મરાઠાઓના યુદ્ધો - પાનીપતનું ત્રીજું યુદ્ધ
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*પાણીપતનું ત્રીજું યુદ્ધ - ૧૭૬૧*
પ્રકરણ:- 67
અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
મુઘલાઈના અંતકાળમાં આપણે મરાઠી શક્તિના અભ્યુદયનો ઈતિહાસ શિવાજીનાં બે યુદ્ધો નિમિત્તે જોયો. શિવાજીએ મહારાષ્ટ્રની વિશિષ્ટ પ્રકારની ભૂગોળ (સાતપુડા અને વિધ્યાચલ પર્વતની ગિરિમાળાઓ) અને તેમાં ગેરીલા યુદ્ધ પદ્ધતિનો સાનુકૂળ ઉપયોગ, મધ્કાલીન ભક્તિ આંદોલન તથા ક્ષીણ થતી જતી મુઘલ સત્તાનો ભરપુર ફાયદો ઉઠાવી શિવાજીએ મરાઠી સામ્રાજ્યની નીંવ નાખી હતી. તેમની પરિપાટી પર છત્રપતિ શાહુ, પેશ્વા બાલાજી વિશ્વનાથ, પેશ્વા બાજીરાવ પહેલો, પેશ્વા બાલાજી વિશ્વનાથ જેવા અનેક કદાવર મરાઠી સરદારો તખ્ત પર આવ્યા અને મરાઠી સત્તા ઉત્કર્ષ પામતી ગઈ. પણ આરંભ હોય, સૂર્યોદય, મધ્યાહ્ન હોય તેનો અંત અને સૂર્યાસ્ત પણ અવશ્ય હોય જ છે. શિવાજીના અવસાનના એક સૈકામાં ચરમોત્કર્ષ પર પહોંચેલી મરાઠી સત્તાને ૧૭૬૧મા પાણીપતનાં ત્રીજા યુદ્ધમાં મરણતોલ ફટકો પડ્યો અને પાણીપત મરાઠીશાસનની કબર સમાન બન્યું.
ભારતમાં પાણીપતનાં કુલ ત્રણ યુદ્ધો થયાં હતાં. ખૂનખાર જંગ અને પરિણામલક્ષિતાની દૃષ્ટિએ પાણીપતનું બીજું યુદ્ધ વધુ મહત્ત્વનું હતું. મરાઠાઓનું શાસન પ્રત્યક્ષ રીતે આમ તો દક્ષિણ ભારતમાં હતું, પણ તેમની સત્તાનો વિસ્તાર ઉત્તર ભારતમાં થતાં અહમદશાહ અબ્દાલી સાથે સંઘર્ષમાં આવવું પડ્યું. તેનાં પરિબળો ઘણાં રસિક હતાં:
૧. ઔરંગઝેબ પછીના મુઘલ બાદશાહોમાં રાજકીય મહત્ત્વાકાક્ષાઓમાં ઝાઝું કહેવા જેવું કશું ન હતું. મુઘલ બાદશાહ અહમદશાહ આલમગીરના સમયમાં (૧૭૪૮-૧૭૫૪)કાબુલના રાજાના ભારત પરના વારંવારના હુમલાઓથી ત્રસ્ત થઇ તેણે ઉત્તર ભારતના પંજાબ અને મુલતાનના પ્રદેશો સોંપી દીધા હતા. પરિણામે બેવડી શાસનવ્યવસ્થા જેવા માહોલમાં રાજકીય અને વહીવટી અંધાધૂંધી સર્જાઈ. તેનાથી ખાસ તો સ્થાનિક મહિલાઓ વધુ પરેશાન થઇ હતી. પરિણામે તેઓએ અહમદશાહ અબ્દાલીને ભારત વિજય માટે નિમંત્રણ આપ્યું હતું. તેમાં મુગલાની બેગમ નામની બેગમ મુખ્ય હતી. તેમના આમંત્રણથી ભારત આવેલા અબ્દાલીએ પહેલા જ આક્રમણમાં ૧૨ કરોડ જેવી માતબર રકમની લૂંટ ચલાવી. આ સમયે જ તે ભારતને વધુ તબાહ કરી શક્યો હોત, પરંતુ ભારતની અસહ્ય ગરમી અને પ્લેગનો રોગ ફાટી નીકળવાના કારણે તે કમને વતન પરત ફર્યો હતો. અબ્દાલીના પહેલા હુમલાના સમાચાર મળતાં જ પેશ્વાએ સરદાર રઘુનાથરાવને શસ્ત્ર સામગ્રી સાથે ઉત્તર ભારતમાં રવાના કર્યો હતો. તેનો ઈરાદો પણ ઉત્તરમાં મરાઠી શક્તિ વધારવાનો હતો. જે મુઘલો અને અબ્દાલી સાથે બાખડયા વગર શક્ય બને તેમ ન હતું.
૨.મરાઠા સેનાપતિ રઘુનાથરાવ ઘણો ઉતાવળિયો હતો. તે આક્રમણ કરતો, વારંવાર આક્રમણ કરતો, પણ દુશ્મનને ભોંય ભેગો કરી દેવાના બદલે માફી બક્ષી દેતો. આવી ભૂલો તેણે વારંવાર કરી અને તે ખુદ મરાઠાઓને જ ભારે પડી. એક તરફ આખું ભારત મરાઠાઓમાં ભાવિ ભારતની શક્તિ કે ઘડવૈયા તરીકે જોતું હતું. ત્યારે તેણે મુઘલો અને અબ્દાલી સામેના યુદ્ધ પહેલાં સ્થાનિક રજવાડાંઓ ઉપર પણ ઉપરા છાપરી હુમલાઓ કરી આખા ઉત્તર ભારતને ત્રાહિમામ પોકરાવી દીધું. તેમની ચોથ અને સરદેશમુખી જેવી વહીવટી વ્યવસ્થાઓ પણ ઘણી ટીકાપાત્ર બની હતી. મરાઠાઓનો સામ્રાજ્ય વિસ્તાર ઘણો મોટો હતો, પણ વસ્તી તેમની સાથે નહોતી. સરદારો ઘણી વાર મરાઠી સામ્રાજ્ય માટે નહીં, કિન્તુ વ્યક્તિગત પ્રતિષ્ઠા માટે યુદ્ધ છેડી દેતા હતા. તેથી જ આપણા એક કવિ દલપતરામે
"હાલતા દંડેચાલતા દંડે, દંડે સારા દિન,
છાતી ઉપર પથ્થર મૂકી પૈસા લેતા છીન."
જેવી બે જ પંક્તિઓમાં મરાઠી શાસનનું મૂલ્યાંકન કર્યું હતું .
૩. મરાઠાઓ પોતે હિંદુ પદપાદશાહી માટે લડતા હોવાનું કહેતા હતા, પણ તેનું વ્યવહારુ સ્વરૂપ કંઈક જુદું જ હતું. ઉદાહરણ તરીકે પાણીપતના ત્રીજા યુદ્ધમાં જતાં પહેલાં સદાશિવરાવ ભાઉએ રાજપૂત રાજાઓ અને સરદારોને એક ભગવા ધ્વજ નીચે એકઠા થવા અને વિદેશી હુમલાખોર અબ્દાલીને હાંકી કાઢવા માટે પત્રો લખી આહવાન કર્યું હતું. પરંતુ પેશ્વા બાજીરાવની હિંદુ પદપાદશાહી કરતાં તેના પુત્ર બાલાજી બાજીરાવની નીતિ નોખી હતી. તેના સરદારો અને સૈનિકો ખંડણી ઉઘરાવવા અને લૂંટફાટ કરવામાં જ ઇતિશ્રી માનતા હતા. પરિણામે તેમની યાતનાઓનો ભોગ બનતા હિંદુ રાજાઓ અને આમ પ્રજાજનોની લગીરેય સહાનુભૂતિ મરાઠાઓ પ્રત્યે રહી ન હતી. ઉત્તરના રોહીલાઓની શત્રુતા અને જાટ રાજા સૂરજમલ સાથેના પ્રાદેશિક મતભેદો પણ મરાઠાઓને ભારે પડવાના હતા. આટઆટલું બનવા છતાં મરાઠાઓ એટલા તો મધાંત હતા કે તેમને અબ્દાલી સામેના યુદ્ધ વખતે શું થશે તેનો સહેજેય વિચાર આવતો ન હતો. ટૂંકમાં જે ઉચ્ચ આદર્શો સાથે હિંદુ રાજાઓનો મોરચો બનાવવાની ખ્વાહીશ હતી તે થઇ શક્યું નહીં અને પાણીપતના અજાણ્યા પ્રદેશમાં મરાઠાઓ એકલા પડી ગયા.
આવાં કારણો સર્જાઈ રહ્યા હતાં ત્યારે સદાશિવરાવ ભાઉ કે જે આ યુદ્ધમાં મરાઠાઓનો મુખ્ય નેતા હતો, તેણે અહમદશાહ અબ્દાલી દિલ્હી પર હુમલો કરે તે પહેલાં ત્યાંથી તેનું દબાણ ખસેડવા કુંજપુરા નામના સ્થળ પર આક્રમણ કર્યું અને અબ્દાલીને રીતસર લલકાર્યો હતો. કુંજપુરાની લડાઈમાં અબ્દાલીના સુબેદાર સહિત હજારો સૈનિકો માર્યા ગયા. તેથી અબ્દાલીના ક્રોધની કોઈ સીમા ન રહી. તેણે પોતાના સૈનિકોને સંબોધતાં કહ્યું કે, "મરાઠાઓએ તમારું જે અપમાન કર્યું છે તેનો બદલો લેવા તૈયાર થઇ જાઓ..., તમારા પ્રાણની આહુતિ આપવાનો સમય આવી ગયો છે."
અબ્દાલીના આ અભિગમ પછી મરાઠાઓ અને અને અબ્દાલી વચ્ચેના થનારા ભાવિ યુદ્ધના સ્વરૂપમાં મૂળભૂત પલટો આવી ગયો હતો. સામાન્ય રીતે યુદ્ધો સૈન્યશક્તિ અને સિદ્ધિઓનો માપદંડ હોય છે, પણ અને વેરભાવના અને રક્તપીપાસાનું તત્ત્વ ઉમેરાયું હતું. તેની ચર્ચા આવતી કાલે.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (18)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment