હલદી ઘાટી con.

            *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

     *મુઘલાઈ યુદ્ધોઃ હલ્દીઘાટીનું યુદ્ધ - ૧૫૭૬ (ચાલુ)*

        લેખક: *શ્રી અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
        ગઈકાલે આપણે હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની પ્રારંભિક સફળતાની વાત જોઈ હતી. પણ વિશાળ અને કુશળ મુઘલ સેના અને તેનો દાઝીલો સેનાપતિ માનસિંહ એમ હાર માને તેમ ન હતો. માનસિંહ - પ્રતાપની સીધી ટક્કર ચાલી રહી હતી. તે જ વખતે શાહી ચંદ્રાવલ સેનાએ હલ્લો મચાવ્યો કે બાદશાહ સલામત યુદ્ધમેદાનમાં તશરીફ લાવી રહ્યા છે. પરિણામે જુસ્સો ગુમાવી રહેલી મુઘલાઈ ફોજમાં નવસંચાર થયો અને મેવાડી સેનાના પગ હચમચી ગયા. પ્રતાપ પણ પ્રત્યક્ષ લડતને સ્થાને પોતાના પગ ઘાયલ અશ્વ ચેતક સાથે ગોગંદી તરફ વાળ્યા.
          આ સમયે પ્રતાપની સ્થિતિ જળભર્યા તોફાની દરિયામાં ડગમગતા હોડકાના નાવિક સમી હતી. તેની પાછળ બે મુઘલ સેનાપતિઓ પીછો કરી રહ્યા હતા. તેમાંનો એક તો ખુદ પ્રતાપનો ભાઈ શક્તિસિંહ હતો. પણ મુઘલ પડખે હોવા છતાં તેની મનની ઈચ્છા ભાઈ પ્રતાપને મદદ કરવાની હતી. તેણે પોતાની સાથેના બે અન્ય મુઘલ સરદારોને કાપી નાખ્યા અને ભાગતા પ્રતાપને બૂમ પાડી કહ્યું કે તમારા ચેતકનો પાછલો પગ કપાઈ ચૂક્યો છે અને તે ત્રણ પગ પર દોડી રહ્યો છે. પ્રતાપ શક્તિસિંહ મુઘલો સાથે હતો, પણ પોતાના લોહીનો હતો. તેથી સંકટની ઘડીમાં તેને મળવા ઊભો રહ્યો. એ જ વખતે પગ કપાયેલા અને જખ્મી ચેતકે પ્રાણ ત્યજી દીધા. (મહારાણા પ્રતાપે પોતાના પ્રિય અશ્વ ચેતકનો ચબુતરો ચિતોડમાં ચણાવ્યો હતો.)
           મહારાણા શક્તિસિંહનો ઘોડો લઇ કોલ્યારી ગામ તરફ નીકળી ગયા. પહેલા સંઘર્ષમાં પ્રતાપ અને મેવાડી સેનાએ ઘણું ગુમાવવું પડ્યું હતું. નુકસાની બંને પક્ષે થઇ હોવા છતાં પ્રતાપ પક્ષે વધુ હતી. મેવાડી સેનાનો રામપ્રસાદ નામનો કુશળ હાથી પણ મુઘલોએ છીનવી લીધો હતો. હલ્દીઘાટીના યુદ્ધમાં શરૂમાં જ મેવાડના લગભગ ૧૨ હજાર સૈનિકો માર્યા ગયા હતા. ૨૦ હજારના રાજ્યના લશ્કરમાં ૧૨ હજાર બાદ થાય તો રાજ્યની હાલત શી થાય તે સમજી શકાય તેમ છે!

          હલ્દીઘાટીની શરૂની લડાઈ પછી પોરસાયેલા માનસિંહે પ્રતાપનો પીછો શરૂ કર્યો. તે એટલે સુધી કે મહારાણા પ્રતાપની શોધમાં ગાંડાની જેમ ભમતો હતો. પ્રતાપે યુદ્ધમેદાનમાંથી બહાર આવી પહેલું કામ પોતાના સેનાપતિઓ અને સૈનિકોના ઈલાજ કરાવવાનું કર્યું. સાથે જ મેવાડી સૈન્યનું સંગઠન અને શક્તિ વધારતા રહ્યા. આ દરમિયાન હલ્દીઘાટીના યુદ્ધમાં જેઓના ત્યાગ અને ઉચ્ચતમ સમર્પણની હળાહળ અવગણના થઇ છે તેવા સ્થાનિક અરવલ્લીના ભીલો મહારાણાની મદદે આવ્યા હતા.

         હવે રાજપૂતો અને ભીલોની તાકાત એક જથ્થે આવવાની હતી. બંનેએ ભેગા મળી અરવલ્લીના પહાડોની ઓથે રહી મુઘલોને ચમકાવવા માંડ્યા. તેઓએ દિલ્હી અને ગુજરાત વચ્ચે ચાલતી વેપારી વણઝાર અને સરસામાન લૂંટવાનું ચાલુ કર્યું. પુંજા ભીલના નેતૃત્વમાં ભીલોએ અસાધારણ કૌવત દાખવ્યું હતું. ભીલો પહાડો પરથી વિશાળ પથ્થરો ગબડાવી મુઘલ સેનાનો રસ્તો બંધ કરી અને તળેટીના સૈનિકો સામે જીવનું જોખમ પણ ઊભું કરી રહ્યા હતા.

         આ સમયે અરવલ્લીના ભીલોની મદદ મહારાણા પ્રતાપના શૌર્ય સરખી જ યશસ્વી છે. ભીલોએ મહારાણાને મદદ જ ન કરી, પરંતુ આશ્રય પણ આપ્યો. બદલામાં પ્રતાપે ભીલોની શૂર સૈનિકો તરીકે મેવાડી સેનામાં ભરતી કરી. ભીલો અને રાજપૂતોના જોડાણને કારણે મુઘલો માટે પ્રતાપને નાથવો હવે આસાન ન હતો.  મુઘલ અતિક્રમણથી દબાઈ અને સંકોચાઈ રહેલો પ્રતાપ ભીલોના સધિયારામાં હવે જીવંત બનતો જતો હતો. મુઘલો અને રાજા માનસિંહે પ્રતાપને જીવતો પકડવાના મરણિયા પ્રયાસો કર્યા. અનેક તદબીરો રચી. પરંતુ ભીલોની વફાદારી અને પ્રતાપના અંગત શુરાતનને કારણે મુઘલોની કોઈ કારી ફાવી ન હતી.
         મહારાણા પ્રતાપ અને સ્થાનિક ભીલો વચ્ચે ગાઢ અનુબંધ રચાતો જતો હતો. પ્રતાપ અને તેના પરિવારની સુરક્ષામાં ભીલોએ કોઈ કસર છોડી ન હતી. તે દ્વારા તેઓએ સ્વામી અને રૈયતના સંબધોની ઊંચી મિસાલ પેશ કરી હતી.  લેખક તરીકે  મારુ માનવું છે કે મહારાણા પ્રતાપની  પતરાળામાં ખાવું અને પથારીમાં સૂવું નહિ જેવી પ્રતિજ્ઞાઓ ભીલોની જીવનશૈલીને અનુકુળ થવાનો પ્રયત્ન જ હતો. ભારતના આદિવાસીઓનો ઈતિહાસ લખાવાની શરૂઆત થઈ છે પરંતુ આવા જ્વલંત અધ્યાયો વગર એ ઈતિહાસ અધૂરો છે. ખરેખર તો મહારાણા પ્રતાપના સહાયક તરીકે ભીલોની અનેક કથાઓ અને દંતકથાઓ આજે પણ ગુજરાત અને રાજસ્થાનના આદિવાસીઓમાં પ્રચલિત છે. પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે તો રાણા પ્રતાપ અને તેના ભીલ સાથી પુંજા ભીલની પૂજા થાય છે. આ બધું એમ જ ન બન્યું હોય !

       ઠીક , આ બાબતની અપેક્ષાઓ ભવિષ્યના ઈતિહાસકારો પર છોડી આપણે પ્રતાપના વનવાસી અને અંતિમ અવસ્થાની વાત કરી હલ્દીઘાટીના યુદ્ધની પૂર્ણાહુતિ કરીશું.

*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (4)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ