શિવાજીના યુદ્ધો

           *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

             *છત્રપતિ શિવાજીનાં યુદ્ધો –
             અફઝલ ખાન વધ      (૧૬૫૯)*

                    *પ્રકરણ:- 64*

              લેખક: *શ્રી અરુણ  વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1

        ગત હપ્તામાં આપણે શિવાજીની નિજી જિંદગી અને એક શાસક તરીકેના ઉત્થાનની ચર્ચા કરી હતી. તે દરમિયાન બનેલી બે મહત્વપૂર્ણ ઘટનાઓ દક્ષિણ ભારતમાં મુઘલાઈના પતન માટે અને મરાઠા સર્વોપરિતા હેતુ નિમિત્તરૂપ બની હતી. તેમાંની પહેલી ઘટના અફઝલ ખાન વધની અને બીજી શાઈસ્ત ખાન સાથેના સંઘર્ષની હતી.

          શિવાજીએ પુનાની આસપાસના માંવળા જાતિના લોકોને સંગઠિત કરી માત્ર ૧૯ વર્ષની નાની વયે પોતાની વિજયકૂચ આદરી હતી. સિંહગઢ, રોહીના, ચકના, તોરણા, પુરંદર, રાજગઢ, બારામતી, ઇન્દ્રાપુર, કોન્ડાણા, જાવલી અને કોંકણ એમ એક પછી એક પ્રદેશો અને કિલ્લો જીતતા ગયા. મે ૧૬૫૭માં તો શિવાજીએ જુન્નારના કિલ્લા પર હુમલો કરી ૩ લાખ હોણ (૧૨ લાખ રૂપિયા) અને ૭૦૦ ઘોડા લૂંટી લીધા હતા. આ બધું મુઘલો અને ઔરંગઝેબ માટે કલ્પના બહારની બાબત હતી. પ્રતિક્રિયા રૂપે ઔરંગઝેબે શિવાજીને કાબુમાં લેવાનું અભિયાન શરૂ કર્યું. તેની દક્ષિણ નીતિ પણ મરાઠા નિયંત્રણના ભાગરૂપ જ હતી. તેણે મુઘલ સૈનિકોને શિવાજીના પ્રદેશો પર હુમલાઓ કરી ગામડાંઓ ઉજ્જડ કરી, પ્રજાજનોને બેરહમીથી રહેંસી નાખવા મુઘલ સુબેદારોને આદેશ કર્યો. તેનું ફરમાન હતું કે "કત્લ કરો, ગુલામ બનાવો, કોઈ જ દયા ન ખાવ, ગામના મુખીઓ કે કિસાનો જેઓ મુઘલાઈને મદદ નથી કરતા તેવાઓને ગદ્દાર જાહેર કરી મારી નાખો."

        બાદશાહના હુકમના અમલની જવાબદારી સેનાપતિ અફઝલ ખાનના શિરે હતી. મુઘલ સૈનિકો મરાઠી પ્રદેશોમાં ત્રાહિમામ પોકારાવી રહ્યા હતા, પણ શિવાજી કઈ ઊંઘતા ઝડપાય તેમ ન હતા. તેમણે ટૂંકું વિચારવાના બદલે દીર્ઘદૃષ્ટિ રાખી હતી. સૈન્ય તાકાતમાં તેઓ ભલે મુઘલોની તોલે ઊભા રહી શકે તેમ ન હતા, છતાં તેમના લશ્કરમાં પણ ૧૨ હજાર ઘોડા, ૨૦ યુદ્ધ જહાજો અને હજારોની સંખ્યામાં પદાતીસૈનિકો હતા. મુકાબલો ટક્કરનો થવાનો હતો.
         સેનાપતિ અફઝલ ખાન મુઘલ સેનાપતિ હોવા છતાં ભૂતકાળમાં મુઘલ સામ્રાજ્ય સામે જ લડ્યો હતો. વિશ્વાસઘાત અને દગાખોરી તેની તાસીર હતી. છતાં ઔરંગઝેબે તેના પર વિશ્વાસ મૂકી શિવાજી સામેના યુદ્ધની જવાબદારી સોંપી હતી. ઈ.સ. ૧૬૫૯ના ચોમાસામાં અફઝલ વાઈ નામના સ્થાને પહોંચ્યો. આ જ વખતે શિવાજીનાં પહેલા પત્ની અને શંભાજીનાં માતા સઈબાઈનું અવસાન થયું હતું.

        અફઝલ ખાનની સૈનિક તાકાત વગેરેને જોઈ કેટલાક હિતચિંતકોએ શિવાજીને ચેતવ્યા પણ હતા કે અફઝલ સાથે યુદ્ધ ખતરાથી ખાલી નથી, પણ શિવાજી આવી નિરાશાવાદી વાતોમાં આવ્યા વિના માતાનાં આશીર્વાદ અને મા ભવાનીની પૂજા કરી પ્રતાપગઢ પહોંચ્યા. લશ્કરી વ્યૂહરચનાના ભાગરૂપે તેમણે સેનાપતિઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે અફઝલ આવે ત્યારે શરૂમાં આપણે બિલકુલ સામનો કરવાનો નથી. તેનું પરિણામ એ આવ્યું કે અફઝલ ખાનના મનમાં મરાઠાઓ અને શિવાજી ડરી ગયા છે તેવી છાપ પેદા થઈ. તેના મનમાં છતાં શિવાજી પ્રત્યે તીવ્ર ઘૃણા હતી. સામનો કર્યા વગર બેસી રહેલા મરાઠા સૈનિકોને જોઈ તે આશ્વસ્થ પણ થયો હતો. હવે તેણે શિવાજી પાસેથી તેણે જીતેલા મુઘલોના કિલ્લાઓની માગણી કરી. તે સમયે શિવાજીના મનમાં કંઈક જુદું જ ચાલી રહ્યું હતું.
તેમણે અફઝલના હિંદુ દૂત કૃષ્ણાજી ભાસ્કર સાથે વળતો સંદેશો મોકલાવતાં કહ્યું કે પોતે સમાધાન કરવા તૈયાર છે અને તે માટે અફઝલ ખાન જાવલી આવે! દૂત પાસેથી સંદેશો સાંભળી અફઝલ તરત જ જાવલી જવા માટે તૈયાર થઇ ગયો અને નજીકમાં પ્રતાપગઢ ખાતે પહોંચી ડેરો તાણ્યો.
           અફઝલ શિવાજીને દગાથી મારી નાખી કે કેદ કરી મુઘલોના મોટા શત્રુનો સદા માટે નિવેડો લાવવા તત્પર હતો. પરંતુ શિવાજી એમ કંઈ આંધળુકિયાં કરે તેમ ન હતા. અફઝલ સાથેની મુલાકાત વખતે રહેલા તમામ ખતરાઓથી વાકેફ હતા. તેથી તેમણે પોતાના ૫ હજાર સૈનિકોને જાવલીની પહાડીઓની આસપાસ જ રાખ્યા અને બ્યુગલ વાગતાં જ હલ્લો બોલાવવાની સૂચના પણ આપી હતી.

           શિવાજી અને અફઝલ ખાન વચ્ચેની મુલાકાત નક્કી થઈ. બંને તરફના દૂતોએ શિવાજી અને અફઝલ ઓછામાં ઓછા માણસો અને હથિયારો સાથે મળશે તેવું નક્કી કર્યું. અફઝલ ખાન પાસે જમદાદી તલવાર અને બીજી તૈયારીઓ પણ હતી. શિવાજી તો શત્રુના ગઢમાં જતા હોવાથી પોતાના જાન પર રહેલા તમામ ખતરાઓથી વાકેફ હતા. શિવાજીએ પોતાના અંગરખા નીચે જાળીદાર "ચીલખત" (જીરહ બખ્તર), પાઘડી નીચે જીરેટોપ (લોખંડનું શિરસ્ત્રાણ) પહેર્યું હતું. સાથે એક તલવાર અને "બિચવા" (કટાર) રાખી હતી. પ્રાથમિક શાળાઓના સમયથી આપણે જાણીએ છીએ કે તેમણે વાઘનખ (લોઢાના પંજા) ડાબા હાથમાં છુપાવ્યા હતા.

          બંને સરદાર આમ તો સમાધાનની ભાવના સાથે મળી રહ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈને પણ પરસ્પર ભરોસો ન હતો એટલે તેમના મુખ પર મૈત્રીનો અને સુલેહનો ભાવ હતો, પણ દિલમાં કંઈક જુદી જ હલચલ ચાલતી હતી. શિવાજી ૧૦ નવેમ્બર ૧૬૫૯ના રોજ અફઝલ ખાનના તંબુમાં પહોંચ્યા અને ત્યાં શું ઘટનાક્રમ સર્જાયો તેના માટે આવતીકાલ સુધી રાહ જોવી રહી.

*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (15)
જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ