પ્લાસીનું યુદ્ધ con.
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*પ્લાસીનું યુદ્ધ – ૧૭૫૭ :
વિશ્વાસઘાતનું કલંકિત પ્રકરણ*
*પ્રકરણ:- 76*
લેખક: *શ્રી અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
પ્લાસીના યુદ્ધ પૂર્વે અંગ્રેજો બધી રીતે સજ્જ થઇ ચૂકયા હતા. અંગ્રેજોને મદદ કરવાની ખાતરી આપનાર ષડ્યંત્રકારીઓ સાથે થયેલી શરતોનું લેખિત સ્વરૂપ પણ આપવામાં આવ્યું હતું અને તેના કારણે મીરજાફર, અમીચંદ અને માનિકચંદ જેવા અહેસાન ફરમોશો રાજીના રેડ થઇ ગયા, પણ તેમને ક્યાં ખબર હતી કે આ અંગ્રેજો છે!
કાવતરાખોરો સાથે ષડ્યંત્ર નક્કી કર્યા પછી રોબર્ટ કલાઈવે સંધિનાં બે પત્રો તૈયાર કરાવ્યાં હતાં. તેમાં એક પત્ર સફેદ કાગળ પર અને બીજો લાલ કાગળ પર હતો. સફેદ કાગળ પર સાચી વિગતો અને લાલ કાગળમાં બનાવટી વિગતો નોંધવામાં આવી હતી. આવા બનાવટી અને જુઠા કાગળ પર ક્લાઈવના સાથી વોટસને સહી કરવાની ના પાડી દેતાં રોબર્ટ ક્લાઈવે તેની જાલી સહી પણ પોતે કરી દીધી હતી.
આટઆટલું નવાબ વિરુદ્ધ ચાલી રહ્યું હોય અને તેને ખ્યાલ પણ ન હોય તેવું બની ન શકે! સિરાજ પોતાની સામેનાં કાવતરાંઓથી સુપેરે વાકેફ હતો પણ આ બધાંનો સામનો કરી શકે તેવી કુશળતા અને લડાયક શક્તિનો તેનામાં અભાવ હતો. ચોતરફ વિશ્વાસઘાતના વાતાવરણમાં પોતાની પાસે વિશાળ સૈન્ય હોવા છતાં નિ:સહાય હતો. રોબર્ટ ક્લાઇવે તો તેના પર સંધિની શરતોનો ભંગ કર્યાનો આરોપ મૂકી યુદ્ધની આગોતરી જાણ પણ કરી દીધી હતી.
એક ઉપાય તરીકે પોતે નવાબ હોવા છતાં પ્રોટોકોલ તોડી ખુદ સામે ચાલી મીરજાફરને મળવા ગયો અને પોતાના પાછલા બધા અપરાધો ક્ષમ્ય ગણી, નવાબી પાઘડી તેનાં ચરણોમાં મૂકી, અલીવર્દી ખાનની પ્રતિષ્ઠાની દુહાઈ આપી બંગાળની રક્ષા માટે નિવેદન કર્યું. મીરજાફરે પણ કુરાન હાથમાં રાખી સિરાજને મદદ કરવાનું વચન આપ્યું. મીરજાફરના વચન પર વિશ્વાસ રાખી સિરાજ પ્લાસીનું યુદ્ધ લડવા માટે સાબદો થયો.
નવાબ પાસે ૫૦ હજારની સેના હતી સામે પક્ષે ક્લાઈવ પાસે ૯૫૦ યુરોપિયન પદાતિ સૈનિકો, ૧૦૦ તોપચી, ૫૦ નાવિક અને ૨૧૦૦ ભારતીય સૈનિકો હતા. દેખીતી રીતે આપણને લાગે કે નવાબની જીત પાક્કી જ હશે, પણ રોબર્ટ ક્લાઇવે ગોઠવેલી ચોપાટમાં તે ફસાઈ ગયો હતો.
તે સમયના બંગાળના પાટનગર મુર્શિદાબાદથી ૨૦ માઈલ દૂર આવેલા પ્લાસી ખાતે ૨૩ જુન ૧૭૫૭ના રોજ નવાબ સિરાજ-ઉદ-દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ શરૂ થયું.
"પ્લાસી" શબ્દનો અર્થ "ખાખરાનું વન" એવો થાય છે. પ્લાસીની લડાઈ સવારે ૯ વાગ્યે શરૂ થઈ. સિરાજની મદદમાં સેનાપતિ મીરજાફર, રાય દુર્લભ અને મીર મદન હતા. સેનાના મુખ્ય ભાગ કે જેમાં ૪૫ સૈનિકો હતા, તેઆ સેનાપતિઓના હવાલે હતા. બીજી સેના ટુકડીનું નેતૃત્વ મીરમદન કરી રહ્યો હતો.
આ બધું ગોઠવાયા પછી સિરાજ હસ્તક રહેલી નાની લશ્કરી ટુકડીએ આક્રમણની શરૂઆત કરી. યુદ્ધ શરૂ થયાના અડધા કલાકમાં તો રોબર્ટની અકુશળતાનો પરિચય મળી ગયો. તેણે સિરાજના ત્રીવ્ર હુમલા સામે રક્ષણ મેળવવા વૃક્ષો પાછળ આશરો લેવા મજબુર થવું પડ્યું. પરંતુ આ તો હજી શરૂઆત હતી. ક્લાઇવે રચેલા નાટકનાં પાત્રો હવે તો રંગમંચ પર તેમની ભૂમિકા અદા કરવાના હતા. શરૂઆત કુરાન હાથમાં રાખી સિરાજને યુદ્ધમાં મદદ કરવાનું વચન આપનાર મીરજાફરે કરી. સિરાજનો વિજય હાથવેંતમાં હતો ત્યારે જ મીરજાફરે પાટલી બદલી. સિરાજે છેલ્લી ઘડી સુધી તેને વિનવણી કરી પોતાની લાજ રાખવા કહ્યું, પરંતુ બંગાળની નવાબીની અંગ્રેજોએ આપેલી લાલચની સામે તેણે વફાદારી, પોતે આપેલું વચન બધું જ વીસરી ગયો. પોતાના આત્માને પણ ઘોખો દઈ દગાનો માર્ગ લીધો.
સિરાજ સામે દિવસના યુદ્ધમાં જીતી નહીં શકાય તેવો સંદેશો મોકલી રાતના સમયે હુમલો કરવા ઈશારો કર્યો. આ જ સમયે નવાબના કોષાધ્યક્ષ દુર્લભરાયે નવાબ હારી રહ્યો છે અને અંગ્રેજો જીતી રહ્યા છે તેવી અફવા સૈનિકોમાં ફેલાવી દીધી.અફવાને પગ નથી હોતાં છતાં પવન કરતાં વધુ વેગે ફેલાય છે ! પછી તો પૂછવું જ શું? સિરાજના સૈનિકોનું મનોબળ ભાંગીને ભુક્કો થઇ ગયું. અફવા ફેલાવવાની સાથે દુર્લભરાય વિશાળ સેના સાથે તટસ્થ ભાવે પોતે જાણે કે ચિત્રમાં જ ન હોય તેમ ચાડિયાની જેમ યુદ્ધમેદાનમાં ઊભો હતો. આટલા ભયંકર દગા પછી સિરાજનું ગભરાવું અને નાસી જવું એ કોઈ નવાઈની વાત ન હતી. સિરાજ મેદાન છોડી ભાગી ગયો.
બપોરે ૨ વાગ્યા સુધીમાં તો અંગ્રેજો હારેલી બાજી જીતી ગયા. પ્લાસીથી ભાગી સિરાજ પોતાની બેગમ સાથે મુર્શિદાબાદ ગયો, જ્યાં મીરજાફરના પુત્રે સિરાજની હત્યા કરી નાખી. આમ હિન્દુસ્તાનનું "ગુલામી ખત" લખનારા પ્લાસીના યુદ્ધનો નિર્ણય માત્ર પાંચ કલાકમાં આવી ગયો.
એક રીતે તો યુદ્ધની દૃષ્ટિએ પ્લાસીની લડાઈ સૈનિક પ્રદર્શન અને કેટલાક કલાકોનો સૈનિકવ્યાયામ જ સાબિત થયો હતો. શું કુરાનની કસમો, શા વફાદારીના વાયદા? દેખીતી રીતે આ વિજય અંગ્રેજોની બહાદુરીનો જય નહીં, પણ દગાખોરી અને વિશ્વાસઘાતનો વિજય હતો. મીરજાફરને તો ઈતિહાસકારોએ "રોબર્ટ ક્લાઇવના ગધેડા" તરીકે ચીતર્યો છે. કારણ કે પ્લાસીનું યુદ્ધ જીતવા માટે તેણે અંગ્રેજોને એટલું તો દૃવ્ય આપ્યું હતું કે તેનો ખજાનો ખાલી થઇ ગયો. નવાબી પ્રાપ્ત કર્યા પછી તેની પાસે સૈનિકોનો પગાર કરવાના પૈસા પણ રહ્યા ન હતા. તેના સૈનિકો પણ બળવો કરવાની સ્થિતિમાં આવી ગયા હતા.
યુગપરિવર્તનકારી પ્લાસીનું યુદ્ધ પૂરું થયું. યુદ્ધ પછી અંગ્રેજોને ૨૪ પરગણા વિસ્તારની જાગીર, ૧ કરોડ ૭૬ લાખ રૂપિયા રોકડા મળ્યા. ખુદ ક્લાઇવને લાખો રૂપિયા મળ્યા. તેના જોરે તે ઇંગ્લેન્ડમાં શ્રીમંત માણસોમાં ગણાયો હતો. આ બધું કરવા જતાં મીરજાફરે મહેલનાં સોના-ચાંદીનાં વાસણો સુદ્ધાં વેચવા કાઢવા પડ્યાં હતાં અને તેની સાથે સમૃદ્ધ બંગાળ કંગાલિયતમાં સરી પડ્યું. સાથે જ બંગાળ વિજય પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વેપાર ઉપરાંત વહીવટ અને રાજ્યવ્યવસ્થા સ્થાપવાની ધરાતલ તૈયાર કરવાની શરૂઆત કરી હતી.
પ્લાસીનું યુદ્ધ એક રીતે ભાગદોડ અને હુલ્લડ જેવી જ ઘટના હતી, પરંતુ તેણે આપેલાં પરિણામોમાં પ્લાસીનું મહત્ત્વ અંકાય છે. પ્લાસી પૂરું થયું તેના પછી આ જ પદ્ધતિ અખત્યાર કરી અંગ્રેજોએ મીરકાસીમને પરાસ્ત કરી બંગાળમાં પોતાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવી હતી. તેની વાત કાલે.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (27)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment