પાનીપતનું ત્રીજું ૧૭૬૧ con
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*પાણીપતનું ત્રીજું યુદ્ધ - 1761*
*પ્રકરણ:- 69*
લેખક: *શ્રી અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
પાણીપતની ખરી લડાઈ ૧૪ જાન્યુઆરી (મકર સંક્રાંતિ) ઈ.સ. ૧૭૬૧ના રોજ શરૂ થઈ હતી, પણ એ પહેલાં પણ અબ્દાલી અને મરાઠાઓની સેના વચ્ચે અથડામણમાં આવવા નાના-મોટા અનેક બનાવો બન્યા હતા.
૧ નવેમ્બર ૧૭૬૦થી લઇ ૧૪ જાન્યુઆરી દરમિયાન ઝપાઝપી, હુમલાઓ અને સમાધાનીના પ્રયત્નો પણ ચાલ્યા. આ વખતે મરાઠી સેનાએ તેમના ઇતિહાસમાં ન જોઈ હોય તેવી ભીડ અનુભવી હતી. પૈસા અને અનાજ-ઘાસના અભાવે સૈનિકો અને પશુઓ મરી રહ્યાં હતાં. સ્ત્રીઓએ તેમનાં ઘરેણાંઓ ગાળી સિક્કા પાડવા માટે ઉતારી આપ્યાં, પણ વિશાળ સેનાના ખર્ચ સામે ઘરેણાંઓની કોઈ વિસાત ન હતી. બે સપ્તાહમાં તો મરાઠી સેનાના વિકટ સંજોગો દેખી સદાશિવભાઉએ અબ્દાલી સમક્ષ સમાધાનીનો પ્રસ્તાવ મોકલાવ્યો. પ્રત્યુત્તરમાં અબ્દાલીએ એક દિવસનો સમય માગ્યો, પણ ભૂખ્યા-તરસ્યા મરાઠા સૈનિકો ભૂખે મરવા કરતા યુદ્ધમાં મરવું સારું એમ માની અબ્દાલીનો જવાબ આવે તે પહેલાં જ ૧૩ જાન્યુઆરીની રાત્રે જ લડવા માટે તૈયાર થઇ ગયા હતા.
તારીખ ૧૪ જાન્યુઆરી અને ૧૭૬૧ની સવારના ૯ વાગ્યે મરાઠાઓએ અબ્દાલીની ફોજ પર હુમલો કરી દીધો અને સાથે પાણીપતના ત્રીજા યુદ્ધ તરીકે પ્રસિદ્ધ થયેલા યુદ્ધનો પ્રારંભ થયો. શસ્ત્રસામગ્રીનાં લેખાં-જોખાં કરીએ તો અબ્દાલી પાસે તોપદળ, ઊંટ પર રાખી વહન કરી શકાય તેવી કડાબીન બંદુકો અને યુદ્ધ મેદાનમાં ચોમેર ઘૂમી શકે તેવું કુશળ ઊંટદળ હતું. જ્યારે મરાઠાઓ પાસે બંદુકો અને ભાલાઓ જ હતા. એ રીતે હથિયારોમાં મરાઠાઓ અબ્દાલીની તુલનાએ પછાત હતા.
યુદ્ધ શરૂ થતાં જ મરાઠી સેનાના સેનાપતિ ઈબ્રાહીમ ગાર્દીએ બરખુરદાર અને અમીર બેગની આગેવાનીમાં રહેલી રોહિલા અને મુઘલ સૈનિકોની ટુકડી ઉપર જોરદાર હુમલો કર્યો અને તેમાં તેના સેનાપતિઓ સહિત ૮થી ૯ હજાર રોહીલાઓ વધેરાઈ ગયા. એ ઈબ્રાહિમ વાવાઝોડાની જેમ શત્રુઓ પર ફરી વળ્યો હતો. એ જ વખતે સદાશિવે શત્રુઓના મર્મસ્થાન સમા મધ્ય ભાગમાં વઝીરના સૈન્ય પર હલ્લો બોલાવ્યો. ભાઉએ પોતાના તમામ અશ્વારોહીઓથી કરેલા મરણતોલ હુમલાના કારણે અફઘાનોની સુરક્ષા હરોળ મજબુત હોવા છતાં તેમણે ત્રણ હરોળ ભેદી નાખી.
મરાઠાઓનું પાયદળ પણ પોતાનો અસલ રંગ દાખવી રહ્યું હતું. અફઘાન સેના માટે હવે પીછેહઠ કરાવી જ પડે તેમ હતી. અફઘાન સેનાપતિ વઝીરનાં પાનો ચડાવતાં વચનો સાંભળ્યા વિના પૂંઠ્યા પકડી નાઠા.
અબ્દાલીની સેનાની એક બાજુ ખત્મ થઇ ચૂકી હતી. ડાબી બાજુ પણ નાબુદ થવામાં હતી. હવે મુખ્ય સેનાપતિ અહમદશાહ અબ્દાલી સાથે નિપટવાનું બાકી હતું. શરૂઆતી હુમલામાં મરાઠાઓ વિજયશ્રી તરફ આગળ ધપી રહ્યા હતા. પરિણામ તેમની તરફેણમાં જઈ રહ્યું હતું. એટલામાં એક એવો બનાવ બન્યો કે તેના કારણે મરાઠાઓની જીતેલી બાજી હારમાં પલટાઈ ગઈ.
અબ્દાલીની સેનામાં તેની ટક્કરનો જ એક નજીમુદૌલા નામનો સેનાપતિ હતો. મરાઠાઓના વિજયના માહોલમાં તેણે જેકોજી સિંધિયા નામના મરાઠા સેનાપતિના દળપર આક્રમણ કર્યું. જેકોજી આ હુમલાને ખાળી રહ્યો હતો, પણ તેની બાજુમાં મોરચો સંભાળી રહેલા મલ્હારરાવ હોળકરને નજીમુદૌલાએ ફોડી નાખ્યો હતો. બંને વચ્ચે થયેલી ગુપ્ત સમજૂતીનો સદાશિવરાવ ભાઉને અણસાર સુદ્ધાં આવ્યો ન હતો. યુદ્ધ મેદાનમાં જેવો નજીમુદૌલા સામે આવ્યો કે ઈશારો થતાં જ મલ્હારરાવ જેકોજી સિંધિયાને રણમેદાનમાં નોંધારો મૂકી નાસી છૂટ્યો. કેવો વિશ્વાસઘાત? મલ્હારરાવની દગાખોરી પછી અબ્દાલીએ યુદ્ધ મેદાનમાંથી પોતાના નાસી છુટેલા સૈનિકોને પાછા બોલાવી અન્ય વ્યૂહરચના દ્વારા મરાઠાઓ પર તૂટી પડ્યા. એ જ વખતે મરાઠાઓ પાસે જે ન હતું તેવું અનામત અશ્વદળ પણ કામે લગાડ્યું. મરાઠી સેના સવારે નવ વાગ્યાથી ભૂખી અને તરસી લડી રહી હતી. તેમનામાં થાકનાં ચિહ્નો પણ સ્પષ્ટ દેખાતાં હતાં. જ્યારે અબ્દાલીનું સૈન્ય તાજું જ યુદ્ધમાં જોડાયું હતું. તેથી તેણે જબરદસ્ત સ્ફૂર્તિ દેખાડી.
પરિણામે મરાઠાઓ માટે હવે રણમેદાનમાં ટકવું અઘરું બન્યું. મરાઠા સૈનિકોને આ હુમલાથી શ્વાસ ખાવાનો મોકો મળે તે પહેલાં તો કડાબીન બંદુકો (હલકી તોપો) રાખેલાં ૧૫૦૦ ઊંટોના દળે હુમલો કર્યો. ૫૦૦-૫૦૦નાં જૂથમાં વહેંચાયેલાં અબ્દાલીના ઊંટદળે તો કમાલ કરી નાખી. આવા ભીષણ સંગ્રામમાં પણ તે પછી મરાઠાઓ ૨ કલાક સુધી ઝઝૂમ્યા. શસ્ત્રોના ઝંકાર, દારૂગોળાના કાન ફાડી નાખે તેવા અવાજો, ગોળીઓની રમઝટ અને દેકારા-પડકારા વચ્ચે ઘમાસાણ મચ્યું હતું. એટલામાં એક ગોળી ક્યાંકથી આવી અને વિશ્વાસરાવને વાગી. તે હાથી પરથી નીચે પટકાયો. બપોરે બે વાગ્યાના અરસામાં પોતાની નજર સામે વિશ્વાસરાવને ગોળીઓથી વીંધાતો જોઈ સદાશિવભાઉએ વ્યૂહરચના બદલી.
વિશ્વાસરાવ પેશ્વાનો પુત્ર અને ભાઉનો ભત્રીજો હતો. તેણે ભત્રીજાનાં મોતનો આઘાત સહન ન થતાં તેનું શબ હાથી પર મુકાવી ખુદ અંગરક્ષકો સાથે હાથી પરથી નીચે ઊતરી પાગલની જેમ અફઘાનો તરફ આગળ વધ્યો. વેરની આગમાં તડપતો ભાઉ અફઘાનોના જુમલામાં ધસી ગયો, પણ આ તેની ઉતાવળની સાથે ભારોભાર મુર્ખામી હતી . અફઘાન સેના આવો સોનેરી મોકો ક્યાંથી છોડે ? અફઘાનોએ તેને કોઈપણ રીતે છટકી ન શકે તેવી રીતે ઘેરી લીધો. પછીની વાત કાલે.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (20)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment