શિવાજીના યુદ્ધો con.
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*છત્રપતિ શિવાજીનાં યુદ્ધોઃ
અફઝલ વધ - 1659*
*પ્રકરણ:- 65*
અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
ગઈકાલે આપણે શિવાજીના મુઘલ સેનાપતિ અફઝલ ખાન સાથેના દ્વન્દ્વની પીઠિકા તપાસી હતી. એ પણ જોયું હતું કે બંને પરસ્પર અવિશ્વાસુ કે સાશંક હતા. તારીખ ૧૦ નવેમ્બર ૧૬૫૯ના રોજ અફઝલખાન અને શિવાજીની મુલાકાત યોજાઈ હતી.
શિવાજીનો અફઝલ વધનો આખો ઘટનાક્રમ નાટ્યાત્મકતાથી ભરપુર હતો. શિવાજીએ અફઝલના તંબુમાં જઈ તેને સલામ કરી અને સાથે જ બંને વચ્ચે ગુફ્તગુ શરૂ થઈ. અફઝલખાને હુકમના ભાવ સાથે શિવાજીને તેણે જીતેલા મુઘલોના કિલ્લાઓ અને જમીન-જાયદાદ પરત કરવા કહ્યું.શિવાજીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે સેનાપતિ આપણે બેઉ મુઘલ બંદાઓ છીએ, અને હું તો શાંતિ અને વ્યવસ્થાનું કામ કરી રહ્યો છું, તમારા શત્રુઓનો સફાયો કરી રહ્યો છું. આટલી ચર્ચા દરમિયાન હિંદુ દૂતે દોઢ ડહાપણ કરતાં શિવાજીને અફઝલખાનની માફી માગવા જણાવ્યું. શિવાજીએ બે સમકક્ષ હોદ્દેદારો એકબીજાને માફી ક્યાંથી આપી શકે જેવી અગાઉની વાત દોહરાવી.
ચર્ચા-વિચારણાનો દોર ચાલતો હતો ત્યારે અફઝલ પાસે ૧૦ અંગરક્ષક, ૧ રાજદૂત અને બે સેવક હતા. શિવાજીએ પરિસ્થિતિ પારખી સૈયદ બંદા નામના કુશળ તલવારબાજને તંબુમાંથી બહાર કાઢવા કહ્યું અને તે પ્રમાણે થયું. હવે અંદર શમિયાણામાં મર્યાદિત માણસો જ હતા. શિવાજી સાથે તેમનો એક દૂત અને બે સેવક જ હતા. અફઝલખાને વધુ વિશ્વસનીયતા બતાવતાં પોતાની તલવાર બ્રાહ્મણ દૂતને આપી દીધી, તો શિવાજીએ પણ એને અનુસરતાં પોતાની તલવાર દૂતને સોંપી દીધી. પરંતુ બંને પોતપોતાના ઈરાદાઓ મનમાં ધરબીને બેઠા હતા.
અફઝલખાન ઊંચો, તગડો, હટ્ટોકટ્ટો અને પઠાણ જેવો દીસતો હતો. તેણે ઉપર મુજબનો સંવાદ થયા પછી મૈત્રીભાવ બતાવતાં શિવાજીને બાથમાં લીધા અને તેમની ગરદન મરડવા માંડી. સાથે જ જમણા હાથથી કટાર ખેંચી તેનો જોરદાર વાર શિવાજીના વાંસામાં કરવાનો પ્રયાસ કર્યો, પણ શિવાજીએ તો બખ્તર પહેર્યું હતું તેથી બચી ગયા, પણ લોઢાના લોઢા સાથે ટકરાવાથી ખન્ન કરતો આવાજ આવ્યો તેનાથી શિવાજી ચોંકી ગયા. તેમણે તરત જ વળતો હુમલો કરતાં પોતાનો વાઘનખ પહેરેલો હાથ બહાર કાઢી હાથ કમર સુધી લઇ જઈ વાઘનખ અફઝલના પેટમાં ઘુસાડી દીધા અને એક જ ઝાટકે તેનાં આંતરડાં બહાર ખેંચી કાઢ્યાં.
અફઝલના શરીરમાંથી લોહીનો ફુવારો વછૂટ્યો. તેની સાથે જ શિવાજીએ તેમની બિચવા (કટાર) તેની છાતીમાં ભોંકી દીધી. અફઝલ "દગો-દગો, શત્રુઓને મારો-મારો કહેતો ચીખતો રહ્યો. તેની સાથે શિવાજી પર અફઝલના બ્રાહ્મણ દૂત કૃષ્ણાજી ભાસ્કરે તલવારથી વાર કર્યો, પણ તે સતર્ક હોવાથી બચી ગયા. આ ઝપાઝપીમાં અફઝલખાનના બીજા બે સેનાપતિઓ - સૈયદ બંદા અને અંગરક્ષક જીયા મહાલ માર્યા ગયા. મુઘલ સૈનિકો ઘાયલ અફઝલખાનને તંબુમાંથી બહાર લઇ જવાના પ્રયત્નો કરતા હતા, ત્યારે જ શિવાજીના સાથી શંભાજી કાવજીએ અફઝલખાનના પગ વાઢી નાખ્યા અને ખાનનું ગળું જ ઉડાવી દઈ તેણે શિવાજીના ચરણોમાં ધર્યું. તે પછી શિવાજીના દરવાજે પહોંચતા જ તોપો ફોડાઈ અને બ્યુગલ પણ બજ્યું. તેનો અવાજ સાંભળવાની રાહ જોતા હોય તેમ નજીકમાં જ ઊભેલા શિવાજીના મરાઠા સૈનિકો મુઘલ સૈનિકો પર તૂટી પડ્યા. ભીષણ રક્તપાત થયો. મરાઠી સેનાએ અફઝલના ૩ હજાર કરતાં વધુ સૈનિકોને પૂરા કરી દીધા, જેમાં ૪૦ નોકરો અને ૬ સ્ત્રીઓનો પણ સમાવેશ થતો હતો. શિવાજીના પક્ષે તેના કાકા શંભાજી ભોંસલે પણ માર્યા ગયા હતા. જ્યારે અફઝલ ખાનના બીજા સેનાપતિઓ તો મહામુસીબતે ત્યાંથી ભાગી શક્યા હતા. આમ અફઝલખાનના વધ અને મુઘલ સૈનિકોની કત્લેઆમ પછી આ ઘટના પૂરી થઈ.
અફઝલખાનને માર્યા પછી શિવાજીએ તેના ૬૫ હાથી, ૪ હજાર ઘોડા, ૧૨ હજાર ઊંટ, ૩ લાખનું ઝવેરાત, ૭ લાખ નગદ, બધી જ તોપો, બંદુકો અને શસ્ત્રો છીનવી લીધાં. શિવાજીએ અફઝલખાનના વધ દ્વારા મુઘલોને ધોબી પછાડ આપી દક્ષિણમાં મરાઠાઓનો દબદબો ઊભો કર્યો. સાથે પોતાની સંવેદનાઓ મરાઠી પ્રજા તરફ દેખાડવાની નવી પદ્ધતિ શરૂ કરી. સહુ પહેલાં તો મુઘલો સામેના વિજય પછી હાંસલ કરેલી સંપત્તિની મરાઠા સૈનિકોમાં દિલ ખોલીને ખેરાત કરી અને તરત જ યુદ્ધમાં માર્યા ગયેલા મરાઠી સૈનિકોનાં પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈ તેમના તરફ સંવેદના જતાવી અને મૃત સૈનિકોનાં સંતાનોને સૈન્યમાં ભરતી કર્યાં. શિવાજી પ્રત્યે મરાઠી પ્રજાનો સદભાવ આવા સંવેદનાત્મક વ્યવહારોના પાયા પર રચાયો હતો.
શિવાજી અને અફઝલખાન વચ્ચેનો સંઘર્ષ ઈતિહાસકારો વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. ફારસી અને અંગ્રેજી ઈતિહાસકારો શિવાજીએ અફઝલને દગો દીધો હોવાનું કહે છે. તો જી. એસ. સરદેસાઈ જેવા મરાઠી રિયાસતકાર અફઝલખાન જ દગાખોર હોવાનું ભારપૂર્વક જણાવે છે. બંનેના વિમર્શનું સમાલોચન કરતાં સર જદુનાથ સરકારે તેમના "શિવાજી એન્ડ હિઝ ટાઈમ્સ"માં જણાવ્યું છે કે શિવાજી-અફઝલના સંઘર્ષમાં અફઝલના મનમાં જ પાપ હતું.
તે શિવાજીને "પહાડનો ઉંદર" માનતો હતો અને તેનો ખાતમો કરી મરાઠી પ્રજાના અસંતોષને ભંડારી દેવા માગતો હતો. "પરંતુ શિવાજી બળિયા બની બહાર આવ્યા હતા અને દક્ષિણ ભારતમાં મરાઠી સર્વોપરિતાનો પાયો નંખાયો. બીજી બાબત એ છે કે ‘યુદ્ધ ઔર પ્યાર મેં સબ કુછ જાયઝ હૈ’ અને ‘શઠમ પ્રતિ શાઠયમ’નું વ્યવહારુ ચિત્રણ ક્યાંય જોવું હોયતો તે શિવાજી અને અફઝલના સંઘર્ષમાં દૃષ્ટિગોચર થાય છે.
શિવાજી અને મરાઠી સામ્રાજ્ય માટે અફઝલ વધ એક મુકામ હતો. હવે બીજો ઘટનાક્રમ મુઘલ સેનાપતિ શાઈસ્તખાન સાથે સર્જાવાનો હતો . તેની વાત આવતીકાલે.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (16)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment