કર્ણાટકના યુદ્ધો
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસનનાં યુદ્ધોઃ
કર્ણાટક વિગ્રહો - કર્ણાટકનું ત્રીજું યુદ્ધ
૧૭૫૬-૬૩*
*પ્રકરણ :- 73*
લેખક: *શ્રી અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
ગત હપ્તાઓમાં આપણે જોયું હતું કે ૧૮મા સૈકામાં વિશ્વભરમાં બ્રિટન અને ફ્રાંસ વચ્ચે સંસ્થાનવાદી મુદ્દે સંઘર્ષ ચાલતા રહ્યા હતા. કર્ણાટકમાં ૧૭૫૬થી ૧૭૬૩ વચ્ચે થયેલું ત્રીજું કર્ણાટક યુદ્ધ પણ આ જ પરંપરાના ભાગરૂપ હતું.
૧૭૫૬માં અમેરિકામાં સંસ્થાનોના પ્રશ્ને ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે ભયાનક યુદ્ધ છેડાયું હતું. તે પછી અહીં કોઈ વિશેષ કારણની જરૂર ન હતી. કર્ણાટકમાં આ પહેલાં બંને વચ્ચે બે યુદ્ધો તો થઇ ચૂક્યા હતા. હવે ૧૭૫૬માં ત્રીજું યુદ્ધ શરૂ થયું. ત્રીજા યુદ્ધ પહેલાં બ્રિટન સારી સ્થિતિમાં હતું કારણ કે તેણે તાજેતરમાં જ પ્લાસીનું યુદ્ધ જીતી પુષ્કળ ધન અને પૂર્વ ભારતમાં સત્તા પણ હાંસલ કરી હતી.
૧૭૫૭માં બંને દેશોની સેનાઓએ એકબીજાનાં થાણાંઓ પર હુમલાઓ કરી દીધા. પહેલા જ હુમલામાં ફ્રેન્ચોએ અંગ્રેજો પાસેથી ત્રિચિનાપલ્લી છીનવી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. છતાં અધિકાંશ કર્ણાટક પર ફ્રેન્ચોનો કબજો થયો હતો. આમ તો કર્ણાટકનું ત્રીજું યુદ્ધ કાઉન્ટ ડી લૈલી ભારતના બધા જ પ્રદેશોનો યુદ્ધ અધિકારી બનીને આવ્યો ત્યારે તેના પૂર્ણ કદમાં એપ્રિલ ૧૭૫૮માં શરૂ થયું હતું. લૈલીને ભારતમાં બે મહત્વપૂર્ણ હેતુઓ સાથે મોકલવામાં આવ્યો હતો.
૧. ભારતમાંથી અંગ્રેજોને બહાર ફેંકી દેવા
૨. ભારતમાંના ફ્રેંચ વહિવટીતંત્રમાં સુધારો લાવવો. લૈલી યોગ્ય અને સાહસિક સેનાનાયક હતો, પરંતુ સાથે
જ ક્રોધી, કટુભાષી અને આદર્શવાદી હતો. પરંતુ તેણે કરેલા સુધારાઓથી તેનાજ અધિકારીઓ ખુશ ન હતા. વળી તેની પાસે નાણાંની કમી હોવાથી તે સૈનિકોને
સમયસર પગાર પણ ચૂકવી શકતો ન હતો. ફ્રેંચ નૌ-સેનાનો સેનાપતિ કાઉન્ટ ડી એચે તેના પ્રભાવમાં ન હોવાથી નૌકાસેનાનો પર્યાપ્ત સહકાર પણ તેને મળી શકે
તેમ ન હતો. આ કારણોથી શરૂની સફળતાઓ પછી પણ તે અંગ્રેજોને ખદેડવામાં ફાવ્યો ન હતો. લૈલીએ આવતાંવેંત સેન્ટ ડેવિડના કિલ્લા પર હુમલો કરી કિલ્લો
જીતી લીધો દીધો. તે પછી તેનો ઈરાદો મદ્રાસ પર આક્રમણ કરવાનો હતો, પણ પોન્ડિચેરીના ગવર્નરે તેને નાણાં અને ફ્રાંસ નૌકા સહાયની અસમર્થતા દાખવતાં ચેતવ્યો હતો. દરમિયાન ફ્રેંચ નૌકાપતિ અંગ્રેજ નૌ-સેનાપતિ પોકોકથી પરાસ્ત થયો અને સેનાપતિ લૈલીના વિરોધની પરવા કર્યા વિના મોરેશિયસ જતો રહ્યો અને પરિણામે ફ્રાંસની હાલત ઘણી નાજુક થતી ગઈ.
ફ્રેન્ચોની વિકટ ઘડીઓમાં પણ સેનાપતિ લૈલી હિંમત હાર્યો ન હતો. તેણે ૧૪ ડિસેમ્બર ૧૭૫૮ના રોજ મદ્રાસ પર સાહસિક ઘેરાબંધી કરી જે ૧૬ ફેબ્રુઆરી સુધી ચલાવી. તે પછી આસપાસના ફ્રેંચ સેનાપતિઓ
અને લશ્કર બોલાવી મદ્રાસ પરનો સકંજો મજબુત કર્યો, પરંતુ સેનાપતિઓની કુનેહના અભાવે તેનો મદ્રાસ પરનો ઘેરો લાંબો ન ચાલ્યો. આ બધું ચાલતું હતું તે દરમિયાન રોબર્ટ કલાઇવે એક બંગાળી સેનાને દક્ષિણ ભારત તરફ મોકલી જેણે આવતાંની સાથે ૭ ડિસેમ્બરના રોજ મછલીપટ્ટનમ અને રાજમહેન્દ્રી નામનાં સ્થળો
જીતી લીધાં. તેનાથી ડરી જઈ હૈદરાબાદના નિઝામ સલાબત જંગે અંગ્રેજો સાથે સુલેહ કરી લીધી અને અંગ્રેજો માટે કર્ણાટક વિગ્રહમાં આસાની થતી ગઈ.
ફ્રેન્ચો નાણાંભીડ અને સૈન્યની અછતથી વ્યથિત હતા. તેમના સેનાપતિઓમાં પણ યુદ્ધની વ્યૂહરચનાઓ બાબતે એકરૂપતા ન હતી. આખરે ફ્રેન્ચોએ મદ્રાસ પરનો ઘેરો હટાવવો જ પડ્યો જે તેમની ઘણી મોટી પીછેહઠ હતી. તે પછી પણ કર્ણાટકમાં ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે એક વર્ષ સુધી છિટપુટ લડાઈઓ ચાલતી રહી અને ફ્રેન્ચોની સ્થિતિ લગાતાર પાતળી થતી ગઈ હતી. સેનાપતિ લૈલી અત્યંત વિકટ પરિસ્થિતિઓમાં પણ મુકાબલો કરતો રહ્યો. છેવટે ૨૨ જાન્યુઆરી ૧૭૬૦ના રોજ "વાંડીવોશના યુદ્ધ"ના નિર્ણાયક યુદ્ધમાં ફ્રેન્ચો હાર્યા તેમના સેનાપતિ બુસીને કેદ કરવામાં આવ્યો .એ સાથે છેલ્લાં ૯ વર્ષથી ચાલતા ફ્રેંચ-અંગ્રેજ સંઘર્ષનો પણ અંજામ આવી ગયો.
વાંડીવોશના યુદ્ધે અંગ્રેજોની ભારતમાંની આશાઓ જીવંત રાખી હતી તો ફ્રેન્ચોએ તેમની સામ્રાજ્યવાદી મહેચ્છાઓ ઢબૂરી દેવી પડી હતી. સેનાપતિ લૈલીની પણ ધરપકડ કરી ઇંગ્લેન્ડ લઇ જવામાં આવ્યો. તેને ૨ વર્ષ પછી મુક્ત કરાયો, તો ફ્રાંસમાં તેના પર કેસ ચલાવી મૃત્યુ દંડ ફટકારવામાં આવ્યો હતો. યુદ્ધમેદાનમાં શાસકોની સામ્રાજ્યવાદી મનોવૃત્તિઓ સંતોષવા માટે ખૂન-પસીનો એક કરતા સેનાપતિઓની છેલ્લે શી વલે થાય છે તેનું આ વરવું દૃષ્ટાંત છે.
વાંડીવોશના નિર્ણાયક યુદ્ધ પછી અંગ્રેજો દક્ષિણ ભારતમાં સતત આગેકદમ કરતા રહ્યા હતા અને તેનો અંત ૧૭૬૩માં અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે સપ્તવાર્ષિક યુદ્ધોનો અંત આવતાં આવ્યો. ભારતમાં ફ્રેંચ શક્તિ લગભગ નાબુદ થવાની કગાર પર આવીને ઊભી રહી ગઈ હતી. હવે તેનું સ્થાન ભારતમાં વેપારી કંપનીથી વધુ રહ્યું ન હતું. ફ્રેંચ સત્તાનો અંત ભારતમાં બ્રિટિશ સત્તાની સર્વોપરિતાનું સૂચક પણ હતું. ફ્રાન્સના રૂપમાં શક્તિશાળી સત્તાના ભારતમાં અંત સાથે અંગ્રેજોની નાણાંકીય સ્થિતિ અને સૈન્ય અને ખાસ તો નૌકા શક્તિમાં ધરખમ વધારો થયો હતો. તેનો ભરપુર ઉપયોગ તેઓ ભારત વિજય માટે કરવાના હતા -"વિશ્વમાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ કયારેય આથમતો નથી" તેવી કહેવતનો પ્રારંભ થવાનો હતો. કાલથી પ્લાસીના યુદ્ધની ચર્ચા શરૂ કરીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (24)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment