પાનીપતનું યુદ્ધ - અંતિમ ચરણ


          *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
       *પાણીપતનું ત્રીજું યુદ્ધ – 1761 (ચાલુ)*
                  *પ્રકરણ:- 70*
         લેખક: * અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
          ગઈકાલે આપણે વાત કરી હતી કે ભત્રીજા વિશ્વાસરાવના મોત પછી મરણિયો થયેલો સદાશિવભાઉ સીધો જ અફઘાન સૈનિકોના ટોળામાં ઘુસી ગયો. તેના હાથી પરથી નીચે ઊતારવા સાથે મરાઠાઓનો ભગવો ધ્વજ પણ હાથી પર ન હતો. આ ઘટનાને મરાઠી સૈનિકોએ ભાઉના મોતમાં ખપાવી દીધો. પોતાનો સેનાપતિ માર્યો ગયો છે તેમ માની તેઓ યુદ્ધ મેદાનમાંથી પોબારા ગણી ગયા.
          મરાઠાઓને ભાગતા ભાળી અફઘાનોએ તેમની પૂંઠ પકડી. પોષ માસની સુદી આઠમના સંધ્યાકાળે અને રાતના વખતમાં, ચંદ્રનાઝાંખા અજવાળામાં અફઘાનોએ મરાઠી સૈનિકો, સેવકો, રસોઈયાઓ અને લેખકો વગેરેને ઠંડે કલેજે, ઘાસની માફક કાપી નાખ્યા, આડેધડ કત્લેઆમ દ્વારા પોતાની રક્તપિપાસા તૃપ્ત કરી. યુદ્ધમાં થયેલા હતાહત વિશે ઈતિહાસકારોમાં ભારે મતભેદો છે. એક અંદાજ પ્રમાણે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મૃતક મરાઠી સૈનિકોની સંખ્યા ૨૮ હજાર કરતાં વધુ હતી. બીજા ૫૦ હજાર યુદ્ધ સમયે થયેલી ભાગદોડમાં માર્યા ગયા હતા. ૨૨ હજાર બંદી બનાવાયા. યુદ્ધ પછી ઘેટાં-બકરાંની પેઠે નાસતા મરાઠાઓના ૫૦ હજાર કરતાં વધુ ઘોડાઓ અફઘાન સેના કે આજુબાજુના ગામવાળાઓએ કબજે કર્યા હતા. સામે અફઘાન પક્ષે પણ ઓછું નુકસાન નહોતું થયું. તેમના લગભગ ૨૦ હજારથી વધુ સૈનિકો હોમાઈ ગયા હતા. તેમાં મોટાભાગના રોહીલાઓ હતા.

         મરાઠી પક્ષે આટલા નુકસાન પછી પણ ૫૦ હજાર મરાઠાઓ પોતાને બચાવવામાં સફળ થયા હતા. જેમાં મલ્હારરાવ હોલ્કર, મહાદજી સિંધિયા અને નાના ફડનવીસ જેવા સેનાપતિઓનો પણ સમાવેશ થતો હતો. પરંતુ તેના વિશ્વાસરાવ ભાઉ, સદાશિવરાવ ભાઉ, ઈબ્રાહિમખાન ગાર્દી અને પેશ્વા બાજીરાવ જેના પર ફિદા હતો તે મસ્તાનીનો પુત્ર શમશેર બહાદુર જેવા તેમના બહાદુર સેનાપતિઓ હવે દુનિયામાં ન હતા. સર જદુનાથ સરકારે તો નોંધ્યું છે કે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠી સરદારોની એક આખી પેઢી નાબુદ થઇ ચૂકી હતી. પુત્રની યુદ્ધમાં શહીદી અને મરાઠાઓના પરાજયનો આઘાત સહન ન કરી શકતા ૨૩ જુન ૧૭૬૧ના રોજ પેશ્વા બાજીરાવ પણ સ્વર્ગે સિધાવ્યા હતા.

             ટૂંકમાં પાણીપત પછી મરાઠી વિસ્તારોમાં સ્મશાનવત્ શાંતિ જેવો માહોલ હતો. કોણ કોને આશ્વાસન આપે તે સવાલ હતો. ૧૪ જાન્યુઆરી મહારાષ્ટ્ર માટે પ્રલય દિન હતો. એક પણ ઘર એવું ન હતું કે જેણે પાણીપતના ત્રીજા યુદ્ધમાં પોતાનું સ્વજન ગુમાવ્યું ન હોય!

          અફઘાન સેના અને અહમદશાહ અબ્દાલીનું મુખ્ય નિશાન તો સદાશિવરાવ ભાઉ બન્યો હતો. યુદ્ધમાં અફઘાનો દ્વારા ઘેરાઈ ગયેલા ભાઉનું તો ગુસ્સેલ અફઘાનોએ માથું પણ વાઢી લીધું હતું. તેમનો હેતુ સદાશિવના શરીર પરનાં કીમતી ઘરેણાં અને વસ્ત્રો લૂંટી લેવાનો પણ હતો. મરાઠી સૈનિકોએ પોતાના સેનાપતિના મૃતદેહની માગણી કરી તો તેના બદલામાં અફઘાનોએ ૧ લાખ રૂપિયા માગ્યા હતા. તે મંજુર થતાં હજારો લાશોના ઢગલામાંથી મહામુસીબતે વિશ્વાસરાવ ભાઉ અને સદાશિવ ભાઉનાં શબ શોધી કાઢયાં અને મરાઠાઓએ તેમની અંતિમક્રિયા કરવાનો સંતોષ માન્યો.

           પાણીપતના ત્રીજા યુદ્ધ વિશે ૧૭૬૧થી આજ સુધી વિદ્વાનોમાં ગરમાગરમ ચર્ચાઓ થઇ છે. આટલી શક્તિશાળી અને વિશાળ સેના હોવાસાથે લડતા  છતાં તેઓ હાર્યા કેમ ? તેનાં ઢગલાબંધ કારણો આપવામાં આવ્યા છે. આપણેય તેમાંથી કેટલાંક ચુનંદા કારણો જોવા જ જોઈએ.
૧. શિવાજીના જમાનાથી મરાઠી સૈન્ય તાકાત ગેરિલા યુદ્ધ હતી, પણ ઉત્તર ભારતની ભૌગોલિક પરિસ્થિતિમાં તે કારગત ન નીવડી. પરિણામે લડાયેલી સામી છાતીની લડાઈમાં મરાઠાઓ યોગ્ય વ્યૂહરચના ઘડી ન શકયા અને પરાસ્ત થવું પડ્યું.

૨. પ્રાચીન કાળથી જ યુદ્ધ મેદાનમાં થતું આવ્યું છે તે અણીના સમયે દગાખોરી પણ મરાઠાઓ સાથે થઈ, જેની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. સદાશિવ ભાઉ સાથેના વ્યક્તિગત વૈમનસ્યનો બદલો મલ્હારરાવે મરાઠાઓને દગો અને અબ્દાલીને મદદ પહોંચાડીને આપ્યો હતો.

૩.યુદ્ધ મેદાનમાં સેનાનું શીર્ષસ્થાન રાજા રહે છે, પણ પાણીપતના ત્રીજા યુદ્ધમાં ખુદ પેશ્વા ગેરહાજર હતો. તેની પાસે યુદ્ધમાં ન જવાનું નક્કર કારણ પણ ન હતું. કહેવાય છે કે પેશ્વા, મરાઠાઓ પાણીપતના યુદ્ધમાં લડવા નીકળ્યા ત્યારે તે બીજીવારનાં લગ્નમાં વ્યસ્ત હતો. હવે કહો કે સૈન્યનું શું થાય? વળી મરાઠાઓના સતત વિજયોએ તેને એટલો તો અભિમાની અને મધાંત બનાવી દીધો હતો કે તે સૈનિકોની ચિંતા કરવાના બદલે પોતાની પ્રતિષ્ઠાની ચિંતા વધુ કરતો હતો. પેશવાની લાપરવાહીને કારણે જ મરાઠી સૈનિકોને ખાણી-પીણી અને ઘાસચારાનો પર્યાપ્ત પુરવઠો સમયસર મળ્યો ન હતો. છતાં ભૂખ્યા-તરસ્યા સૈનિકોએ પેશવાઈની પ્રતિષ્ઠા માટે મરણિયા બની આ જંગ ખેલ્યો હતો.

૪. સેનાપતિ તરીકે અહમદશાહ અબ્દાલી અને સદાશિવરાવ ભાઉની તુલના પણ રસપ્રદ છે. સદાશિવ નીડર અને લડવૈયો હતો, પણ ધીરજનો તેનામાં વ્યાપક અભાવ હતો. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વાસરાવનાં મોત પછીની સ્થિતિ છે. ભત્રીજાનાં મોત પછી વ્યાકુળ બનેલા ભાઉએ રણમેદાનની સ્થિતિનો વિચાર કર્યા વગર બદલાવૃત્તિથી હાથી પરથી ઊતરી લડવા લાગ્યો. તેની આ ભૂલ ખુદ ભાઉને તો ભારે પડી જ પણ તેથી વધુ મરાઠી શક્તિને વધુ પડી હતી. બીજી તરફ શરૂઆતી લડાઈમાં મરાઠાઓ જીતતા હોવા છતાં અબ્દાલી લગીરેય અકળાયો કે નિરાશ થઇ ધીરજ ગુમાવી ન હતી. સતત ઉત્સાહજનક વચનો કહી સેનાનો જુસ્સો ટકાવી રાખ્યો હતો. વળી તેણે પાણીપતના મેદાન પાછળ આવેલું સોનીપત ગામ અને બીજી દિશાઓ પણ એક પછી એક બંધ કરી મરાઠાઓને અન્ન પુરવઠા વગર ગૂંગળામણની સ્થિતિમાં મૂકી દીધા હતા. એટલું જ નહીં, ચાલતા યુદ્ધે વ્યૂહરચનામાં બદલાવ વગેરે બાબતોમાં પણ ભાઉ તેને પહોંચી શકે તેમ ન હતો.
૫. મરાઠાઓની વિચારધારા હિન્દુત્વ હતી. હિંદુ પદપાદશાહીની સ્થાપના તેમનું સપનું હતું, પણ કહેણી અને કરણી મળતી ન હતી. તેથી ઉત્તર ભારતમાં આટલા ભીષણ યુદ્ધ વખતે પણ હિંદુ પ્રજાએ મરાઠાઓને સક્રિય મદદ કરી ન હતી.

આ સિવાય પણ મરાઠાના પરાજય માટે અનેક કારણો હતાં. પાણીપતનું યુદ્ધ વ્યૂહરચના, મુત્સદ્દીગીરીની દૃષ્ટિએ  મરાઠાઓને ઘણું શીખવ્યું હતું. અને આમ પણ દરેક પ્રજાનો ઈતિહાસ તેમના ઉત્થાન અને પતનમાંથી જ ઘડાતો હોય છે. પાણીપતમાં ભલે મરાઠાઓની એક આખી પેઢી પૂરી થઈ ગઈ હોય, પણ નવી પેઢી આ જ યુદ્ધમાંથી પદાર્થપાઠો ગ્રહણ કરી આગળ વધવાની હતી અને તેનું નેતૃત્વ પાણીપતમાંથી ભાગી છૂટેલા નાના ફડનવીસ અને મહાદજી સિંધિયા કરવાના હતા .અહીં મધ્ય અને અર્વાચીન કાળના સંધિકાળના પાણીપતના યુદ્ધની વાતને વિરામ આપી કાલથી આધુનિક કાળનાં યુદ્ધો તરફ જઈશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (21)

*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ