પ્લાસીનું યુદ્ધ con.


             *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

                  *પ્લાસીનું યુદ્ધ -૧૭૫૭*

                       *પ્રકરણ:- 75*
        લેખક : * શ્રી અરુણ વાઘેલા *
http://arunoday-itihas.blogspot.com/?m=1
           પહેલીવારની પીછેહઠ પછી અંગ્રેજો વધુ સજ્જ થવા થોડો સમય રોકાયા. તેમણે મદ્રાસ સંદેશો મોકલી ૮૦૦ યુરોપિયન અને ૧૩૦૦ ભારતીય સૈનિકોની બટાલિયન બોલાવી લીધી. તેમાં જળ સેનાનું નેતૃત્વ એડમિરલ વોટસન અને ભૂમિદળનું સુકાન કર્નલ ક્લાઈવ સંભાળવાનો હતો. સૈન્ય શક્તિની સાથે તેમણે કાવતરાખોરીનો આશરો પણ લીધો. મદ્રાસના બ્રિટીશ કર્તાહર્તાઓએ સામ, દામ, દંડ અને ભેદ એમ કોઈપણ હિસાબે યુદ્ધ જીતવાનો આદેશ કર્યો હતો. તેના ભાગરૂપે ભારતના ઇતિહાસમાં ગદ્દારીના ઇતિહાસનું નવું પાનું ઉમેરાયું. તેની વાત થોડીવાર પછી કરીશું. તે પહેલાં ૨૦ જુન ૧૭૫૬ના રોજ બનેલી કાળકોટડીની ઘટના (black hole tragedy).
            કાલે આપણે જોયું હતું કે સિરાઝ -ઉદ -દૌલાએ અંગ્રેજ સેનાપતિ હોલવેલને હરાવી વિલિયમ ફોર્ટના કિલ્લા પર કબજો કર્યો હતો. કિલ્લા પર કબજો કર્યા પછી દુર્ગમાં અંદર રહેલા ૧૪૬ અંગ્રેજોને ૧૮ બાય ૧૦ ફૂટની અંધારી કોટડીમાં બંધ કરી દીધા. જુન માસની આકરી ગરમીમાં ત્યાં એક જ રાતમાં ૧૨૩ લોકો માર્યા ગયા. માત્ર ૨૩ બચી ગયા. આ ઘટના બ્રિટીશકાલીન ભારતના ઇતિહાસમાં "બ્લેક હોલ" નામથી અંગ્રેજોએ કુખ્યાત કરી છે. આ આખી ઘટનાનું સૌપ્રથમ વર્ણન સેનાપતિ હોલવેલે પોતાના મિત્રને લખેલા પત્રમાં કર્યું હતું.
          આ ઘટનાનો ભારત અને ઈંગ્લેન્ડમાં ભરપુર દુષ્પ્રચાર થયો અને નવાબ સિરાઝ વિરુદ્ધ આક્રોશની પરાકાષ્ઠા દેખાઈ અને બ્લેક હોલ પ્લાસીના યુદ્ધનું તાત્કાલિક કારણ બન્યું. પરંતુ ઈતિહાસ કદી એકપક્ષીય પુરાવાઓને આધારે લખાતો નથી. ભારતીય ઈતિહાસકારોએ છાનબીન કરી ઘટનાની ભીતર ઝાંખવાનો પ્રયત્ન કર્યો છે. તેનો નિષ્કર્ષ એ આવ્યો કે બ્લેક હોલની ઘટના હોલવેલના સડેલા દિમાગની પેદાશ જ હતી. કાલ્પનિક કથા ઊભી કરી તેનો આશય નવાબને ક્રૂર ચીતરવાનો હતો. તેનાં કારણો જુઓઃ

(૧) સમકાલીન ગ્રંથ "શેર-એ-મુતાઅરીન" અને "રાયસ -ઉત્ત -સલાતીન "માં બ્લેક હોલ જેવી ઘટનાનું કોઈ વિવરણ મળતું નથી.
(૨) તત્કાલીન અંગ્રેજી ગ્રંથો અને કાઉન્સિલના વાદવિવાદો ઉપરાંત અન્ય અંગ્રેજ અધિકારીઓના પત્રવ્યવહારમાં તેની કોઈ જીકર થઇ નથી.

(૩) વધુ કારણ તાર્કિક છે. ૧૮ બાય ૧૦ ફૂટની કાળ કોટડીમાં ૧૪૬ માણસો રહી શકે તેવી વાતને ગળે ઉતારવી અઘરી છે.

(૪) આખી કહાની ઊભી કરનાર હોલવેલ ચરિત્રહીન, મક્કાર અને જુઠો માણસ હતો. બ્લેક હોલ પહેલાં પણ તેણે લગાવેલા આરોપો જુઠા પુરવાર થયા હતા.
(૫) અંગ્રેજો તેમના દસ્તાવેજીકરણ માટે પ્રસિદ્ધ છે તો બ્લેક હોલમાં આટલા બધા લોકો માર્યા ગયા હોય અને તેમનાં નામ પણ ન મળે આ તો કેવી વિચિત્રતા?
(૬) કાળી કોટડીમાં ૧૨૩ લોકો ગૂંગળાઈને માર્યા ગયા હોવાનું કહેવાય છે તો બાકીના ૨૩ કેમ બચી ગયા? કેટલાક સંશોધકોનું તો સ્પષ્ટપણે માનવું છે કે બ્લેક હોલ જેવી કોઈ ઘટના બની જ ન હતી અને જો બની પણ હોય તો તેના માટે સિરાઝ -ઉદ -દૌલા જવાબદાર નહોતો.
         બ્લેક હોલ જેવી અફવાખોરી વચાળે મદ્રાસથી રવાના થયેલી સેના ફુલટા ટાપુ પર આવી પહોંચતાં અંગ્રેજોના જીવમાં જીવ આવ્યો. તે પછી ભારતમાં અંગ્રેજોના ભાગ્યવિધાતા રોબર્ટ ક્લાઇવે વૈચારિક મોરચો સંભાળ્યો. તેણે કલકત્તાના માનીકચંદ, મીર જાફર, અમીચંદ અને જગત શેઠ જેવા અનેકોને ધન અને સત્તાની લાલચો આપી ફોડી નાખ્યા. દા.ત. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી હતી.તેના બદલામાં તેણે કંપનીને ૧ કરોડ રૂપિયા અને હુગલીથી કાલ સુધીની જમીનદારી અને બંગાળમાંથી ફ્રેન્ચોને હાંકી કાઢવાના હતા. અમીચંદે તો ખજાનામાંથી ૩૦ લાખ રૂપિયા અને નવાબના ખજાનામાંથી ૫ ટકા લેવાની અને તે નહીં મળે તો અંગ્રેજોનો ભાંડો ફોડી નાખવાની ધમકી પણ આપી હતી. બીજા બધાની શરતો પણ માથે ચડાવી તેમની પાસે યુદ્ધના મેદાનમાં જ ફૂટી જઈ અંગ્રેજ પક્ષે જોડાઈ જવાનું વચન લઈ લેવામાં આવ્યું હતું.
       આવી ભરપુર તૈયારીઓ પછી અંગેજ સેનાએ બજ્બજ નામના સ્થળે પહોંચી ત્યાંના કિલ્લા પર હુમલો કર્યો. ત્યાંનો કિલ્લેદાર માનિકચંદ તો પહેલેથી જ ફૂટી ગયો હતો. પૂર્વયોજનાના ભાગરૂપે તેણે એવી તે નાલેશીભરી રીતે યુદ્ધ કર્યું કે રોબર્ટ ક્લાઇવના માત્ર ૨૬૩ સૈનિકોએ પલક ઝબકતા જ કિલ્લા પર કબજો કરી લીધો હતો. તેણે ૨ જાન્યુઆરી ૧૭૫૭ના રોજ કલકત્તા પર કબજો કરી લીધો. હવે હુગલીનો કિલ્લો બાકી હતો પણ ત્યાં અનાજના ભંડાર હોવાથી આરક્ષિત હતો. તેથી અંગ્રેજોએ આસપાસના વિસ્તારોમાં લૂંટ મચાવી સેંકડો નિર્દોષ લોકોને મારી નાખ્યા. આ બધું ચાલતું હતું ત્યારે સિરાજે તેનો મક્કમતાથી સામનો કરવાને બદલે સુલેહની નીતિ અપનાવી.
         બંગાળની રાજકીય હિલચાલો-દગાખોરીના ભયથી તેણે ૯ ફેબ્રુઆરી ૧૭૫૭ના રોજ વિવશ થઇ અલીનગરની સંધિ કરી લીધી. પોતાના અસ્તિત્વ સામેનો ખતરો ટાળવા સિરાઝ માટે આ સંધિ કરવા સિવાય છૂટકો ન હતો. નવાબ અને અંગ્રેજો વચ્ચે સંધિ તો સંજોગોની કરામત હતી, પણ બંનેમાંથી એક પણ પક્ષ સંધિની શરતો વિશે ગંભીર ન હતો. અને પ્લાસીના યુદ્ધની ભૂમિકા વધુ નક્કર બનતી ગઈ. આખરે બંગાળ જ નહીં, ભારતના ભાવિનો નિર્ણય કરનારો ૨૩ જૂન ૧૭૫૭નો દિવસ આવી પહોંચ્યો. પ્લાસીના યુદ્ધની પરાકાષ્ઠાની વાત કાલે.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (26)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ