હલદી ઘાટી con.
🎠🎠 *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી* 🎠🎠
*મુઘલાઈ યુદ્ધોઃ હલ્દીઘાટીનું યુદ્ધ – ૧૫૭૬ (ચાલુ)*
*પ્રકરણ:- 52*
લેખક:✒ *શ્રી અરુણ ભાઈ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
અકબરના રાજપૂત સેનાપતિ રાજા માનસિંહ અને મહારાણા પ્રતાપ વચ્ચે થયેલી ચડભડનો વૃતાંત આપણે જોઈ ગયા. માનસિંહ મુઘલાઈ છત્રછાયા પર મુસ્તાક હતો, તો પ્રતાપ પોતાના સ્વતંત્રતા પ્રિય સ્વભાવ પર. એટલે જ માનસિંહે ઉદેપુરના ઉદયસાગર તળાવથી દિલ્હી જતાં પહેલાં ખૂંખાર અંદાજમાં કહ્યું હતું કે, "પ્રતાપના આ અપમાનનો બદલો મેં યુદ્ધમેદાનમાં ન લીધો તો હું માનસિંહ નહિ." તો મહારાણા પ્રતાપે જવાબમાં કહ્યું કે, "હું એ દિવસની રાહ જોઇશ.તારા ફુઆ અકબરને (માનસિંહની ફોઈ અને રાજા ભગવાનદાસની બહેન અકબર સાથે વરાવી હોવાનો સંદર્ભ છે) સાથે લેતો આવજે." આમ તો આ બધી ઘટનાઓ આજના દૃષ્ટિકોણથી જોઈએ તો ખાસ મોટી ન ગણાય, પણ મધ્યકાળમાં તો પ્રાણ કરતાં પ્રતિષ્ઠાને કીમતી સમજતા વીરોની જેમ માનસિંહે પણ તેને જીવન મરણનો સવાલ બનાવ્યો હતો. દિલ્હી ગયા પછી પણ તે ચેનથી સૂઈ ન શક્યો અને ગઈકાલે આપણે વાત કરી તે પ્રમાણે વિશાળ સૈન્ય લઇ મેવાડ પર ચડી આવ્યો હતો.
ભારતીય યુદ્ધોના ઇતિહાસમાં એક બાબત ઊડીને આંખે વળગે તેવી એ છે કે જન્મોજનમના શત્રુઓ પણ યુદ્ધ વખતે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવતા. તેઓ આંધળુકિયાં કરી સીધા દુશ્મન પર ચડી જવાને બદલે પરિસ્થિતિનો ક્યાસ કાઢતા. માનસિંહ પણ ભલે અપમાનના બદલાની આગમાં તડપતો હતો છતાં આ બાબતમાંથી તે અપવાદ ન હતો. હલ્દીઘાટી પહોંચ્યા પછી પણ તેણે તાત્કાલિક હુમલો કરી દેવાને બદલે એક હજાર સૈનિકો લઈ શિકારના બહાને ચિતોડના લશ્કરી પડાવ તરફ આવ્યો. તેનો ઈરાદો બિનયુદ્ધ સમયમાં પ્રતાપની શક્તિઓનો ક્યાસ કાઢવાનો હતો. માનસિંહ પ્રતાપના વિસ્તારમાં હતો એ જાણી તેના સેનાપતિઓએ તાત્કાલિક માનસિંહને ઝડપી લેવા વિનંતી કરી. એ થઈ પણ શક્યું હોત! પણ મહારાણા પ્રતાપ વીર, બહાદુર હોવા ઉપરાંત ભારતીય યુદ્ધકલાના નિયમોથી સુપેરે વાકેફ હતો. તેથી તેણે આવી કાવતરાખોરીને નકારી કાઢી અને મહારાણા પ્રતાપના વલણને કારણે જ માનસિંહ સલામત રીતે મુઘલ કેમ્પમાં પહોંચી શક્યો.
૩૧ મે ૧૫૭૬ના રોજ માનસિંહે આરપારનો મુકાબલો ખેલવા મુઘલ સેનાને તૈયાર કરી દિવસ ચડતાં જ બંને સૈન્યો વચ્ચે યુદ્ધ શરૂ થયું. ખુદ અકબરના દરબારી લેખક અબુલ ફઝલે તેનો આંખે દેખ્યો ચિતાર આપ્યો છે. ફઝલ લખે છે: "મહારાણા પ્રતાપ અને રાજા માનસિંહ બંને યુદ્ધના મિત્રો અને જિંદગીના દુશ્મનો હતા. તેઓએ પ્રાણને સસ્તો અને આબરૂને મોંઘી કરી હતી. મેવાડનું જમણી તરફનું લશ્કર બાદશાહી ફોજ પર તૂટી પડ્યું અને મુઘલ સૈન્ય ભાગ્યું. મહારાણા પ્રતાનું તીર શેખ મનસુર નામના મુઘલ સેનાપતિને થાપા પર વાગ્યું અને ઘડીના છઠ્ઠા ભાગમાં મેવાડી વીરોએ મુઘલો પર સરસાઈ મેળવી લીધી." હવે પછીની વાત ગજરાજોના યુદ્ધની હતી. મહારાણા પ્રતાપનો લુણા અને મુઘલોનો મુકતા નામનો હાથી પરસ્પર ભીડાયા. લુણાએ મુકતા હાથી પર એવો તો જોરદાર હુમલો કર્યો કે શાહી હાથી ભાગવામાં જ હતો, પણ ત્યાં જ લુણા હાથીના મહાવતને અચાનક ગોળી વાગી અને તેના હાથી પરથી નીચે પટકાવા સાથે નિયંત્રણહીન લુણા પણ પાછો ભાગ્યો. તે પછી મહારાણાના રામપ્રસાદ નામના હાથી અને શાહી હાથી વચ્ચે લડાઈ જામી. રામપ્રસાદ હાથીના મહાવતને પણ ગોળી વાગતાં મુઘલ સૈનિકોએ તરત જ રામપ્રસાદનો કબજો લઇ લીધો. બપોર સુધી ચાલેલા ભીષણ યુદ્ધમાં મેવાડની સુરક્ષા અને સ્વતંત્રતા માટે ઝઝૂમતા ઘણા મેવાડી સેનાપતિઓ અને સૈનિકો માર્યા ગયા. તે જ વખતે ડોડીયા ઠાકોર ભીમસિંહ ઘોડા સાથે ચડી આવ્યો. તેણે પોતાના ઘોડાને માનસિંહના હાથી પરથી કુદાવી દીધો અને હું આવી ગયો છું તેવા વાક્ય સાથે માનસિંહ પર બરછીનો પ્રહાર કર્યો, પણ માનસિંહ બચી ગયો. એટલામાં જ મુઘલ સૈનિકોએ ભીમસિંહને ઘેરી લઇ પૂરો કરીદીધો.યુદ્ધમેદાનમાં પોતાના સૈનિકો અને સેનાપતિઓના ભયંકર સંહારને જોઈ હવે ખુદ પ્રતાપ મેદાનમાં આવ્યો. તેનું નિશાન માનસિંહ હતો. પ્રતાપે પણ પોતાના ચેતક ઘોડાને માનસિંહના હાથી પરથી કુદાવી આગમનનો અણસાર આપી દીધો. ભારતના પ્રાણીઓની વફાદારીના ઇતિહાસમાં જેની વાત ઘણી આદરપાત્ર રીતે થાય છે તે અશ્વ ચેતકે આગલા પગની છલાંગ લગાવી સીધા જ માનસિંહના હાથીના માથા પર ટેકવી દીધા. (આ દૃશ્ય એટલું તો રોમાંચક હતું કે ઘણા ચિત્રકારોએ તેને પોતાના સર્જનનું વિષયવસ્તુ બનાવી પ્રતાપની સાથે ચેતકને પણ અમરતા બક્ષી છે.) તે જ વખતે મહારાણાના ભાલાના ભયંકર પ્રહારથી માનસિંહ મરતાં મરતાં માંડ બચ્યો હતો. પણ તે જ ક્ષણે માનસિંહના હાથીની સુંઢમાં રહેલી ધારદાર તલવાર ચેતકના પાછલા પગમાં વાગી અને તેનો પગ કપાઈ ગયો. છતાં ચેતક અને પ્રતાપ ઝઝૂમતા રહ્યા. તેઓએ હવે મુઘલોને ખદેડવાનું શરૂ કર્યું અને હલ્દીઘાટીથી પાંચ-છ કોસ દૂર સુધી ખદેડી મૂક્યા. આમ હલ્દીઘાટીના શરૂઆતી દૌરમાં મહારાણા પ્રતાપનો હાથ ઉપર રહ્યો હતો. પણ તેણે અને મેવાડી સેનાએ મુઘલોના અનેક હુમલાઓ અને માનસિંહના છળકપટ માટે તૈયાર રહેવાનું હતું. વધુ આવતા અંકે.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment