પ્લાસીનું યુદ્ધ
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસનનાં યુદ્ધો :
પ્લાસીનું યુદ્ધ - ૧૭૫૭*
*પ્રકરણ:- 74*
લેખક: *શ્રી અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
ભારતના વિશાળ ભૂભાગ પર ઈ.સ. ૧૭૦૭ સુધી મુઘલાઈ પ્રવર્તતી હતી. પરંતુ ઔરંગઝેબના અવસાન પછી તેના વારસોમાં વારસા વિગ્રહ શરૂ થયો. તેમાં પ્રાદેશિક સૂબાઓ અને સરદારો-સામંતોએ વહેતી ગંગામાં હાથ ધોતા હોય તેમ ઝંપલાવ્યું. પરિણામે વિશાળ મુઘલ સામ્રાજ્ય ટુકડાઓમાં વહેંચાઇ પતનની ગર્તામાં ધકેલાઈ ગયું.
ઈ.સ. ૧૭૦૮થી ૧૭૩૨ સુધી બાદશાહી ભોગવનાર બહાદુરશાહ -૧ પછી મુઘલાઈને યોગ્ય બાદશાહ ન મળ્યો અને તેનો ભરપુર ફાયદો ઉઠાવી પ્રાંતીય સૂબાઓ આઝાદ થતા ગયા. આ ઐતિહાસિક પ્રક્રિયાના ભાગરૂપે જાફરખાન બંગાળનો નવાબ બન્યો. તેના પછી આવેલા વિલાસી-વ્યભિચારી નવાબ સરફરાઝખાનને બિહારના સુબા અલીવર્દીખાને હરાવી બંગાળ કબજે કર્યું. લગભગ ૧૪ વર્ષ સુધી તેણે બંગાળ પર રાજ્ય કર્યું અને મોંગોલ આક્રાન્તા નાદિરશાહ અને ઊગતી મરાઠી તાકાત સામે લડતો રહ્યો હતો. અલબત્ત મરાઠાઓની ચોથ પદ્ધતિ અને યુરોપીયન કંપનીઓના વધતા ચંચુપાતથી તે ખાસ્સો વ્યથિત રહ્યો હતો. તેનાં પરિણામ સમૃદ્ધ બંગાળના ઉદ્યોગ-ધંધા અને ખેતીવાડીએ ભોગવવા પડતાં હતાં.
અલીવર્દી ખાનનાં સંતાનોમાં માત્ર ૩ પુત્રીઓ જ હતી અને તેના ત્રણેય જમાઈઓ અલીવર્દી ખાનની હયાતીમાં જ મૃત્યુ પામ્યા હતા. આ સ્થિતિમાં તેની સૌથી નાની દીકરી અમીના બેગમનો પુત્ર સિરાઝ-ઉદ-દૌલા બંગાળનો નવાબ બન્યો. તેના વખતમાં પ્લાસીનું યુગપરિવર્તનકારી યુદ્ધ થયું હતું. મધ્યકાળમાં રાજગાદી મેળવવી એના કરતાં એને ટકાવી રાખવી વધુ અઘરી હતી. અલીવર્દી ખાનનો દોહિત્ર નવાબ બનતાં તો બની ગયો, પણ બંગાળની નવાબી ફૂલોની સેજ નહિ પણ કાંટાળો તાજ હતો.
૩૪ વર્ષની વયે નવાબ બનેલા સિરાઝે પહેલો મુકાબલો તો તેની માસીઓ અને પિતરાઈઓનો કરવો પડ્યો. તેમને સહકાર આપી રહ્યા હતા અંગ્રેજો. ઘસીટી બેગમ નામની સિરાઝની માસી અને અલીવર્દી ખાનની સૌથી મોટી પુત્રીએ તો સીરાઝના શાસન સામે સતત આંતરિક વિદ્રોહો અને ષડ્યંત્રો કરાવ્યાં. પ્રતિક્રિયારૂપે સિરાઝે ઘસીટી બેગમને બંદી બનાવી તેનો ખજાનો જપ્ત કર્યો હતો. તેના પ્રેમી અને સેનાપતિ નઝરઅલીને યુદ્ધમાં ખત્મ કર્યો અને એ રીતે બંગાળમાં આંતરિક અસંતોષને ડામી દીધો.
સિરાઝ -ઉદ -દૌલાએ આંતરિક અસંતોષ તો ઠારી દીધો, પણ એક વિકરાળ સમસ્યા તેની સામે મોં વકાસીને ઊભી હતી અને તે હતા અંગ્રેજો. સિરાઝના અંદરુની ઝઘડાઓનો લાભ લઇ અંગ્રેજો બંગાળમાં પગપેસારો કરી રહ્યા હતા. વ્યાપારી હિતો અને સત્તાની સાઠમારીમાંથી પ્લાસીનું યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ અચાનક આવી પડ્યું ન હતું. તેની મજબુત પૃષ્ઠભૂમિ હતી.
૧. સિરાઝ-ઉદ-દૌલાના પિતરાઈઓ સાથેના સંઘર્ષનો લાભ લઇ અંગ્રેજો તેણે નવાબ પદેથી ઉથલાવી નાખી પોતાનો ગમતો નવાબ બંગાળના તખ્ત પર મૂકવા માગતા હતા. તેઓ બંગાળના નવાબી વારસા વિગ્રહમાં પોતાનું સોનેરી ભાવિ જોતા હતા. તેઓ સિરાઝ વિરુદ્ધ તેના શત્રુઓને સતત ભડકાવતા રહેતા હતા, જે સિરાજ સાથે પ્લાસીના યુદ્ધનું પહેલું કારણ બન્યું હતું.
૨. અંગ્રેજો આમ તો નવાબ પ્રત્યે વિનયી અને વિનમ્ર હતા, પરંતુ સિરાઝનો રાજ્યાભિષેક થયો ત્યારે નવાબને નજરાણું ભેટ ધરવાની પરંપરા નિભાવી ન હતી. અંગ્રેજો નવાબ સાથે શાહી અદબથી પત્રવ્યવહારની પદ્ધતિને પણ અનુસરતા ન હતા. આ બધાં કૃત્યોથી સિરાઝ અંગ્રેજો પ્રત્યે શંકાશીલ બન્યો જ હતો. તે ઉપરાંત તેના દાદા અલીવર્દી ખાને તેને નસીહત આપી હતી કે મુલ્કની અંદર યુરોપિયનો પર બાજ નજર રાખજે. અલ્લાહ મને લાંબું જીવાડશે તો હું તને તેમના ડરથી મુક્ત કરાવીશ, પરંતુ મને લાગે છે કે દીકરા આ કામ તારે જ કરવું પડશે! અલીવર્દી ખાને અંગ્રેજોથી ચૌકન્ના રહેવા અને તેમને કિલ્લાઓ બાંધવાની અને લશ્કર રાખવાની પરમિશન તો હરગીઝ ન આપવાની સલાહ પણ આપી હતી. દાદા અલીવર્દી ખાનની સલાહ મુજબ સિરાઝે બંગાળમાં અંગ્રેજી સત્તાને ઊગતી જ દબાવી દેવાનું શરૂ કર્યું અને તે પ્લાસીના યુદ્ધનું મહત્વનું કારણ બન્યું હતું.
૩. સિરાઝ-ઉદ-દૌલા બંગાળમાં બ્રિટિશરોને ઊગતાં જ ડામવા તત્પર હતો, તો અંગ્રેજોએ સિરાઝની આજ્ઞાની ઐસીતૈસી કરી કિલ્લેબંધી શરુ કરી. કલકત્તામાં કિલ્લાની ચોમેર ઊંડી ખાઈઓ ખોદાવી, સિરાઝને તેની જાણ થતાં જ કહેવડાવ્યું કે તમે વ્યાપારી પ્રજા છો. હું તમારી સુરક્ષામાં છું તો તમને કોનો ડર છે? તાબડતોબ ખાઈઓ પૂરી દો! તેના જવાબમાં એક અંગ્રેજ અધિકારીએ તુમાખીથી કહ્યું કે, "ખાઈઓ પુરાશે પણ માટીથી નહિ, મુસલમાનોનાં માથાંથી!" આવા અપમાનજનક ઉત્તરથી સિરાઝના ગુસ્સાનો પર ન રહ્યો અને અંગ્રેજો સાથેનો સંઘર્ષ અનિવાર્ય બન્યો. વળી અંગ્રેજો બંગાળનો નવાબ પોતે હોવા છતાં પોતાના સ્થાને ગાદી વારસ શૌકત જંગ સાથે પત્રવ્યવહાર કરતા હતા તે પણ સિરાજને ખૂંચતું હતું.
૪. મુઘલ બાદશાહ તરફથી મળેલી વ્યાપારી જકાત છૂટછાટોનો અંગ્રેજો ભરપુર ફાયદો ઉઠાવતા હતા. સ્થાનિક સ્તર પર અંગ્રેજોની વિચિત્ર રીતરસમોએ પણ સિરાઝને અંગ્રેજો પર હુમલો કરવા મજબુર કર્યો હતો. ૪ જુન ૧૭૫૬ના રોજ નવાબે કલકત્તાની કાસિમ બઝારની કોઠી પર આક્રમણ કરી દીધું. અંગ્રેજ ગવર્નર ડ્રેક સહિતના મોટાભાગના અંગ્રેજો જહાજમાં બેસી ફુલટા ટાપુ પર નાસી છૂટ્યા અને ૨૦ જુન ૧૭૫૬ના રોજ ફોર્ટ પર નવાબે કબજો લઇ લીધો, પણ આ તો હજી શરૂઆત હતી. હજુ તો ભારતના ઈતિહાસમાં લાંબા સમય સુધી યાદગાર બનનારી કાળ કોટડી {૨૦ જાન્યુ .૧૭૫૬ } અને મીરજાફર અને અમીચંદ જેવા ગદ્દારોની કહાનીઓ સર્જાવાની બાકી હતી. તેની વાત કાલ પર રાખીએ.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (25)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment