આધુનિક ભારતના યુદ્ધો - ૧


           *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

     *ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસનકાળનાં યુદ્ધો*

                  *પ્રકરણ:- 71*
         લેખક: * અરુણ વાઘેલા *
http://arunoday-itihas.blogspot.com/?m=1
       યુરોપમાં ૧૫મી અને ૧૬મી સદીમાં ધર્મ સુધારણા, નવજાગૃતિ અને ભૌગોલિક શોધખોળો જેવી ઘટનાઓએ આધુનિક વિશ્વ પર યુગપરિવર્તનકારી અસરો નિપજાવી હતી. ભારત શોધવાના ભાગરૂપે ૧૪૯૮માં પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા દક્ષિણ ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો. (વાસ્કો-દ -ગામા કાલિકટ આવ્યો ત્યારે ત્યાં સુનામી (દરિયાઈ ભૂકંપ) આવ્યો હોવાનું તેણે પોતાના યાત્રાવર્ણનમાં નોંધ્યું છે.)    વાસ્કો-દ-ગામાના ભારત આગમન સાથે અહીં યુરોપિયન સંસ્થાનવાદનો પાયો નખાયો. ખુદ વાસ્કો-દ -ગામાએ નોંધ્યું છે કે ભારતમાંથી અમે જે માલસામાન લઇ જઈએ છીએ તેનો યુરોપનાં બજારોમાં ૧ હજાર ગણો વધુ ભાવ મળે છે.
         ભારતમાં વ્યાપાર કરવાની મનોવૃત્તિ સાથે અહીં આવનારા યુરોપિયન વેપારી પેઢીઓની વણઝર શરૂ થઈ ગઈ. પોર્ટુગીઝ, હોલેન્ડના ડચ, ફ્રેંચ, સ્પેન, ડેન્માર્ક અને છેલ્લે અંગ્રેજોએ આ સમૃદ્ધ દેશમાં તેમનું વ્યાપારી ભાવિ અજમાવવાની શરૂઆત કરી. ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ દેશોએ ભારતને તેમનું સંસ્થાન બનાવવાની ગળાકાપ હરિફાઈ આદરી. તે નિમિત્તે અહીં નાનાં-મોટાં અનેક યુદ્ધો થયાં, જેણે યુરોપિયન દેશોનું ખરું જ ભારતનું ભવિષ્ય પણ નક્કી કર્યું હતું.
          ભારતમાં અંગ્રેજો, યુરોપિયન દેશોમાંથી સૌથી છેલ્લે આવનારી પ્રજા હતી, પણ સૌથી લાંબું શાસન પણ તેમનું જ રહ્યું. તેમનું દીર્ઘકાલીન સામ્રાજ્ય એક દિવસની પેદાશ ન હતી. અનેક યુદ્ધો, પુષ્કળ કાવતરાખોરી અને ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ = ભારતમાં બ્રિટીશ સત્તા એવી ત્રિરાશી માંડી શકાય. ઈ.સ ૧૬૦૦માં ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની સ્થાપના થયા પછી તેના પ્રતિનિધિ તરીકે ઓગસ્ટ ૧૬૦૮માં સર વિલિયમ હોકિન્સ ભારત આવ્યો. તે આગ્રામાં મુઘલ બાદશાહ જહાંગીરને મળ્યો. હોકિન્સ ત્રણ વર્ષ મુઘલ દરબારમાં રહી હિન્દુસ્તાનમાં વેપારી પરવાનો મેળવવાના ફાંફા મારતો રહ્યો, પણ પોર્ટુગીઝોના પ્રબળ વિરોધના કારણે તે સુરતમાં વેપારી કોઠી સ્થાપવામાં નિષ્ફળ રહ્યો. તે પછી આવેલા બ્રિટીશ દૂતો પણ વેપારી પરવાનો હાંસલ કરવામાં ખાસ ઉકાળી શક્યા ન હતા. પણ ઇંગ્લેન્ડથી આવતા પ્રત્યેક દૂતે પોતાના પુરોગામીના અનુભવોને ઈતિહાસ બોધ તરીકે લીધા હતા. અને અંગ્રેજો ઈતિહાસબોધી પ્રજા છે તેનું ઉમદા પ્રમાણ સર થોમસે રો એ પૂરું પાડ્યું.
         ઈ.સ. ૧૫૮૧માં જન્મેલો થોમસ ઓક્સફર્ડ યુનિ.ની મેગ્નડેલ કોલેજમાં ભણ્યો હતો. બ્રિટીશ સંસદનો સભ્ય અને "નાઈટ" ઈલ્કાબ પ્રાપ્ત રો ૨ ફેબ્રુઆરી ૧૬૧૫ના રોજ ૧૫ માણસોના કાફલા સાથે બાયન નામના જહાજ દ્વારા સુરત આવ્યો ત્યારે તારીખ હતી ૧૮ સપ્ટેમ્બર. સુરતથી તે સીધો મુઘલ બાદશાહ જહાંગીરને મળવા અજમેર પહોંચ્યો.
        થોમસ રોએ આવતાં પહેલાં ભારત અને ખાસ તો મુઘલ સમ્રાટ જહાંગીરની માનસિકતાનો પરિચય પોતાના પુરોગામી બ્રિટીશ દૂતો પાસેથી કરી લીધો હતો. જહાંગીરના ગમા-અણગમા, શોખ-મોજશોખ વગેરેની બારીક વિગતો એકઠી કરી, બાદશાહ ખુશ થઇ જાય તેવી ભેટ સોગાદો યુરોપનાં બજારોમાંથી લઇ આવ્યો હતો. આટલું કર્યા પછી સંપૂર્ણ મુઘલાઈ અદબ સાથે બાદશાહ સલામત સામે પ્રસ્તુત થયો. આ સમયે મુઘલદરબારમાં બેગમ નુરજહાંનો દબદબો હતો. જહાંગીર તો
"આધા શેર હો કબાબ ઔર આધા શેર હો શરાબ, સલ્તનત સારી નુરજહાંની, અચ્છી હો યા બુરી"ની નુરજહાંપરાયણતાની ભાવનાથી જીવતો હતો. દીર્ઘકાલીન વિચારણા વગર જહાંગીરે અંગ્રેજોને વેપારી પરવાનો આપી ભારતનું ગુલામી ખત પણ લખી આપ્યુ.
દરમિયાન વેપારી પ્રવૃત્તિઓના નિમિત્તે સૌથી વધુ સંઘર્ષો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયા. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે અહીં ભારતમાં જ સંઘર્ષ હતો તેમ ન હતું. આખા વિશ્વમાં જ્યાં જ્યાં તેમના વેપારી હિતો ટકરાતાં હતાં ત્યાં તેઓ બાખડતા રહ્યા. ભારતમાં વ્યાપારી સ્પર્ધા, રાજકીય હત્વાકાંક્ષાઓ, બંને દેશોની પરંપરાગત વેરભાવના વગેરેનું સંયુક્ત પરિણામ ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયેલા ત્રણ કર્ણાટક વિગ્રહો હતા. પ્લાસીના મહત્ત્વપૂર્ણ યુદ્ધ પહેલાં થયેલાં આ યુદ્ધોમાંથી અંગ્રેજો પુષ્કળ બોધપાઠ શીખ્યા હતા. ભારતીય રાજાઓ પણ શીખી શક્યા હોત, પણ તેમણે આવી કોઈ તસ્દી લીધી નહીં અને ભારત વર્ષ ક્યારે બ્રિટીશ સામ્રાજ્યવાદની નાગચૂડમાં ફસાઈ ગયું તેનો ખ્યાલ સુદ્ધાં ન આવ્યો. આવતી કાલે કર્ણાટક યુદ્ધો દ્વારા કંપની શાસનનાં યુદ્ધોની કથા માંડીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (22)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ