પાનીપતનું ત્રીજું યુદ્ધ -૧૭૬૧
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*પાણીપતનું ત્રીજું યુદ્ધ - 1761*
*પ્રકરણ:- 68*
લેખક : અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
ગઈકાલે આપણે પાણીપતના ત્રીજા યુદ્ધની પૃષ્ઠભૂમિ તપાસી હતી. નાનાંમોટાં અનેક કારણોએ અહમદશાહ અબ્દાલી અને મરાઠા સેનાપતિ સદાશિવરાવ ભાઉ વચ્ચે સંઘર્ષ અનિવાર્ય બન્યો હતો. બંને બાહુબલી સેનાપતિઓનો અને તેમની સૈન્ય શક્તિનો પરિચય પણ જરૂરી બને છે.
યુદ્ધકલાની દૃષ્ટિએ અહમદશાહ અબ્દાલી પોતાના જમાનાના એશિયાના મોટાભાગના સેનાપતિઓ કરતાં અનેકગણો ચડિયાતો હતો. મજબુત બાંધો, લાંબો દેહ તેનો બાહ્ય દેખાવ હતો. તેનું દિમાગ યુદ્ધ કૌશલ્ય અને મુત્સદ્દીગીરીથી ભરેલું હતું. યુદ્ધના મેદાનમાં આક્રંદ મચાવવા માટે તે જાણીતો હતો. સૈનિકો પાસેથી કામ લેવાની તેની પદ્ધતિ તો કંપારી છોડાવી દે તેવી હતી. વ્યક્તિગત સ્વતંત્રતામાં થોડી ઘણી શ્રદ્ધા રાખતા અબ્દાલીએ ઈ.સ. ૧૭૬૦માં સુજાઉ-ઉદ-દૌલાના તંબુમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સૈનિકોને એક હરોળમાં ઊભા રાખી તીર વડે તેમનાં નાક વીંધી તેમાં દોરી પરોવી ઘસેડીને ક્ષમા કે પ્રાણદંડ આપવા માટે શુજાની પાસે ઊંટની જેમ લાવવામાં આવ્યા હતા.
બીજી બાજુ રહેલા મરાઠાઓએ પાણીપત માટે પોતાના કુશળયોદ્ધા સદાશિવરાવ ભાઉને પસંદ કર્યો હતો. તેણે હૈદરાબાદના નિઝામને પરાસ્ત કરી "ઉદ્દગીર"નું બિરુદ હાંસલ કર્યું હતું. તે વીર, ધીર અને અત્યંત મહત્વાકાંક્ષી સેનાપતિ હતો. તેની શક્તિઓ પારખીને પેશ્વાએ તેને "શત્રુઓને જડમૂળથી ઊખેડી નાખી આખા સિંધ પ્રાંત પર અધિકાર કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી." સદાશિવ બાહોશ જરૂર હતો, પણ અનુયાયીઓ પાસેથી કામ લેવાની તેની રીત ખરાબ હતી. ઉગ્ર સ્વભાવના કારણે ઘણા સેનાપતિઓ યુદ્ધ પહેલાં જ સદાશિવનો સાથ છોડી ચાલી નીકળ્યા હતા. તેનામાં જોહુકમી હતી, પણ અબ્દાલી જેવી કડક લશ્કરી શિસ્તનો વ્યાપક અભાવ હતો.
પાણીપતના યુદ્ધને હજી તો ઘણા મહિના બાકી હતા ત્યાં તો દિલ્હીના આજુબાજુના વિસ્તારોમાં અફડાતફડી શરૂ થઇ ચૂકી હતી. સદાશિવરાવભાઉ પાસે અન્ન પુરવઠાની મોટાપાયા પર અછત સર્જાઈ હતી. તેની વારંવારની માગણી છતાં પેશ્વાએ અનાજનો જથ્થો મોકલવાની તસ્દી લીધી ન હતી. સાથે જ નાણાંની પણ સખ્ત અછત થઈ. આ અછત એટલી તો તીવ્ર હતી કે જાટ રાજા સુરજમલે તો પોતાના સૈનિકોનું વેતન ચૂકવવા માટે દિલ્હીના લાલ કિલ્લા માંહેના ‘દીવાને આમ’ની છત પરની ચાંદી પણ ઊખેડી કાઢી હતી. તેના સુરજમલને 9 લાખ રૂપિયા પ્રાપ્ત થયા હતા. ઉત્તર ભારતના સ્થાનિક રાજાની આ હાલત હોય તો દુરસુદૂર મહારાષ્ટ્રથી આવેલા સદાશિવ અને મરાઠાઓની હાલત કલ્પી શકાય તેમ છે. તેના માટે તો ૧ લાખ કરતાં વધુ સૈનિકોનો નિભાવ કરવો પણ ભારે પડ્યો હતો.
આવી જ સમસ્યાથી અબ્દાલી પણ પીડાતો હતો. એક સમયે તો તેણે મરાઠાઓ સાથે સંધિવાર્તા કરી સન્માનપૂર્વક કાબુલ પરત ફરવાનું પણ વિચાર્યું હતું. પણ તેના સેનાપતિ નજીમુદૌલા મરાઠાઓને ચંબલની પેલે પાર ખદેડીને જ કાબુલ પાછો ફરવા માગતો હતો. તેણે સદાશિવભાઉ પેશ્વાના પુત્ર વિશ્વાસરાવને ભારતનો સમ્રાટ બનાવવા માગે છે અને તેણે વિશ્વાસરાવના નામના સિક્કા ચલાવવાની અફવા મુસ્લિમ પ્રજામાં ફેલાવી દીધી.
નજીમુદૌલાના કુપ્રચારને ધારી સફળતા સાંપડી નહીં અને બંને સેનાઓએ પાણીપત તરફ પ્રયાણ કર્યું. ઈ.સ. ૧૭૬૧ના ઉત્તરાર્ધમાં અહમદશાહ અબ્દાલીએ દિલ્હીથી ૨૦ માઈલ દૂર બાગપતમાં છાવણી નાખી, તો સદાશિવ અને મરાઠા સેનાએ તેનાથી 5 માઈલ દૂર મુકામ કર્યો. મરાઠા સૈનિકો અન્ન પુરવઠા અને પૈસાના અભાવે તડપી રહ્યા હતા. તેમને અજાણ્યા પ્રદેશમાં ખાવાના સાંસા પણ પડતા હતા. ઘાસચારાના અભાવે તેમના ઘોડા પણ મરી રહ્યા હતા. આ વખતે બાપુજી બલ્લાલ નામના વહીવટદારે પેશવાને પત્ર લખી જણાવ્યું કે "શાંતિનાં કોઈ ચિહ્નો જણાતાં નથી. આપણા સૈનિકો અને અશ્વો ઘાસદાણા વગર મરી રહ્યા છે. અનાજના દાણા કેવા હોય તે પણ આપણા સૈનિકો જાણતા નથી. મરાઠા સૈન્ય ભૂખથી મરી રહ્યું છે અને પૈસા તથા ઘાસચારા અને અનાજના અભાવે તેઓનું મનોબળ પણ તૂટી રહ્યું છે." મરાઠા સૈન્યની આવી દર્દનાક હાલતની દૂર બેઠેલા પેશ્વાએ તો ચિંતા ન જ કરી, પણ તેનો નેતા સદાશિવ પણ નંચિત રહ્યો. હવે મરાઠાઓ ભગવાન ભરોસે જ હતા. અંતિમ ઉપાય તરીકે તેઓ ભૂખના માર્યા મરવું તેના કરતાં યુદ્ધના મેદાનમાં શહીદ થવું બહેતર સમજતા હતા.
પાણીપતના પ્રસિદ્ધ મેદાનમાં બેઉ સેના પોતપોતાની પોઝીશન લઈ ગોઠવાઈ ગઈ. મરાઠી છાવણી પાણીપતમાં પૂર્વથી પશ્ચિમ 6 માઈલ લાંબી અને ઉત્તરથી દક્ષિણ બે માઈલ પહોળી વિસ્તરેલી હતી. સંરક્ષણ માટે તેમણે છાવણીની ચોતરફ 25 ગજ પહોળી અને 6 ગજ ઊંડી ખાઈઓ ખોદી અને માટીની દીવાલો પણ ઊભી કરી હતી. આ માટીની દીવાલો પર પેશવાઈ સેનાએ તેમની તોપો ચડાવી હતી. સદાશિવરાવ અને વિશ્વાસરાવ સેનાની મધ્યમાં હાથી પર સવાર હતા. ભગવા ઝંડા સાથે તેમની પડખે ઈબ્રાહીમ ગાર્દી, દામાજી ગાયકવાડ અને મલ્હારરાવ ગાયકવાડ જેવા સેનાપતિઓ ગોઠવાણા હતા.
મરાઠાઓની ગંભીર ભૂલ એ હતી કે તેમણે લાંબી-પહોળી સેના જરૂર રાખી, પણ કોઈ અનામત ટુકડી રાખી ન હતી અને તે ભારે પડી ગયું. તેમનું તોપદળ અને ઊંટદળ પણ લગભગ નિરર્થક બનવાનું હતું. તેઓ માત્ર પાયદળ પર નિર્ભર હતા. મરાઠાઓની ૧ લાખની સેના સામે અબ્દાલી પાસે ૬૦ હજાર તાલીમી અને શિસ્તબદ્ધ સૈનિકો અને તેમાં અડધા અશ્વારોહીઓ તો વિદેશી હતા. અબ્દાલી પાસે પાયદળ મર્યાદિત હતું, પણ વઝીરશાહ વલીખાનના નેતૃત્વમાં ૧૮ હજાર અફઘાન સૈનિકો સાથેનું અશ્વદળ હતું. ત્યારબાદ નજીમુદૌલા, બરખુદાર ખાન અને અમીર બેગના નિયંત્રણમાં રોહિલા અને મુઘલ ટુકડીઓ હતી. આ બધા પછી મુખ્ય સેનાનાયક યુદ્ધ વખતની બધી જ ગતિવિધિઓ નિહાળી શકે તે માટે લશ્કરના છેવાડે રહ્યો અને બદલાતી પરિસ્થિતિમાં વ્યૂહરચના બદલી શકે!
આટલી તૈયારીઓ પછી હવે મરાઠાઓના ભાવિનો નિર્ણય કરનાર પાણીપતના ત્રીજા યુદ્ધનું બ્યુગલ બજવાનું બાકી હતું. તેની વાત આવતી કાલે.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (19)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment