મુઘલાઈ યુદ્ધો con.

            *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

        *મુઘલાઈ યુદ્ધોઃ ગોલકોંડાનું યુદ્ધ -૧૬૮૭*

                   *પ્રકરણ:- 61*
               લેખક : અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1

          મુઘલાઈના એક અર્થમાં છેલ્લા મહાન બાદશાહ તરીકે જેની ગણતરી થાય છે તે ઔરંગઝેબનો શાસનકાળ બે ભાગમાં વહેંચાયેલો હતો. પહેલા વિભાગમાં ઈ.સ. ૧૬૫૮થી ૧૬૮૧ વચ્ચેના ગાળામાં તે મોટેભાગે ઉત્તર ભારતની સમસ્યાઓમાં વ્યસ્ત રહ્યો હતો. ૧૬૮૧થી લઈ ૧૭૦૭ એટલે કે મૃત્યુ સુધી તે દક્ષિણ ભારતની કૂટનીતિઓમાં ઉલઝેલો હતો. પિતા શાહજહાંના શાસનમાં બે વખત દક્ષિણ ભારતની સુબેદારી દરમિયાન ઔરંગઝેબે બીજાપુર અને ગોલકોંડા જીતવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ દારા શિકોહ સાથેના સંઘર્ષના કારણે તેનું સપનું સાકાર થયું ન હતું. ઉત્તર ભારતમાં સત્તાપ્રાપ્તિના શરૂના સમયે અહીંની સમસ્યાઓથી એટલો ત્રસ્ત રહ્યો હતો કે દૂર દક્ષિણમાં તે પૂરતું ધ્યાન આપી શક્યો ન હતો. પરંતુ શાહજાદા અકબર સાથેના વિવાદ વખતે અકબર દક્ષિણમાં જઈ ભરાણો હતો. આ સંજોગોમાં તેનું ધ્યાન દક્ષિણ ભારત તરફ કેન્દ્રિત થયું હતું અને તે ઉત્તરમાં સતનામીઓ, મારવાડી રાજાઓ અને શીખોને પરાસ્ત કરી દક્ષિણમાં પહોંચ્યો હતો. પરંતુ આ દક્ષિણ યાત્રા તેના જીવનની છેલ્લી યાત્રા બની રહી. સર જદુનાથ સરકારે નોંધ્યું છે કે ઔરંગઝેબની નિષ્ફળ દક્ષિણ નીતિના કારણે દખ્ખણ "મુઘલાઈની કબર" બન્યું હતું.

           પોતાના વિદ્રોહી શાહઝાદા અકબરનો પીછો કરતાં ઔરંગઝેબ દક્ષિણ ભારત પહોંચ્યો હતો. તેની દક્ષિણ નીતિનાં - બીજાપુર અને ગોલકોંડાનાં શિયાપંથી રાજ્યોને મુઘલાઈ હસ્તક લાવવા અને ત્યાંનો અઢળક ખજાનો લૂંટી લેવો તથા દક્ષિણની માથું ઊંચકી રહેલી પહાડી મરાઠા જાતિ (જેમને ઔરંગઝેબ "પહાડના ઉંદર" કહેતો હતો)નું શમન કરવાના બે મહત્ત્વપૂર્ણ હેતુઓ હતા. પરંતુ આ બધું અધકચરું કર્યું તેટલામાં તો ૧૭૦૭માં તે દૌલતાબાદમાં મૃત્યુ પામ્યો. એ પહેલાં શિયાપંથી રાજ્યો અને મરાઠાઓ સાથે નાનામોટાં ઘણાં યુદ્ધો કર્યાં. તેમાંથી અત્રે કેટલાંક મહત્ત્વનાં યુદ્ધોનો ચિતાર પ્રાપ્ત કરીએ.

          બીજાપુરની આદિલશાહી સલ્તનત સામે ટકરાતાં પહેલાં ઔરંગઝેબે ઇસ્લામી કાર્ડ ખેલ્યું હતું. તે મરાઠાઓની વધતી તાકાતથી ચિંતિત હતો અને તેથી જો બીજાપુરનો સુલ્તાન આદિલ શાહ બીજો મરાઠાઓ સામેના સંઘર્ષમાં મુઘલોને મદદ કરે તો તે બીજાપુર સાથે સમાધાનીથી વર્તવા તૈયાર છે.સમય વર્તે સાવધાનની નીતિ મુજબ આદિલ શાહે શાહી પ્રસ્તાવને સ્વીકાર્યો અને તે દ્વારા મુઘલોએ હડપેલા બીજાપુરના પ્રદેશો ફરી અંકે કર્યા. પરંતુ સમાધાનનો હેતુ પૂરો થતાં જ આદિલ શાહ મુઘલાઈને વફાદાર હોવાનો ડોળ કરી ખાનગીમાં શિવાજીને મદદ કરવા લાગ્યો. વાસ્તવ તો બીજાપુર સુલતાનની વફાદારી શિવાજી સાથે પણ ન હતી. તેનો નિજી સ્વાર્થ તો બંનેને યુદ્ધમાં રોકી રાખી પોતાને સલામત રાખવાનો જ હતો. પરંતુ તેની આ બેધારી નીતિ થોડા સમયમાં જ ખુલ્લી પડી ગઈ. ઉપાયરૂપે રાજા જયસિંહને બીજાપુર પર આક્રમણ કરવા રવાના કર્યો. ૧૬ નવેમ્બર ૧૬૬૫ના રોજ ૪૦ હજારની વિશાળ સેના લઈ તે પુરંદર પહોંચ્યો અને વીજળીવેગે બીજાપુરના કિલ્લાઓ પર કબજો કરી લીધો અને બીજાપુરમાં દસ્તક દીધી.

           બીજાપુર સુલતાન પણ સ્વરક્ષા માટે સજ્જ હતો. તેણે ૩૦ હજાર કર્ણાટકી સિપાઈઓની મદદથી બીજાપુરથી ૧૦ કિલોમીટર ચોમેરનો વિસ્તાર ઉજ્જડ કરી મૂક્યો, જેથી મુઘલ ફોજને ખોરાક-પાણી મળી શકે નહીં. આદિલ શાહ તેની યોજનામાં સફળ રહ્યો. ઘાસચારા અને અન્ન પુરવઠા વગર મુઘલ સેનાએ પીછેહઠ કરવી પડી. જયસિંહને ઔરંગઝેબે રાજધાની પાછો બોલાવી લીધો કારણ કે આર્થિક દૃષ્ટિએ બીજાપુરનું આક્રમણ મુઘલ સામ્રાજ્યમાં તસુભાર પણ જમીન વધારી શક્યું ન હતું. ઊલટું આ યુદ્ધ વખતે શાહી ખજાનામાંથી ૩૦ લાખ રૂપિયા અને જયસિંહના ખિસ્સામાંથી ૧ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.

         આમ બીજાપુર પરનો પહેલો હુમલો મુઘલો માટે "ઘેટી ચરવા ગઈ અને ઊન મૂકીને આવી" જેવી સ્થિતિ થઈ હતી. જયસિંહ પછીના મુઘલ સેનાપતિઓને પણ બીજાપુર જીતવા સફળતા મળી ન હતી. તે પછી આદિલ શાહે જિંદગીનાં અંતિમ વર્ષો ભોગવિલાસમાં ગાળ્યાં ૨૪ નવેમ્બર ૧૬૭૨ના રોજ આદિલ શાહનું અવસાન થયું અને તેનો પુત્ર સિકંદર શાહ સુલતાન બન્યો. તેનો સમય વાસ્તવમાં બીજાપુરમાં વજીરોનું શાસન હતું. કઠપૂતળી સમાન સુલતાનના સમયની રાજકીય અંધાધૂંધીનો લાભ લઈ મુઘલ સુબા દિલેર ખાને ૧૬૭૬માં બીજાપુર પર મુત્સદ્દીપૂર્વક લડત ચલાવી. એટલું સફળ થયા પછી ખેડૂતો અને સામન્ય રૈયત પર ભયંકર ત્રાસ વર્તાવી બીજાપુરને ત્રાહિમામ પોકારાવી દીધું. દિલેર ખાન પણ બીજાપુર વિજયમાં સફળ ન થતાં ૧ એપ્રિલ ૧૬૮૫ના રોજ શાહજાદા આઝમ ખાને બીજાપુરને ઘેરો ઘાલ્યો. ઘેરો એટલો તો ચુસ્ત હતો કે બીજાપુરી સૈન્ય અને તેનો સુલતાન મુઘલોના ઘૂંટણિયે પડી ગયા . બીજાપુરને મુઘલ સામ્રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યું. સુલતાનને પહેલા મુઘલ ઉમરાવ તરીકે "ખાન"નો દરજ્જો આપવામાં આવ્યો અને પછી રાજકેદી તરીકે દૌલતાબાદના કિલ્લામાં અને પછી ઔરંગઝેબની છાવણીમાં લાવવામાં આવ્યો. જ્યાં ૩૨ વર્ષની ભરયુવાન વયે તે મૃત્યુ પામ્યો.

આમ અનેક આરોહ-અવરોહ વચાળે બીજાપુરનો કિસ્સો પૂરો થયો. હવે વારો ગોલકોંડાનો હતો. તેની વાત કાલે કરીશું.

*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in

*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ