સન સત્તાવનનો સંગ્રામ con.
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસનકાળનાં યુદ્ધોઃ
સત્તાવનના સંગ્રામમાં ગુજરાત*
*પ્રકરણ:- 81*
અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
સન સત્તાવનના સંગ્રામની ઘટના આધુનિક ભારતીય ઈતિહાસની વિશાળકાય ઘટના હતી. ભારતનો ભાગ્યે જ કોઈ એવો ભૂભાગ હશે કે જે ૧૮૫૭ના સંગ્રામથી વણસ્પર્શ્યો રહ્યો હશે! ઈ.સ. ૧૯૭૦ પહેલાં એવું મનાતું હતું કે રજવાડાંઓ અને સામંતો તથા જમીન- જાગીરદારોના પ્રદેશ સમું ગુજરાત ૧૮૫૭ના સંગ્રામમાં શાંત રહ્યું હતું. અખિલ હિંદ સ્તરનાં પુસ્તકોમાં પણ ગુજરાતના પ્રદાનનો કોઈ ઉલ્લેખ થતો ન હતો. પરંતુ ગુજરાતી ઈતિહાસકારોએ કરેલાં સંશોધનો પછી ગુજરાતના યોગદાનની માતબર જાણકારી પ્રાપ્ત થઇ છે. દાહોદથી લઇ દ્વારકા લગી અને ડીસાથી ડાંગ સુધીના લોકોએ સત્તાવનના સંગ્રામમાં હિસ્સો લીધો હતો. ગુજરાતમાં મહીકાંઠા, રેવાકાંઠા, રાજપીપળા, ડાંગ અને ઓખામંડળના વિસ્તારો વિપ્લવ વખતે ઘણા સક્રિય રહ્યા હતા.
ગુજરાતમાં સંગ્રામ ફેલાવાના માટેનાં કેટલાંક ખાસ કારણો હતાં:
૧. ગુજરાતમાં ૧૮૫૭ વખતનું સૈનિક અસંતોષનું તત્ત્વ ભલે ન હોય, પણ ઉત્તર ભારતમાં સંગ્રામકારીઓ પર અંગ્રેજોની ધોંસ વધતાં તેઓએ એકંદરે શાંત ગણાય તેવા ગુજરાતમાં શરણ શોધ્યું હતું. તેમનું પ્રવેશદ્વાર ગુજરાત-માળવાની સરહદે રહેલું દાહોદ બન્યું હતું.
૨. ગુજરાતમાં સત્તાવનના સંગ્રામમાં જોડાવાનું એક કારણ એ હતું કે કચ્છથી ઉત્તર ભારત લઈ જવાતા મીઠામાં અંગ્રેજો ગાયનું લોહી છાંટી હિન્દુઓને ધર્મ ભ્રષ્ટ કરવા માગે છે તે હતું. કેટલાક સંશોધકો અહીં મીઠાં અને સિંદુરની ગુણીઓ ભેગી થઇ હોવાથી આવી ગેરસમજણ પેદા થઇ હોવાનું કહે છે. એ જે હોય તે, પણ અફવાએ તેનું કામ તો કર્યું જ હતું.
૩. સત્તાવનના મોટા નેતાઓ જેવા કે નાનાસાહેબ પેશ્વા અને તાત્યા ટોપેએ અંગ્રેજોથી બચવા ગુજરાતમાં શરણું શોધ્યું હતું. તેમના પ્રભાવમાં ગુજરાતના લોકો આંદોલિત થયા હતા.
૪. ગુજરાતના જમીનદારો બ્રિટીશ ઇનામદારી અને જમીન મહેસુલ પદ્ધતિઓથી ઘણા દુઃખી હતા. તેઓ ભલે પ્રત્યક્ષ રીતે સંગ્રામમાં સાથે ન રહ્યા, પણ સૈનિકો અને ક્રાંતિકારીઓને તેમનું સમર્થન હતું. એ જ રીતે ગુજરાતનું સૌથી મોટું રજવાડું વડોદરાની સહાનુભુતિ પણ વિપ્લવકારીઓ સાથે હોવાનાં પ્રમાણો ઉપલબ્ધ છે.
૫. ગુજરાતમાં સંગ્રામનું મહત્ત્વપૂર્ણ પરિમાણ અહીંના આદિવાસીઓ હતા. તેમણે નવી અને અકળાવનારી કાનુન વ્યવસ્થા, જંગલના હક્કો વગેરે મુદ્દે સત્તાવનના જંગમાં ઝંપલાવ્યું હતું.
આમ ઉત્તર ભારત કરતાં ઘણા નોખાં કહી શકાય તેવાં પરિબળો સાથે ગુજરાત સંગ્રામમાં જોડાવા સાબદું થયું હતું. અહીં આખા ગુજરાતમાં બનેલા ઘટનાક્રમોની તો વાત થઇ શકે તેમ નથી, પણ પ્રતીકાત્મક રૂપે કેટલાક મહત્ત્વના પ્રસંગોની વાત કરીએ.
પહેલાં વાત કરીએ પૂર્વ ગુજરાતમાં પંચમહાલની. અહીં મધ્ય ભારત મહુ અને ભોપાવરથી નાસી આવેલા વિપ્લવકારીઓએ સ્થાનિક લોકોમાં વિપ્લવી પ્રવૃત્તિઓનો વાયરો ફૂંક્યો હતો. દાહોદ, અભલોડ, પીપલોદ, દેવગઢ બારિયા, ગોધરા, સંતરામપુર, લુણાવાડા, હાલોલ અને જાંબુઘોડા તથા સંખેડા જેવા વિસ્તારો સક્રિય થયા. આ બધાં સ્થળોમાં જાંબુઘોડાથી ગોધરા વચ્ચેનો વિસ્તાર આરપારનો જંગ ખેલનારો નીવડ્યો. રૂપસિંહ નાયક અને કેવળ નાયક નામના આદિવાસી ભાઈઓ અહીં નેતૃત્વ સંભાળતા હતા. ઈ.સ. ૧૮૭૯માં લખાયેલા ખેડા અને પંચમહાલના ગેઝેટિયરમાં નોંધાયું છે કે રૂપા નાયક, કેવળ નાયક અને ગોબર નાયક નામના આગેવાનોએ હથિયારો ઉઠાવી અંગ્રેજો પર આકરા હુમલાઓ કર્યા હતા. તેઓએ જાંબુઘોડામાં રહેલી કેપ્ટન બ્રેટ્સની ટુકડી પર હુમલો કરી તેમણે ભગાડી મૂક્યા હતા. તેમની સાથે તાત્યા તોપેનું ભાંગેલું સૈન્ય જોડાતાં તેઓએ હાલોલથી ગોધરા સુધીના વિસ્તારમાં મજબુત સકંજો કસ્યો.
આદિવાસીઓ અને તાત્યાના સંયુક્ત અભિયાને પંચમહાલમાં અંગ્રેજો માટે ત્રાહિમામની સ્થિતિ સર્જી દીધી. આ ઘટનાની સ્મૃતિરૂપ તાત્યાનો કિલ્લો આજે પણ નારુકોટમાં અડીખમ ઊભો છે.આદિવાસીઓ બ્રિટીશ સૈન્યને શાંતિથી ખાવા-પીવા પણ દેતા ન હતા. તેઓ જંગલમાં ઝાડ કાપી આડશો ઊભી કરી અંગ્રેજ લશ્કરની અવરજવર પણ અવરોધતા હતા. આ વિકટ ઘડીમાંથી બહાર નીકળવા અંગ્રેજ અધિકારી કર્નલ વૉલેસે હાલોલ પરગણાના લોકોને હથિયારોના પરવાના આપી પોતાની પડખે લીધા. આકાશ પાતાળ કરવા છતાં હાથ ન લાગતાં વિપ્લવકારીઓનાં ઘર અને જમીન-જાયદાદ જપ્ત કરી તેમના પરિવારોને રંજાડવાનું શરૂ કર્યું. છતાં આદિવાસીઓ શરણે ન થયા ત્યારે ભીલ સેનાની રચના કરી. ઈ.સ. ૧૮૫૮માં દાહોદમાં આદિવાસી સૈનિકોની બનેલી ૯૩૧ સૈનિકોની ભીલ પલટન તૈયાર કરવામાં આવી. પરિણામે ઘર ફૂટે ઘર જાય તે કહેવત મુજબ આદિવાસીઓ પરાસ્ત થયા, પકડાયા, તેમના પર હથિયારબંધી લાદી તીરકામઠાં પણ છીનવી લીધાં.
આ સાથે પંચમહાલનું પ્રકરણ પૂરું થયું. પરંતુ અહીં એક બાબત ખેદજનક છે કે આવા ક્રાંતિકારી યોગદાન પછી પણ પંચમહાલના આદિવાસીઓ ૧૮૫૭ના સંગ્રામના ઇતિહાસમાં અવગણાયા છે. તાત્યા ટોપે પણ ૧ ડિસેમ્બર ૧૮૫૮ના રોજ થયેલી ભીષણ લડાઈમાં હાર્યો. તાત્યાએ ૩૦૦ સૈનિકો ગુમાવ્યા અને ખુદ વાંસવાડાના જંગલોમાં ભાગી ગયો હતો.
ઈ.સ. ૧૮૫૭માં ગુજરાતના યોગદાનનો આવો જ બીજો રોમાંચકારી પ્રદેશ ઓખામંડળ -દ્વારકા હતો. અહીંના શાસકો સમા જોરાવર વાઘેરો દાયકાઓથી અંગેજો અને ગાયકવાડી શાસન સામે ઝઝૂમતા હતા. ૧૮૫૭ વખતે દ્વારકાના રણછોડરાય મંદિરનાં દર્શને આવતા યાત્રાળુઓએ એવી અફવા ફેલાવી હતી કે ઉત્તર ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવામાં આવ્યા છે. તેનાથી પ્રોત્સાહિત થઇ જોધા માણેક અને મુળુ માણેકની આગેવાનીમાં વાઘેરોએ બળવો કર્યો. તેમણે દ્વારકા, બેટ દ્વારકા જીતી લીધાં અને જોધા માણેકને દ્વારકાનો રાજા જાહેર કર્યો. વાઘેરોએ ગાયકવાડના થાણેદાર ગોવિંદરાવને ખદેડી મૂકી તેની ૨૮ તોપો ,૧૦૦ મણ દારૂગોળો અને ૧૨૫ વહાણો જપ્ત કર્યાં હતાં. વાઘેરો સામેનો જંગ મુશ્કેલ બનતાં વધારાની સૈન્યતાકાત બોલાવવામાં આવી. કર્નલ ડોનાવલના નેતૃત્વમાં અંગ્રેજ અને ગાયકવાડી સેનાએ વાઘેરો પર જમીન અને દરિયાઈ રસ્તે ભયંકર આક્રમણ કર્યું. વાઘેર નેતા દેવા છાબાણીએ ઝીંક ઝીલી પણ તે લાંબુ ટકી ન શક્યો અને માર્યો ગયો. તે પછી સંયુક્ત સેનાઓએ દ્વારકાનો કિલ્લો તોડી પાડ્યો. કેટલાંક મંદિરોનો નાશ કર્યો. અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાની લૂંટ ચલાવી.નિર્દોષ સ્ત્રી-પુરુષો અને બાળકોની ખરી જ ગાયો-ભેંસો અને ઘોડાઓની પણ કત્લેઆમ કરી. ડોનોવનના અત્યાચારો સામે વાઘેરો ઝૂક્યા અને આભપરાના ડુંગરમાં સંતાઈ ગયા. ત્યાં પણ તોપોમારો કરી વાઘેરોને તિતરબિતર કરી નાખ્યા. અલબત્ત, આ જઘન્ય કૃત્ય માત્ર અંગ્રેજોનું ન હતું. સૌરાષ્ટ્રનાં અન્ય રજવાડાંઓની સૈનિક સહાય અંગ્રેજોને મળી હતી. આ ઘટનાની અપવાદરૂપ દાખલા તરીકે અર્વાચીનોમાં આદ્ય ગણાતા કવિ નર્મદે તેના ‘ડાંડિયો’ સાપ્તાહિકમાં આકરી ટીકા દ્રારા લીધી હતી.
દ્વારકાથી નાસેલા જોધા માણેકનું ૧૮૬૦માં ગીરના જંગલમાં તાવના કારણે મૃત્યુ થયું હતું, તો દેવા અને મુળુ માણેકને કપટથી પકડી કેદમાં નાખી દેવામાં આવ્યા હતા. પરંતુ મુળુ માણેક તો રેવાકાંઠાની જેલ તોડી ૨૦ સાથીઓ સાથે નાસી છૂટ્યો હતો. તે પછી પણ મુળુ માણેક માછરડા અને રાણપુર જેવાં સ્થળોએ અંગ્રેજો સામે લડતો રહ્યો હતો. ૧૮૬૯ના મે મહિનાની ૭મી તારીખે મુળુ માણેકની હત્યા પછી વાઘેરોના બંડનો અંત આવ્યો હતો. વાઘેરો ભલે પરાસ્ત થયા, તેમના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમની ઇતિહાસે પૂરતી નોંધ ન લીધી હોય પણ સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય તો આજે પણ આ વીર વાઘેરોની ગૌરવગાથા ગાઈ રહ્યું છે. એક-બે દુહા તમેય સાંભળો:
‘ના રે છડીયા હથિયાર અલ્લાબેલી,
મરણે જો હકડીવાર, દેવોભા ચેતો,
મુળુભા વંકડા, ના છડીયા હથિયાર...’
‘નારીયું નત્ય રંડાય, નર કેદિ રંડાય નહીં,
ઓખો રંડાણો આજ માણેકને મરતે મુળવો."
૧૮૫૭માં ગુજરાતે ભલે ઉત્તર ભારતની માફક ત્વરિત પ્રતિક્રિયા આપી ન હતી, પણ ઉપર આપણે જોયું તેમ લગભગ ગુજરાત સંગ્રામ સાથે આંદોલિત રહ્યું હતું. મોટાં શહેરો, રજવાડાંઓ અને ભદ્ર વર્ગો બ્રિટીશ બહાદુરની પડખે હતા ત્યારે ભીલ, ધારાળા, નાયકા, સીદીઓ અને વાઘેરો જેવા સામાન્ય પ્રજાજનોએ અસામાન્ય શૌર્ય અને પરાક્રમ દાખવ્યું હતું. અને ૧૮૫૭ પછી સંગ્રામમાં પ્રતિક્રિયા દેખાડવા બદલ આ વર્ગોએ જ સૌથી વધુ વેઠવું પડ્યું હતું. સત્તાવન પછી તો અંગ્રેજોએ વાઘ, જંગલી ડુક્કરની સાથે ભીલોને પણ શિકારની શ્રેણીમાં મૂક્યા હતા.
અહીં સન સત્તાવનના સંગ્રામ નિમિત્તે થયેલાં યુદ્ધોની વાતને વિરામ આપી કાલથી એક નવા યુદ્ધની વાત શરૂ કરીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (32)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment