ચીન યુદ્ધ - ૧૯૬૨


          *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

              *આઝાદ ભારતનાં યુદ્ધો :
               ભારત-ચીન યુદ્ધ (૧૯૬૨)*

                 *પ્રકરણ:- 82*
                 અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
             ભારતમાં સિકંદર અને પોરસથી શરૂ કરેલી આપણી આ યુદ્ધયાત્રા આઝાદ ભારતમાં થયેલાં યુદ્ધોમાં પ્રવેશે છે. ગઈકાલે આપણે ૧૮૫૭માં ગુજરાતમાં થયેલા સંઘર્ષોની કહાની જોઈ હતી. એ પછી મોટાં યુદ્ધની વાત કરીએ તો ૧૯૬૨નું ચીન સાથેનું યુદ્ધ મહત્ત્વનું હતું.   
           ઈ.સ. ૧૮૫૭થી ૧૯૬૨ એટલે એક સેંકડા કરતાં વધુ વર્ષનો ગાળો હતો. તે દરમિયાન ભલે ભયાનક યુદ્ધો થયાં ન હતાં, અફડાતફડી ન મચી હોય, પણ કેટલાક ઘટનાક્રમોને યાદ કર્યા વગર સીધા ચીનના યુદ્ધ પાસે પહોંચી જવું એ થોડી નાઈન્સાફી ગણાશે.
ભારતને આઝાદી અપાવવાના ભાગરૂપે ૧૭ નવેમ્બર, ૧૯૧૩ના રોજ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ત્રિભેટે થયેલા માનગઢ હત્યાકાંડનું સ્મરણ કરવું રહ્યું. તે ભલે પૂર્ણ કક્ષાનું યુદ્ધ ન હતું, છતાં સેંકડો ભીલોએ અંગ્રેજો અને દેશી રજવાડાંઓ સામે લડતાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આ ઘટના જલિયાંવાલા બાગ હત્યાકાંડ (૧૩ એપ્રિલ ૧૯૧૯) કરતાં અવશ્ય મોટી હતી, પણ ઈતિહાસપટ પરથી વિસ્મૃત રહી છે. તેનાં ૬ વર્ષ પછી જલિયાંવાલા હત્યાકાંડ સર્જાયો. સરકારી આંકડા મુજબ જલિયાંવાલામાં ૩૭૯ ભારતીયો શહીદ થયા  હતા. તેનાં ૩ વર્ષ પછી ૭ માર્ચ ૧૯૨૨ના રોજ , સાબરકાંઠા જીલ્લાના પાલ ચિતરીયા ( દૃઢવાવ હત્યાકાંડ ) ગામે મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં પોતાના અધિકારો અને સ્વાભિમાન માટે લડતા ૧૨૦૦થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા. વધુ એક ઐતિહાસિક વિસ્મૃતિ.
         આ ગાળામાં આ વર્ષે જેમની સાર્ધશતાબ્દી મનાવી રહ્યા છીએ તે મહાત્મા ગાંધીનાં અહિંસક આંદોલનો ભારત અને જગત આખાને પ્રભાવિત કરતાં રહ્યાં હતાં. "કાગડા-કૂતરાંના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વગર આશ્રમમાં પાછો નહિ ફરું" અને "હિન્દુસ્તાનની આઝાદી માટે જરૂર પડશે તો ગંગા નદી જેટલું લોહી વહાવી દઈશ પણ એકપણ અંગ્રેજનો જાન જોખમમાં નહીં મૂકું" જેવી અહિંસક સંઘર્ષની ગાંધીવાણીમાં ૧૯૪૭ સુધી હિન્દુસ્તાન ડોલતું રહ્યું હતું.
          ઈ.સ. ૧૯૪૭માં રૂમઝુમ કરતી આઝાદી આવી. આપણને પણ લાગ્યું કે હવે ભારત સમસ્યામુક્ત થઇ ગયું, પણ એવું ન બન્યું. ભાગલા પછી તરત જ પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે અથડામણો શરૂ થઇ ચૂકી હતી. એ બધામાંથી તો આજેય આપણે નવરા થયા નથી. ત્યાં ૧૯૬૨નું ચીન સાથેનું યુદ્ધ આવી પડ્યું. આ યુદ્ધ પૂર્ણ કક્ષાનું અને બે આઝાદ દેશો વચ્ચેનું યુદ્ધ હતું. આઝાદ ભારતમાં થયેલા આ યુદ્ધને એકાએક આવી પડેલા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. કારણકે આ યુદ્ધ પહેલાં તો પંડિત નહેરુ ચીનયાત્રા કરી "હિન્દી-ચીની, ભાઈ-ભાઈ"નો નારો બુલંદ કરી આવ્યા હતા. ચીન સાથે એ રીતે મૈત્રીપૂર્ણ સંબંધોનો પાયો પણ રચાયો હતો, પણ પાયો ઈમારતમાં તબદીલ ન થઇ શક્યો અને ૧૯૬૨માં ભારતે ચીન સાથે આઝાદ ભારતનું પહેલું યુદ્ધ ખેલવું પડ્યું.
            આપણે વારંવાર વાત કરી છે કે યુદ્ધ જેવી સાર્વજનિક અને હિંસક ઘટના શૂન્યાવકાશમાં કે રાતોરાત થતી નથી. આવો, ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધનાં કારણોમાં ચક્કર મારીએ.
          ભારત અને ચીનના સંબંધો સૈકાઓ પુરાણા છે. ગૌતમ બુદ્ધની આ પવિત્ર ભૂમિએ પ્રાચીનકાલથી જ ચીનાઓનેઆકર્ષિત કર્યા હતા. ફાહિયાન, હ્યું-એન-ત્સાંગ અને ઇત્સિંગ જેવા મુસાફરોની ભારતયાત્રાઓએ ચીન-ભારત વચ્ચે તૈયાર કરેલા સાંસ્કૃતિક સેતુથી આપણે સુપેરે પરિચિત છીએ જ. તે પૃષ્ઠભૂમિ પર વ્યાપાર અને સાંસ્કૃતિક સંબંધોની મજબુત પીઠિકા બેઉ દેશો વચ્ચે તૈયાર થઇ હતી. રાજકીય આવનજાવન, થોડાક સૈન્ય સંઘર્ષો પણ ભારત-ચીન વચ્ચે બનતા રહ્યા હતા, છતાં આજે જે પ્રકારની અવિશ્વાસ અને અરાજકતાની સ્થિતિ છે તેવી તો ઇતિહાસના કોઈ કાળે ન હતી. તેનું મહત્વનું કારણ ચીનમાં ૧૯૪૯માં માઓ-ત્સે-તુંગના નેતૃત્વમાં રચાયેલી પહેલી સામ્યવાદી સરકાર અને તેણે કરેલી ચીનની કાયાપલટ છે.
          ભારત ચીન સાથે અઢી હજાર માઈલથી વધુ સંયુક્ત સરહદો ધરાવે છે, જેનું નિર્માણ ઐતિહાસિક પ્રણાલિકાઓ, નદીઓ તથા જુદા-જુદા સંધિ કરારો દ્વારા થયું છે. ત્રણ વિભાગોમાં વહેંચાયેલી ભારત અને ચીનની સહિયારી સરહદોમાં પૂર્વ સરહદ હંમેશાં વિવાદનું કેન્દ્ર રહી છે. ભારત-ચીન વચ્ચે આર્થર મેકમોહનના પ્રમુખપદે મળેલી પરિષદ પછી "મેકમોહન રેખા "નક્કી થઇ હતી. પરંતુ ચીને આ રેખાની આમન્યા ઘણીવાર તોડી છે. ૧૯૬૨માં ખાસ. ૧૯૫૪માં ભારત અને ચીન વચ્ચે તિબેટ મુદ્દે પંચશીલના કરાર થયા હતા. તેનો પણ ચીને રસ્તાઓ બનાવી, ભૂતાનના કેટલાક પ્રદેશો પર પોતાનો અધિકાર જતાવી યુદ્ધની સ્થિતિનું નિર્માણ કર્યું હતું. એ જ રીતે ૧૯૪૯માં સામ્યવાદી ક્રાંતિ પછી ૧૯૫૦માં તિબેટ પર કબજો કર્યો. માઓ-ત્સે-તુંગ તો કહેતા કે "સત્તા બંદુકના નાળચામાંથી નીકળે છે.’’ ભારતે પણ તિબેટરૂપી બાળકનું બલિદાન આપી ચીનની મહત્વાકાંક્ષા સંતોષી હતી, પણ તેનાથી ચીનની વિસ્તારવાદી નીતિ અટકી ન હતી. વધુમાં દલાઈ લામાએ ૧૯૫૭માં તિબેટમાં ચીનના અત્યાચારો પછી ભારતમાં આશ્રય લીધો હતો, જે ભારત પ્રત્યે ચીનના અણગમાનું તીવ્ર કારણ બન્યું અને લશ્કરી માનસિકતાના ચીની શાસકોને કારણે ૧૯૬૨નું યુદ્ધ અનિવાર્ય બન્યું.
         ભારત અને ચીન સમાંતરે સ્વતંત્ર થયેલા દેશો હતા. ત્યાં સામ્યવાદી અને ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા હતી, પણ આઝાદીના પ્રારંભે ભારતના આર્થિક વિકાસથી અદેખાઈ કરી ચીને અનેકવાર ભારતની આર્થિક શક્તિઓ તોડવાના પ્રયાસો કર્યા હતા. તેણે પણ ભારત-ચીન વચ્ચે વેરભાવના પેદા કરી હતી. ભારત-ચીન યુદ્ધમાં માત્ર ચીનનો દોષ જોવો એ સમગ્ર મસલાને એકપક્ષીય રીતે જોવા બરાબર છે. સરદાર વલ્લભભાઈ પટેલે ચીન સામે સાવચેત રહેવાની નેહરુને અગમચેતી આપી હતી, પણ આદર્શવાદના બિનવ્યવહારુ ખ્યાલમાં તેઓએ સરદાર અને ચીનના સૈનિક મિજાજને હંમેશાં અવગણ્યો હતો અને પરિણામ ૧૯૬૨ના યુદ્ધમાં ભોગવવું પડ્યું.
           આમ ઉપરનાં પરિબળોએ ભારત-ચીન વચ્ચે યુદ્ધરૂપી દારૂગોળો તૈયાર કરી દીધો હતો. હવે માત્ર એક તણખો ફેંકવાનો બાકી હતો અને તણખો ચીન તરફથી ફેંકાયો અને ૧૯૬૨માં ભીષણ યુદ્ધનો પ્રારંભ થઇ ગયો. ભારત પર દાયકાઓ સુધી અસર કરનાર આ યુદ્ધની વધુ વાતો કાલે કરીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (33)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ