મુઘલ - શિવાજી સંઘર્ષ
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*છત્રપતિ શિવાજીનાં યુદ્ધો*
પ્રકરણ:- 63
લેખક : અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
મધ્યયુગના અંત ભાગમાં ઔરંગઝેબ અને મુઘલ સામ્રાજ્યની પડતી અને દક્ષિણ ભારતમાં મરાઠી તાકાતનો ઉદય એ બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ હતી. મરાઠી સત્તાનો પાયો છત્રપતિ શિવાજી (૧૬૩૦-૧૬૮૦)એ નાખ્યો હતો. ઔરંગઝેબના શાસનના મધ્યાહ્ને શિવાજીએ હિન્દવી સામ્રાજ્યના ખ્યાલ સાથે મરાઠી પ્રજાને કટિબદ્ધ કરી અને ભારતના ઈતિહાસ પર પોતાના વ્યક્તિત્વની અમીટ છાપ છોડી હતી. આવા બાહુબલી મરાઠા સરદારે મરાઠા સામ્રાજ્યની રચના નાનાંમોટાં અનેક યુદ્ધોની બુનિયાદ ઉપર ચણી હતી. તેમનાં મુખ્ય યુદ્ધોની ચર્ચા કરતાં પહેલાં તેમના વ્યક્તિત્વ અને જીવન ઘડતરની ટૂંકી વાત કરવી જોઈએ.
શિવાજીની જન્મતારીખ વિશે ઈતિહાસકારોમાં મતભેદો છે, છતાં ૧૯ માર્ચ કે ૬ એપ્રિલ ૧૬૩૦ના રોજ થયો હોવાની વિશેષ સંભાવના છે. માતા-પિતાનાં ૬ સંતાનોમાં માત્ર બે જ સંતાનો બચ્યાં અને તેમાંના એક શિવાજી હતા. તેમના દાદા માલોજી ભોંસલે અને પિતા શાહજી અહમદનગરની નિઝામશાહીમાં સામંત હતા. તે પછી બીજાપુરના સુલતાન ઈબ્રાહીમશાહના સમયમાં જાગીરદાર અને સિપાહ સાલાર બન્યા હતા. તેમના પિતાએ શાણપણ દાખવી મુઘલોની મનસબદારી ત્યજી નિઝામશાહીનો પાલવ પકડ્યો હતો. આ કારણે તેમની મુઘલાઈ સાથે દુશ્મનાવટ બંધાઈ હતી. તેમાં અનેક વખત શાહજીએ સહન કરવું પડ્યું હતું, મુઘલસૈન્યથી બચવા આકરી રઝળપાટ પણ કરવી પડી હતી. આવા સંઘર્ષમય સમયમાં શિવાજીનો ઉછેર થયો હતો.
શિવાજીના ઉછેર અને ઘડતરમાં માતા જીજાબાઇ અને દાદાજી કોન્ડદેવનું અમૂલ્ય યોગદાન હતું. તેમના જન્મ, ઉછેર અને જીવન ઘડતરને લગતાં "શિવાજીનું હાલરડું"થી લઇ સેંકડોની સંખ્યામાં લોકગીતો, ભજનો જેવા અનેક લોકસાહિત્યિક સ્રોતો જનમાનસમાં પ્રચલિત છે. તે આજે પણ ભારતીય સમાજમાં તેમની લોકપ્રિયતાનો પુરાવો છે.
કૌટુંબિક ધોરણે શિવાજીને મળેલા સંસ્કારોની કોઈ અવગણના કરી શકે તેમ નથી, પણ તેમની સાક્ષરતા વિશે ઈતિહાસકારોમાં મતભેદો છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તો ૧૯૦૪માં "શિવાજી ઉત્સવ" નામથી દીર્ઘકાવ્ય લખ્યું હતું. શિવાજીને યુદ્ધશાસ્ત્ર અને રાજનીતિના પાઠ દાદા કોન્ડદેવે ભણાવ્યા હતા. ૭ માર્ચ ૧૬૪૭ના રોજ કોન્ડદેવનું અવસાન થયું ત્યારે શિવાજી યુવાન એટલ કે ૨૦ વર્ષના થઇ ચૂક્યા હતા. તેમના દાદાના મૃત્યુ પાછળ એક કારણ વિષપાન પણ માનવામાં આવે છે.
બવ્યક્તિગત બાબતમાં શિવાજી સ્વાભિમાની અને અત્યંત ચતુર હતા. મધ્યમ કદ, વાન ઘઉંવર્ણો, તેજ આંખો અને તેમાંથી છલકતું બુદ્ધિચાતુર્ય એ શિવાજીનો બાહ્ય દેખાવ હતો. ૨૯ મે ૧૬૬૪ના રોજ તેમની તુલાવિધિ વખતે તેમનું વજન ૮૦ કિલો નોંધાયું હતું. શિવાજી દિવસમાં એક જ વખત ખાતા હતા, જેથી તેમનું સ્વાસ્થ્ય ઘણું સારું રહેતું. વૈચારિક રીતે તદ્દન નવા અને વ્યક્તિગત સુરક્ષામાં ઘણા બેદરકાર રહેતા. શિવાજીનાં પહેલાં લગ્ન સઈબાઈ સાથે ૧૬૪૧માં થયાં હતાં. ઇતિહાસમાં તેમની આઠ પત્નીઓ હોવાના ઉલ્લેખો છે. શિવાજી લડાકુ યોદ્ધા, રાજ્યશાસ્ત્ર કળામાં નિષ્ણાત અને ધર્મના પુરસ્કર્તા હતા. કામના પ્રારંભે જાણકારોની સલાહ લેવી એ શિવાજીની સુટેવ હતી. વ્યક્તિગત અને રાજકીય જીવનમાં શિવાજીના નવાચારી અભિગમથી તેઓ ૧૭મા સૈકાના ભારતીય ઇતિહાસના સીમાસ્તંભ વ્યક્તિવિશેષ બન્યા હતા.
પોતાની તાકાતના જોરે નિર્ધન અને પદદલિત જેવા તથા કિસાનીમાં જ વ્યસ્ત રહેતા મરાઠાઓને મહારાષ્ટ્રની શક્તિશાળી પ્રજા તરીકે પ્રસ્થાપિત કરી હતી. હાલના મહારાષ્ટ્રના રાજકારણમાં પણ તેમની વિચારધારાની અસર ઓછી નથી. તત્કાલીન સમયે તો ઔરંગઝેબ જેવો કદાવર મુઘલ બાદશાહ પણ તેમની વધતી તાકાતથી ખોફ અનુભવતો હતો. શિવાજીએ દક્ષિણ ભારતમાં મુઘલોને પડકારવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, અનેક નાનાં મોટાં યુદ્ધો અને સંધિઓ તથા મુત્સદ્દીગીરી અને જય-પરાજય થકી મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. મરાઠી સામ્રાજ્યના નિર્માણ અને મુઘલો સામેના જંગમાં શિવાજીએ ઈ.સ. ૧૬૬૪ અને ૧૬૭૦ના વર્ષે સુરતનગરમાં ચલાવેલી લૂંટ પણ મહત્વપૂર્ણ બાબત હતી. જેની યાતના સુરતની જનતાએ દાયકાઓ સુધી વેઠી હતી. આ બાબતમાં આપણી વધુ જીજ્ઞાસા કવિ નર્મદ કૃત "સુરતની મુખ્તેસર હકીકત" અને અન્ય લેખકનો ગ્રંથ "સુરત સોનાની મુરત" સારી પેઠે સંતોષી શકે તેમ છે.
આ બધા પછી ઈ.સ. ૧૬૭૪માં શિવાજીનો ૧૬૭૪ના વર્ષે રાજ્યાભિષેક થયો. તેમનો રાજ્યાભિષેક વિવાદાસ્પદ પણ બન્યો હતો. સ્થાનિક બ્રાહ્મણો શિવાજીને ક્ષત્રિય માનતા ન હોવાથી પ્રસ્તુત મુદ્દો ઊઠયો હતો. જેનું નિવારણ શિવાજીનું ક્ષત્રિય ગોત્ર શોધી કાઢી તથા બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી લાવવામાં આવ્યું હતું. સમગ્ર કિસ્સો સામાજિક કાનુનીકરણના સંદર્ભમાં અત્યંત રસપ્રદ કિસ્સો છે. રાજ કારભાર સંભાળ્યા પછીનું કાર્ય સુચારુ રાજ્યવ્યવસ્થા ઊભી કરવાનું હતું. અલબત્ત, શાસક બન્યા પછી શિવાજી માત્ર ૬વર્ષમાં મૃત્યુ પામ્યા હતા. છતાં અષ્ટ પ્રધાનમંડળ જેવી વહિવટી વ્યવસ્થા આજે પણ વહિવટી બાબતોના ઇતિહાસમાં આદરપૂર્વક યાદ કરાય છે. તેમના અષ્ટ પ્રધાનમંડળમાં પેશ્વા (પ્રધાન), અમાત્ય (મજુમદાર-હિસાબનીશ), વાક્યાનીતિ (મંત્રી), શુરુનાવિત (સચિવ), સુમન્ત યા દાબીર (વિદેશમંત્રી), સર નૌબત (સેનાપતિ), સદર મુહતાસીબ (પંડિત કે દાનાધ્યક્ષ) અને ન્યાયાધીશનો સમાવેશ થતો હતો. આવી વહિવટી વ્યવસ્થા અને સૈન્ય શક્તિના જોરે મરાઠાઓએ વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું.પરંતુ અગાઉ કહ્યું તેમ આ બધું ભોગવવા શિવાજી લાંબું જીવ્યા નહીં. ૧૬૮૦ના વર્ષે ૧૩ એપ્રિલના રોજ માત્ર ૧૧ દિવસના મંદવાડ પછી હિન્દવી સામ્રાજ્યનો આ પુરસ્કર્તા અને મધ્યકાલીન ભારતનો તેજસ્વી સિતારો ખરી પડ્યો. તેમનું સ્મરણ ખાસ તો મુઘલ સત્તા સામે બાંયો ચડાવવા અને મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કરવા માટે થાય છે. શિવાજી વિશે આટલી ભૂમિકારૂપ વાત કર્યા પછી કાલથી તેમનાં કેટલાંક નમૂનારૂપ યુદ્ધો તરફ આગળ વધીશું .
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment