સન સત્તાવનનો સંગ્રામ


        *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

       *ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસનનાં યુદ્ધો :
       સન સત્તાવનનો સંગ્રામ (૧૮૫૭-૫૯)*

                *પ્રકરણ:- 79*
                  અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
           ૧૬મા સૈકામાં ભારતમાં બ્રિટીશ પ્રજાએ વેપારના નિમિત્તે શરૂ કરેલી પ્રવૃત્તિઓએ ૧૮મો સૈકો આવતાં સુધી તો ભારત વિજય તરફ ગતિ અને પ્રગતિ કરી હતી. નાનામોટા અનેક અવરોધોને પાર કરી ૧૯મી શતાબ્દિની શરૂઆતમાં તો ભારતભરમાં એકમેવ સર્વોપરિ સત્તા બની હતી.પરંતુ હજુ સન સત્તાવનનો સંગ્રામ બાકી હતો. સત્તાવન પૂર્વે પણ કિસાનો અને આદિવાસી સમૂહોએ બ્રિટીશ શાસન સામે અનેક વિદ્રોહો કર્યા હતા. પરંતુ કમનસીબી એ છે કે આજે પણ મુખ્યધારાના ઇતિહાસમાં આઝાદીના જંગમાં તેમનાં પ્રદાન તરીકે નોંધ લઇ શક્યા નથી.
        સત્તાવનના સંગ્રામનું સ્વરૂપ શું હતું? તે બળવો હતો, વિપ્લવ હતો, સંગ્રામ હતો કે પછી રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ હતો તે વિશે અનેક ઈતિહાસકારોએ તેમની કલમ ચલાવી છે. ઈતિહાસકારો વચ્ચેના નિરર્થક વાદવિવાદો વચ્ચે આવેલી એક ફિલ્મ બધાને બોધપાઠ આપી ગઈ અને તે હતી ‘ધ રાઈઝિંગ’. એનો સાર આપતાં કહી શકાય કે ૧૮૫૭ની ઘટના એ ભારતીય રાષ્ટ્રવાદનું અરુણું પ્રભાત હતું. વિપ્લવકારીઓ પાસે ભલે સંગ્રામ પછીની કાર્યયોજના ન હતી, પણ સંગ્રામના ગાળામાં શું કરવું તેનું ભાન તો અવશ્ય હતું.

          એક અંદાજ પ્રમાણે આધુનિક ભારતના ઇતિહાસમાં સૌથી વધુ લેખન કોઈ મુદ્દા પર થયું હોય તો તે સત્તાવનનો સંગ્રામ છે. માલેસન, ડીઝરાયેલી, જસ્ટિન મેકાર્થી અને કાર્લ માર્ક્સ જેવા અનેક બિનભારતીય વિદ્વાનોની સાથે વી. ડી. સાવરકર, રમેશચંદ્ર મજુમદાર, સુરેન્દ્રનાથ સેન અને આપણા ગુજરાતી ઇતિહાસકાર પ્રોફેસર આર. કે. ધારૈયાએ વિભિન્ન દૃષ્ટિકોણથી ૧૮૫૭ની ઘટનાને જોઈ છે.
         સિપાઈઓ, કિસાનો, દલિતો, આદિવાસીઓ, કારીગરો જમીન-જાગીરદારો, રાજા-રાણીઓ, નવાબો અને બેગમો, શેઠિયાઓ અને શાહુકારો, હિંદુઓ અને મુસ્લિમો ભારતમાં વસતી કોઈ કોમ આ સંગ્રામમાં ભાગીદારીથી પોતાને બાકાત રાખી શકી ન હતી. તેથી જ તો કહેવાયું હતું કે,
" ચમક ઉઠી સન સત્તાવન મેં વહ તલવાર પુરાની થી,
દૂર ફિરંગી કો કરને કી સબને મન મેં ઠાની થી"
        સત્તાવનનો સંગ્રામ આધુનિક ભારતીય ઈતિહાસની મહાનતમ ઘટના હતી. આપણે અવારનવાર વાત કરી છે તે પ્રમાણે વ્યક્તિગત જીવનમાં બનતી ઘટનાઓ પણ અકારણ બનતી ન હોય તો ઇતિહાસની ઘટનાઓ કે જે સાર્વજનિક ઢબની અને સેંકડો લોકોને સાંકળતી હોય છે તે વિના કારણે ક્યાંથી સર્જાઈ શકે?

         સહુ પહેલાં સ્મરણ થાય સામ્રાજ્યવાદી મનોવૃત્તિના ડેલહાઉસીની ખાલસાનીતિનું. દત્તક પુત્ર રાજગાદી પર બેસી ન શકે, રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે વગેરે વિવિધ પ્રકારનાં બહાનાંઓ અને કારણો ઉપજાવી તેણે ઈ.સ. ૧૮૪૮થી ૧૮૫૬ સુધીમાં તો લગભગ ઉત્તર ભારત બ્રિટીશ છત્ર નીચે આણી દીધું હતું. આ જ સમયમાં અંગ્રેજ શાસનથી ઇનામદારો અને જમીન-જાગીરદારો જેવા સામંતશાહી વર્ગો પણ બ્રિટીશ વહીવટીતંત્ર હેઠળ ભીંસ અનુભવતા હતા. એ જ શૃંખલામાં રંગભેદ અને ખ્રિસ્તી મિશનોની વટાળ પ્રવૃત્તિઓ પણ તેની સોળે કળાએ ખીલી હતી. આ બધાની વચ્ચે અંગ્રેજ સામ્રાજ્યને ભારતમાં વિસ્તૃત કરવા માટે પોતાનું રક્ત અને પરસેવો પાડી રહેલા સૈનિકો ખાસ્સા અસંતુષ્ટ રહેતા હતા.
       અપૂરતો પગાર, સુવિધાઓમાં ભેદભાવ, ધાર્મિક ભાવનાઓની એસીતૈસી કરી ભારતીય સૈનિકોને દરિયાપાર યુદ્ધ લડવા મોકલી દેવા વગેરે તેમના અસંતોષનાં કારણો હતાં. ટૂંકમાં ૧૮૫૭ પહેલા યુદ્ધરૂપી ઘાસનો વિશાળ ઢગલો તૈયાર હતો. તેને પેટાવવા માટે એક જ ચિનગારીની જરૂર હતી અને તે કામ કર્યું મંગલ પાંડેએ.
         મોટાભાગના ભારતમાં સત્તાવનની જવાળાઓ ફેલાઈ ગઈ. દિલ્હી, કાનપુર, અયોધ્યા, જગદીશપુર, કાલપી, પટના, ઝાંસી, ઇન્દોર, રતલામ, દાહોદ, ગોધરા, ઇડર, અમદાવાદ, આણંદ અને ઓખામંડળ સુધી સંગ્રામની ચિનગારીઓ પ્રસરી. બહાદુરશાહ ઝફર, નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, વીરાંગના લક્ષ્મીબાઈ, બેગમ હઝરત મહલ, અઝીમુલ્લા ખાન, રંગો બાપુજી કુંવરસિંહ જેવાં મુખ્ય કેન્દ્રોના ક્રાંતિકારીઓની સાથે ગુજરાતમાં લુણાવાડામાં સુરજમલ, ગોધરા પંથકમાં આદિવાસી નાયક રૂપસિંહ નાયક-કેવળ નાયક, આણંદમાં ગરબડદાસ મુખી, ઇડરમાં મગનલાલ વાણિયા અને યામાજી ગામેતી તથા દૂર દ્વારકામાં જોધા માણેક અને મુળુ માણેક જેવા વાઘેર ક્રાંતિકારીઓએ "કમળ અને રોટી"ના પ્રતીક થકી સંગ્રામની જ્યોતને પ્રજ્જવલિત રાખી.
          આ બધા હિંદુ-મુસ્લિમ ધાર્મિક ભેદને ભુલાવી લડ્યા હતા. આખા હિન્દુસ્તાને ૮૨ વર્ષના મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરને "હિંદનો બાદશાહ" બનાવ્યો હતો. બહાદુશાહ બાદશાહ હોવાની સાથે શાયર પણ હતો. તેણે રચેલી કાવ્યપંક્તિઓ સૈનિકો ઉપરાંત સંગ્રામના નેતાઓને પણ પ્રેરણાદાયી રહી હતી. ઝફરે ૧૮૫૭ વખતના હિન્દુસ્તાનના સ્પિરિટને દર્શાવતા લખ્યું છે કે,
"ગાઝીઓ મેં બૂ રહેગી જબ તક ઈમાન કી,
તબ તક ચલેગી લંડન તક તેગ હિન્દુસ્તાન કી."

          ટૂંકમાં ૧૮૫૭ વખતે આખું હિન્દુસ્તાન આંદોલિત થઇ ચૂક્યું હતું. ગુજરાત-રાજસ્થાન અને દક્ષિણનાં રજવાડાંને બાદ કરતાં ૧૮૫૭નો સંગ્રામ ઘણે ઠેકાણે ફેલાયો હતો. પ્રદેશ મુજબ સંગ્રામની તાસીર પણ બદલાઈ હતી. નાનાં-મોટાં અનેક યુદ્ધો પણ થયાં. એ બધાં વિશે અહીં વાત કરવી એટલે માનો કે મહાનિબંધ લખવા જેવી પ્રવૃત્તિ ગણાય! એટલે વચ્ચેના રસ્તા તરીકે આપણે ૧૮૫૭ના સંગ્રામનો જુસ્સો જાળવી રાખનાર અને સંગ્રામમાં માતબર યોગદાન આપનાર પ્રદેશો અને નેતાઓનું ગૌરવ જળવાઈ રહે તે રીતે કાલથી આપણે ૧૮૫૭ના સંગ્રામમાં થયેલાં કેટલાંક નમૂનારૂપ યુદ્ધોની ચર્ચા કરીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (30)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ