મુઘલાઇ યુદ્ધો

           *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

         *મુઘલાઈ યુદ્ધોઃ ઔરંગઝેબનાં યુદ્ધો       
                    (૧૬૫૮-૧૭૦૭)*

લેખક : શ્રી અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1

          ગત હપ્તાઓમાં આપણે અકબરકાલીન યુદ્ધોની લાંબી સફર કરી. તે પછી તેના સમય જેવી રાજકીય અફડાતફડી ઠેઠ ઔરંગઝેબના સમયમાં જોવા મળે છે. પણ આપણે એમ કંઈ ૧૫૦ વર્ષનો ઠેકડો મારી સીધા ઔરંગઝેબ પાસે થોડું જતું રહેવાય? ઇતિહાસનો પણ પોતાનો સમયમહિમા હોય છે. તે નાતે અકબર પછીના બે મુઘલ બાદશાહો અનુક્રમે જહાંગીર અને શાહજહાંની ઉપલક વાતો કરી ઔરંગઝેબનાં યુદ્ધોની ચર્ચા કરીશું.
          મુઘલ બાદશાહ અકબરની લગભગ અડધા સૈકાની (૧૫૫૬-૧૬૦૫) બાદશાહત દરમિયાન ભારતમાં વિશાળ મુઘલ સામ્રાજ્ય ઊભું થયું હતું. અકબર કોરો આદર્શવાદી કે માત્ર સ્વપ્નદૃષ્ટા ન હતો. સ્વપ્ન જોવામાં અને તેને ચરિતાર્થ કરવામાં તત્કાલીન ભારતીય શાસકોમાં તો ખરો જ, વિશ્વભરના શાસકોમાં અકબરનો કોઈ મુકાબલો ન હતો. ઈતિહાસકારોએ તો અકબરને તેના સમકાલીન શાસકો જેવા કે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ, ફ્રાન્સનો રાજા હેનરી ચોથો અને ઈરાની શાસક મહાન અબ્બાસ કરતા પણ ઊંચા સ્થાને મૂકે છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર વી. એ. સ્મિથે તો ત્યાં સુધી કહ્યું છે કે, "તે મનુષ્યોનો જન્મસિદ્ધ શાસક હતો. વિશ્વના મહાન અને સર્વશ્રેષ્ઠ શાસકોમાં તેની ગણના થવી સંપૂર્ણપણે ન્યાયસંગત છે." અકબર બધી રીતે સુખી હતો, પરંતુ તેના પુત્રો લાંબુ જીવતા નહોતા. તેથી તે પોતાના વંશવેલા બાબતે સતત ચિંતિત રહેતો હતો. પુત્રજન્મની યાચના સાથે તે દર દર ભટકતો રહેતો હતો. આખરે ફતેહપુર સિકરીના શેખ સલીમ ચિશ્તીના આશીર્વાદથી સલીમ ઉર્ફે જહાંગીરનો જન્મ થયો હતો (તારીખઃ ૩૦ ઓગસ્ટ ૧૫૬૯). આમ અકબરને મુઘલિયા સલ્તનતને આગળ વધારનાર ચિરાગની પ્રાપ્તિ થઇ હતી, પરંતુ અકબરને ક્યાં ખબર હતી કે અનેક દુવાઓ પછી પ્રાપ્ત થયેલો આ પુત્ર જ પોતાની સામે બગાવત કરશે!

        સને ૧૫૯૯થી ૧૬૦૪ સુધી તેણે ખુદ અકબર સામે વિદ્રોહ પોકાર્યો. અકબરના સલાહકાર અબુલ ફઝલને મારી નંખાવ્યો, પરંતુ અકબરે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય તે ન્યાયે જહાંગીરને બંગાળ-બિહારનો સુબો બનાવી યુવરાજ જાહેર કર્યો અને સમાધાની અપનાવી. તે પછી અકબર લાંબું જીવ્યો નહીં. પેટની બીમારીઓના કારણે ૨૫ ઓક્ટોબર ૧૬૦૫ના રોજ મહાન મુઘલ અકબરનું મૃત્યુ થયું અને તે પછી ૩ નવેમ્બર ૧૬૦૫ના રોજ જહાંગીર ચોથા મુઘલ બાદશાહ તરીકે આગ્રાના તખ્ત પર બેઠો.

              અકબર પછી મુઘલ બાદશાહ બનેલા જહાંગીરનો શાસનકાળ કળા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસને કારણે મધ્યકાળનો સુવર્ણકાળ ગણાય છે. તેના સમયમાં શીખ ધર્મગુરુ અર્જુનસિંહનો વધ થયો હતો અને મુઘલોની શીખો સાથે વેરભાવના શરૂ થઈ હતી. બાગ-બગીચાઓ અને મોટાં ભવનોનું નિર્માણ પણ જહાંગીરના સમયની મહત્વપૂર્ણ વિશેષતા છે. બાકી જેના પરથી ફિલ્મો અને સાહિત્યકૃતિઓ સર્જાઈ છે તે સલીમ અને અનારકલીવાળા કિસ્સામાં તો કશો ભલીવાર કે દમ નથી. પુત્રપ્રાપ્તિની ધૂનમાં મસ્જિદોનાં પગથિયાં ઘસી નાખનાર અને પુત્રના મોટા બળવાને પણ નજરઅંદાજ કરી દેનાર અકબર અનારકલીને દીવાલમાં ચણાવી શાહજાદા સલીમને આટલી મોટી સજા આપે તે વાત તાર્કિક રીતે બંધ બેસતી નથી. અલબત્ત, ફારસી, તુર્કીનો જ્ઞાતા હોવા છતાં શરાબ અને અફીણમાં મસ્ત રહેતો જહાંગીર કહેતો કે :
"આધા શેર હો શરાબ ઔર આધા શેર હો કબાબ, સલ્તનત સારી નુરજહાં કી અચ્છી હો યા બુરી."

         જહાંગીર અને નુરજહાંની કહાની લોકપ્રિય સ્ટોરી કરતાં તદ્દન જુદી હોવા છતાં આ મુદ્દાને કારણે ઘણા સાહિત્યકારો-સર્જકોની દુકાનો ધમધોકાર ચાલી છે. જહાંગીરે પિતા અકબર સામે વિદ્રોહનું બ્યુગલ ફૂંકી મુઘલિયા સલ્તનત પર દાવો જતાવ્યો હતો. તો આ જ ક્રમ તેના પુત્ર શાહજહાંએ વર્ષ ૧૬૧૪માં બળવો કરી મુઘલાઈ પરંપરા જાળવી રાખી હતી. ૭ નવેમ્બર ૧૬૨૭માં જહાંગીર હવાફેર માટે કાશ્મીર ગયો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું હતું. તે પછી સ્વાભાવિકપણે શાહજહાં મુઘલ બાદશાહ બન્યો. તારીખ ૫ જાન્યુઆરી ૧૫૯૨ના રોજ જહાંગીરની હિંદુ રાણીની કુખે જન્મેલો અને મૂળનામ ખુર્રમ ધરાવતા શાહજહાંના સમયમાં પણ રાજકીય રીતે બહુ મોટી ઉથલપાથલ થઇ ન હતી.
પણ મુમતાઝ મહલ સાથેનો પ્રણય અને લગ્નસંબંધ અને ૧૬૩૧માં ૧૪મા સંતાનને જન્મ આપતી વખતે બુરહાનપુર ખાતે પ્રસવ પીડામાં મૃત્યુ પામેલી મુમતાઝની સ્મૃતિમાં શાહજહાંએ ચણાવેલો તાજમહલ તો શાહજહાં-મુમતાઝના જ નહીં, જગતભરના પ્રેમીઓના પ્રેમના પ્રતીક તરીકે આજે પણ અડીખમ ઊભો છે. એ રીતે શાહજહાંની પ્રેમકથા તો જહાંગીરને પણ વટી જાય તેવી રહી છે. તો દિલ્હીમાં રાજધાની અને લાલ કિલ્લાના નિર્માણ માટે પણ શાહજહાંનું સ્મરણ થાય છે.

           સત્તા સામે બળવો પોકારવાની પરંપરા જહાંગીરે શરૂ કરેલી, જે શાહજહાંના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. તેનું નેતૃત્વ ઔરંગઝેબે કર્યું હતું. શાહજહાંના અંતિમ દિવસોમાં તેણે પવિત્ર મનના દારા શિકોહને પોતાના વારસ તરીકે ઘોષિત કર્યો હતો. ઔરંગઝેબ તો શાહજહાંને દીઠો ગમતો ન હતો. તે ઔરંગઝેબને "પાખંડી" કહેતો હતો. મુઘલ બાદશાહ તરીકે દારાની ઘોષણા સાથે જ શાહજહાંના ચાર પુત્રો નામે દારા, સુઝા, મુરાદ અને ઔરંગઝેબ વચ્ચે વારસાવિગ્રહ છેડાયો. વિચિત્ર લાગે તેવી વાત એ છે કે આ ચારે એક જ માતાનાં બાળકો હતાં. તેમાં સફળ રહ્યો ઔરંગઝેબ. તેણે તો સત્તાની લાલસામાં સગા બાપને આઠ વર્ષ સુધી આગ્રાના કિલ્લામાં બંદી બનાવ્યો હતો. ત્યાં જ વિક્ષિપ્ત અવસ્થામાં શાહજહાં મૃત્યુ પામ્યો. ઔરંગઝેબ એટલો તો દાઝીલો હતો કે મુઘલ બાદશાહ શાહજહાંની સ્મશાનયાત્રા શાહી ઢંગથી કાઢવાના
બદલે નોકરો અને હિજડાઓ દ્વારા આગ્રામાં મુમતાજ મહલની કબર તાજમહાલ પાસે દફનાવી દીધો. એ સાથે ખુદ ઔરંગઝેબ દિલ્હીના તખ્ત પર બેઠો. આવતીકાલે આપણે ઔરંગઝેબનો આંતર-બાહ્ય પરિચય કરી તેણે સામ્રાજ્યવાદી યાત્રા અર્થે કરેલાં યુદ્ધોની વાત કરીશું.

*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

  1. માહિતી સભર લેખ વાચકો ને ઉપયોગી સાબિત થશે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ