હલદી ઘાટી - અંતિમ અધ્યાય
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*મુઘલાઈ યુદ્ધોઃ હલ્દીઘાટીનું યુદ્ધ - ૧૫૭૬*
લેખક: *શ્રી અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
અકબર બાદશાહના પ્રતાપને મુઘલ સામ્રાજ્ય હેઠળ આણવાના પ્રયત્નો અને રાજા માનસિંહના અપમાનના બદલાની આગ વિરુદ્ધ મહારાણા પ્રતાપ મર્યાદિત સાધનો અને અમર્યાદિત આંતરિક જુસ્સા સાથે લડી રહ્યો હતો. અકબર પણ તેના ખબરપત્રીઓ દ્વારા હલ્દીઘાટીની રોજિંદી અપડેટ મેળવતો હતો. મહારાણા પ્રતાપ અને મેવાડી વીરોનું ઝનુન તેને વિચલિત કરી રહ્યું હતું. મેવાડી સૈનિકોની નાકાબંધી અને છાપામાર યુદ્ધ પદ્ધતિ મુઘલ ફોજને ઘણું નુકશાન પહોંચાડી રહી હતી. આખરે અકબરે પોતે મેવાડ જવાનું નક્કી કર્યું. તેના આગમન પછી પણ પ્રતાપની સેનાને ઝાઝો ફરક પડ્યો ન હતો.
આ બધા ઘટનાક્રમો જોઈ મુઘલ સૈન્યે વ્યૂહ બદલ્યો. અકબરે રાણા પ્રતાપની તાકાત સમા દક્ષિણ રાજસ્થાનનાં રાજ્યોને નિશાના પર લીધાં. અહીંના વાંસવાડા, ડુંગરપુરના રાજાઓને શરણમાં આવવા મજબુર કર્યા. પરિણામે પ્રતાપની મહત્વપૂર્ણ ચેનલ કપાઈ ગઈ. આટલી તૈયારી પછી અકબરે કુમ્ભલગઢ પર ભયંકર હલ્લો બોલાવ્યો. તો સામે પક્ષે રજપૂતોએ રાતના સમયે છાપો મારી મુઘલોના ચાર હાથી પડાવી લીધા. છતાં તેઓ કુમ્ભલગઢને અકબરના હાથમાં પડતું બચાવી ન શક્યા. હવે રાણા માટે નવું આશ્રય સ્થાન શોધવું અનિવાર્ય બન્યું.
અકબરના કુમ્ભલગઢ વિજય પછી મહારાણા પ્રતાપે ગુજરાત તરફ શરણું શોધવા નક્કી કર્યું. દરમિયાન બનેલી એક ઘટના રાજ્ય અને પ્રજા વચ્ચેના સંબધોના સંદર્ભમાં મિસાલરૂપ છે. પ્રતાપની મુસીબતોના સમયમાં તેને અણીના સમયની મદદ કરનાર ભામાશા સાથે પ્રતાપની મુલાકાત આ સમયે થઈ. ભામાશા અને તારાચંદે પોતાની રાજનિષ્ઠાના પ્રતીક રૂપે ૨૬ લાખ રૂપિયા અને ૨૦ હજાર અશરફીઓ ભેટ આપી. બદલામાં પ્રતાપે ભામાશાને મેવાડના મંત્રી બનાવ્યા. રાણા પ્રતાપ અને ભામાશાના સંબધોના બારામાં એક દોહો પણ પ્રચલિત થયો છે:
"ભીમો પરધાનો કરે રામો કીધો રદદ,
ધચ્ચી બાહર કરણનું મિલિયો આપ મદદ."
ભામાશાની વિકટ સમયની સહાય પ્રતાપને ઘણી ખપમાં લાગી. તે પછીનાં યુદ્ધોમાં રાજપૂતોએ ઘણા મુઘલ સેનાપતિઓને મોતને ઘાટ ઉતાર્યા. મરણિયા પ્રતાપે ભામાશાની મદદથી ચિત્તોડ, માંડવગઢ અને અજમેર સિવાયનાં થાણાંઓ ફરીથી કબજે કર્યાં. આ જ સમયે પ્રતાપના પુત્ર કર્ણસિંહનો જન્મ થયો હતો. છતાં રાજવી કુટુંબનો વસવાટ તો જંગલોમાં જ રહ્યો હતો. તેમણે સતત પોતાના વસવાટ બદલાતા રહેવું પડતું હતું. પરિણામે પ્રતાપના પરિવારે પણ ગજા બહારની સમસ્યાઓ સહન કરી હતી. મુઘલ-મેવાડ સંઘર્ષ કોઈ જ સ્પષ્ટ પરિણામ આપતો ન હતો. એક અંધારી મેઘલી રાત્રે વરસાદ શરૂ થયો અને વરસાદી પાણી પ્રતાપની ઝૂંપડીમાં ટપકવા લાગ્યું. તેનાથી કંટાળી પ્રતાપની રાણી નિસાસો નાખતાં બોલી કે ભગવાન જાણે હવે આ દુઃખમાંથી ક્યારે બહાર નીકળીશું? રાણીનાં વેદનાભર્યાં વચનો મહારાણા પ્રતાપની લડવાની શક્તિ હરી લેવા સમાન હતાં. રાત આખી પ્રતાપે સંતાપમાં વીતાવી.
રાણીનાં વ્યથાભર્યાં વચનોએ પ્રતાપના લડવાના જુસ્સાને હરી લીધો હતો. બીજા દિવસે સવાર પડતાં જ તેણે પોતાના મુખ્ય સરદારોને ભેગા કર્યા અને રાત્રે બનેલી ઘટનાની વાત રજુ કરી. એક તરફ રાણાનું શરીર પણ આકરા સંઘર્ષ પછી ઘસાતું જતું હતું. અત્યંત દુઃખી હૃદયે સરદારો સમક્ષ પોતાની વેદના ઠાલવી અને મુઘલોની ખિદમતમાં ન જવા, મુઘલાઈ ફરમાનો ન સ્વીકારવા અને તે બધા દ્વારા મેવાડની સ્વાયત્તતા અને પોતાની લડાઈ ચાલુ રાખવા પુત્રો અને સરદારોને મક્કમ કર્યા.
પોતાના મહારાણાની સ્વાયત્તતા જાળવી રાખવાની ભાવનાત્મક બાબત ઉપસ્થિત સહુનાં હદય સોંસરવી ઊતરી ગઈ. તરત જ સહુએ ઉભા થઇ મહારાણાનાં ચરણોમાં સ્થાન લીધું અને ચિત્તોડ પાછું ન મળે ત્યાં સુધી "ઘાસની પથારીમાં સૂવું અને પતરાળામાં જ જમવું" જેવી પ્રતિજ્ઞાનું પ્રાણના અંતે પણ પાલન કરવાનું વચન આપ્યું.
મહારાણા પ્રતાપ પછી પણ તેના વંશજોનો સંઘર્ષ જહાંગીર અને ઠેઠ ઔરંગઝેબ સુધી ચાલુ રહ્યો હતો. પણ પ્રતાપ-અકબર સામે તો તે બધું ફિક્કું કે લુખ્ખું લાગતું હતું. (ચિત્તોડના સિસોદિયાઓએ મહારાણા પ્રતાપની આ પ્રતિજ્ઞા આઝાદી -૧૯૪૭ પછી પણ ટકાવી રાખી હતી. તેઓ જમતી વખતે થાળી નીચે અને સૂતી વખતે પથારી નીચે ઘાસનું તણખલું મૂકી પ્રતીકાત્મક રીતે પણ પ્રતાપની પ્રતિજ્ઞાનું પાલન કરતા હતા. તેમને આ પ્રતિજ્ઞામાંથી મુક્ત કરવાનું કામ પંડિત નેહરુએ કર્યું હતું.) પોતાના પછી મેવાડ નોંધારું નથી તેવા વિશ્વાસ સાથે વીરત્વની મૂર્તિ સમા મહારાણા પ્રતાપે નિરાંતે દેહ છોડ્યો ત્યારે તારીખ હતી ૨૧ જાન્યુઆરી અને વર્ષ ૧૫૯૭નું. રાણાની ઉંમર ૫૮ વર્ષની અને તેમની વીરભૂમિ હતી ચાંવડ ગામ.
.રાણો ભલે ચિત્તોડ પુનઃ પ્રાપ્ત ન કરી શક્યો, પણ ભારતના ઇતિહાસમાં આજે પણ વીરત્વનો આદર્શ મહારાણા પ્રતાપના જીવનમાંથી શોધાય છે.
મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચેના હલ્દીઘાટીના યુદ્ધમાં છેવટે ભલે અકબરનો હાથ ઊંચો રહ્યો હોય છતાં તે એક રીતે હાર-જીતના ફેંસલા વગરની એટલે કે ડ્રૉ જેવી મેચ હતી. આ સંઘર્ષમાં અકબર ધર્મની રીતે મુસલમાન હતો અને મહારાણા પ્રતાપ હિંદુ. પણ રખે કોઈ તેને હિંદુ-મુસ્લિમ સંઘર્ષમાં ખપાવવાની કોશિશ કરે! કારણ, એક તો યુદ્ધનું કારણ ધાર્મિક ન હતું. બીજું કે યુદ્ધ વખતે મુઘલો વતી માનસિંહ જેવા અનેક હિંદુઓ લડતા હતા તો મહારાણા પ્રતાપ તરફથી હકીમ ખાન જેવા અનેક અફઘાન સરદારો ખડે પગે ઊભા રહ્યા હતા. વિધર્મીઓ અને ભીલો જેવા તે જમાનાના પછાત સમુદાયોની મદદ દ્વારા રાણાએ હિન્દુત્વ તો ખરો જ એથી આગળ વધી ભારતીયતાનો આદર્શ પ્રસ્તુત કર્યો હતો. અકબરે પણ પ્રતાપના અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારે ખુશ થવાના બદલે દુઃખ વ્યક્ત કર્યું હતું. ટૂંકમાં યુદ્ધ પછી પ્રતાપ તો મહાન બન્યો જ હતો, પણ અકબરે પણ મહમૂદ ઘોરી કે અલાઉદ્દીન ખીલજી જેવા શાસકોની જેમ શત્રુના મૃત્યુનો વિકૃત આનંદ લૂંટવાને બદલે મહારાણાની વીરતા અને સ્વાયત્તતાની ભાવનાને બિરદાવી હતી.
હલ્દીઘાટીનું યુદ્ધ માત્ર રાજસ્થાનના ઈતિહાસનુંજ નહિ, ભારતના ઈતિહાસનું મહત્વપૂર્ણ યુદ્ધ હતું. આમ તો ૧૫૭૬માં થયું હતું, પણ તેનો અંત ૧૫૯૭ના વર્ષે મહારાણા પ્રતાપના અવસાન સાથે આવ્યો ગણાય. હવે મુઘલ બાદશાહ અકબરની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ ગુજરાતના કાઠિયાવાડ તરફ આગળ વધવાની હતી. અહીં ઈ.સ.૧૫૯૧માં થયેલા અને "પાણિપતની ભાણેજડી" તરીકે પ્રસિદ્ધ થયેલા ભૂચર મોરીના યુદ્ધની ચર્ચા આવતીકાલથી શરૂ કરીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (5)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment