રક,કાંટાવાળા પારિતોષિક,નર્મદ ચંદ્રક,રણજીતરામ પુરસ્કાર અને સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર એમ અનેક રીતે સન્માન થયું છે.
રસ રુચિનું વ્યાપક ક્ષેત્ર ધરાવતા રામનારાયણ પાઠકનું ૨૧ ઓગસ્ટ ૧૯૫૫ના રોજ મુંબઈમાં હદયરોગના હુમલાથી અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૮ એપ્રિલ ૨૦૧૯, અમદાવાદ
Comments
Post a Comment