સત્તાવનનો સંગ્રામ con.
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસનકાળનાં યુદ્ધો :
સન સત્તાવનનો સંગ્રામ : ૧૮૫૭-૫૯
(ઉત્તર ભારતનાં યુદ્ધો)*
*પ્રકરણ:- 80*
અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
ગઈકાલે આપણે ૧૮૫૭ના સંગ્રામની ભૂમિકા તપાસી હતી. નાનાં-મોટાં કારણોએ તૈયાર કરેલા ૧૮૫૭ના સંગ્રામરૂપી ઘાસના ઢગલામાં તણખો મૂકવાનું કામ મંગલપાંડેએ કર્યું.
ફેબ્રુઆરી ૧૮૫૭માં બરાકપુર છાવણીની ૧૯મી પલટનને ચરબીવાળા નવા કારતુસો આપવામાં આવ્યા. તેની સામે મોટાભાગના ભારતીય સૈનિકોમાં ઉકળાટ તો હતો જ, પરંતુ મંગલ પાંડે ધીરજ ધરી શક્યો નહીં અને ૨૯ માર્ચ ૧૮૫૭ના રોજ ક્વાયત મેદાનમાં તે ભરી બંદૂક સાથે ધસી આવ્યો. પોતાની ધરપકડનો હુકમ કરનાર મેજર હન્સન અને લેફટનન્ટ બાઘને ગોળી મારી ઘાયલ કર્યા. મંગલની ગિરફ્તારીનો હુકમ કોઈ સૈનિકે માન્યો નહીં. મંગલે પણ પકડાવા કરતાં મોત વહાલું કરવા જાતે જ પોતાના શરીર પર ગોળી છોડી. છતાં તે બચી ગયો. તેની ધરપકડ થઈ અને ૮ એપ્રિલ ૧૮૫૭ના રોજ તેને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યો.
મંગલ પાંડે દ્વારા વિપ્લવના પ્રારંભ સાથે ઉત્તર ભારતમાં મીરઠ અને દિલ્હીમાં દાવાનળ ફાટી નીકળ્યો હતો.મંગળના નકશેકદમ પર મીરઠના સૈનિકોએ પણ મોઢેથી કારતુસ તોડવાની ના પાડી દીધી. વિરોધ કરનારા સૈનિકોને પકડીને કારાગૃહમાં ઠૂંસી દેવામાં આવ્યા. પરંતુ ૧૦ મે ૧૮૫૭ને રવિવારની સવારે અંગ્રેજો ચર્ચમાં પ્રાર્થના માટે ગયા હતા ત્યારે મોકાનો ભરપુર લાભ ઉઠાવી હિન્દી સૈનિકોએ "હર હર મહાદેવ" અને "દિન દિન"ના નારા સાથે જેલ પર હલ્લો બોલાવી પોતાના ૮૫ ભાઈઓને મુક્ત કર્યા. વિપ્લવકારીઓએ આગ, લૂંટ, હત્યાઓ દ્વારા ત્યાંના ૧૫૦૦ અંગ્રેજોમાં ત્રાહિમામ મચાવી દીધો. મેરઠમાં અંગ્રેજોને ભારતીય સૈનિકોની સંકટ સમયની મદદ મળી ન હોત તો ત્યાં એકપણ અંગ્રેજ બચ્યો ન હોત!
મેંરઠમાં તરખાટ મચાવી સૈનિકો દિલ્હી તરફ આગળ વધ્યા. તેઓ ૨ હજારની સંખ્યામાં ૧૧ મે ના રોજ દિલ્હી પહોંચી ગયા. સૈનિકો પાયદળ અને અશ્વદળમાં વહેંચાઇ ગયા અને દિલ્હીના કાશ્મીરી દરવાજેથી દિલ્હીમાં દાખલ થયા. દિલ્હીના હિન્દી સૈનિકોને મેરઠના સૈનિકો આવી રહ્યા છે તેની જાણ હતી, પણ અંગ્રેજ અધિકારીઓ બેખબર હતા. શરૂમાં દરિયાગંજમાં અંગ્રેજ અફસરોના બંગલામાં આગ લગાડી, જેમાં ઘણા માર્યા ગયા. તરત જ લાલ કિલ્લામાં ઘૂસી દિલ્હીના કમિશનર ફ્રેઝર અને કલેક્ટર હચીન્સનની કત્લ કરી નાખી. અહીં સૈનિકો અને બેગમ ઝીન્નત મહલ અને શાહજાદાઓની સમજાવટથી ૮૨ વર્ષનો વયોવૃદ્ધ બહાદુરશાહ ઝફર વિપ્લવનો નેતા બનવા તૈયાર થયો. કમળ અને રોટીનો સંદેશો ફેલાવવાની પ્રવૃત્તિ હવે તીવ્ર બની હતી.
લાલ કિલ્લાની બાજુમાં જ મોટો શસ્ત્ર સરંજામ હોવાથી સૈનિકોએ ત્યાં હુમલો કર્યો. હિંદી સૈનિકોએ ૯ લાખ કારતુસો અને ૮ હજાર રાઈફલ-બંદુકો સાથેનો ભંડાર અને તેની રક્ષામાં રહેલા ૯ અંગ્રેજ સૈનિકોને ફૂંકી માર્યા તે સમયે થયેલા ધડાકાનો અવાજ ૧ હજાર તોપો ફૂટવા જેટલો થયો હતો. શસ્ત્ર ભંડારની બાજુમાં રહેલા ૨૫ સૈનિકો અને ૩૦૦ સામાન્ય લોકોના શરીરના ટુકડા થઇ ગયા હતા. તે પછી ૧૧ મેં થી ૧૬ મે સુધી દિલ્હીમાં કત્લેઆમ ચાલી. અંગ્રેજોની સ્થિતિ તો દિલ્હીમાં એટલી કફોડી હતી કે તેમણે ભારતીય સૈનિકોનો પોશાક
પહેરી નાસવું પડ્યું હતું. તે પછી ગણતરીના દિવસોમાં સમગ્ર ઉત્તર હિંદમાં વિપ્લવ ફેલાઈ ગયો.
મેરઠ અને દિલ્હીના બંડના સમાચારથી કાનપુરમાં સતર્ક થઈ ગયેલા અંગ્રેજોએ આગોતરા કદમ ઉઠાવતાં બધા અંગ્રેજ સ્ત્રી-પુરુષોને એકજથ્થે એન્ટ્રેન્ચમેન્ટ નામે વિખ્યાત થયેલી જગ્યાએ રાખવામાં આવ્યા. પર્યાપ્ત ખાદ્યસામગ્રી અને જરૂરી સુરક્ષા પણ કરી લીધી. ૪ જુન ૧૮૫૭ના રોજ કાનપુરમાં સુબેદાર ટીકાસિંઘે સંગ્રામની શરૂઆત કરી. તેમાં અવધના નવાબના નાના ભાઈ મોહમ્મદ અલીખાન જોડાતાં કાનપુરના જંગનો જુસ્સો વધ્યો.વિપ્લવકારીઓએ એન્ટ્રેન્ચમેન્ટની તિજોરી પર હુમલો કરી ત્યાંથી ૯ લાખ રૂપિયા અને સારા
પ્રમાણમાં દારૂગોળો પ્રાપ્ત કર્યો. સૈનિકોએ કાનપુરના શાસક નાનાસાહેબ પેશ્વાને નેતૃત્વ સોંપી કાનપુરમાં અંગ્રેજો પર હુમલાઓ ચાલુ રાખ્યા. એન્ટ્રેન્ચમેન્ટમાં રહેલા ૯૦૦ લોકોને નાકાબંદી અને ભયના ઓથાર હેઠળ રાખ્યા. તેમાંના મોટાભાગના હુમલા, રોગ, ભૂખ-તરસને કારણે મોતને ભેટ્યા. આખરે વિપ્લવી નેતાઓની શરણાગતિ સ્વીકારતાં બાકીના લોકોને જીવતદાન મળ્યું, પણ તેઓનું જીવતદાન લાંબું ન ચાલ્યું.
૨૭ જુન ૧૮૫૭ના રોજ તે બધા કાનપુરની સતીચૌરા નામની જગ્યાએથી હોડીઓમાં બેસી ભાગવા જતા હતા ત્યારે જ અલ્હાબાદ અને અન્ય જગ્યાએથી અંગ્રેજોના અત્યાચારોના ભોગ બનેલા લોકો કાનપુર આવી પહોંચ્યા. તેઓએ તેમના પર થયેલા અત્યાચારોની કરુણ કથની કાનપુરના સૈનિકોને કહી બસ, પછી તો પૂછવું જ શું? ઉશ્કેરાયેલા કાનપુરી સૈનિકોએ અંગ્રેજ અમલદારો અને સૈનિકોને સતીચૌરાના ઘાટ પર ઊભા રાખી, પ્રાર્થના કરવાની થોડી છૂટ આપ્યા પછી ગોળીએ દઈ દીધા.અલબત્ત કેટલાક અંગ્રેજ સ્ત્રી-પુરુષો નાનાસાહેબ પેશ્વાની મધ્યસ્થીથી જાન બચાવવામાં નસીબદાર રહ્યાં હતાં.
કાનપુરની આટલી સફળતા પછી બીજે દિવસે ૨૮ જુનના રોજ નાનાસાહેબની પેશ્વા તરીકે વરણી થઈ. તે પછી ૧૬ જુલાઈના રોજ કાનપુરના બીબીઘર નામની જગ્યાએ રહેલા ૨૦૦ અંગ્રેજ સ્ત્રી-બાળકોની કત્લ કરી વહેલી સવારે બધી લાશો નજીકના કૂવામાં ફેંકી દીધી. કાનપુરની ઘટનાથી ભુરાટા થયેલા અંગ્રેજોએ સમગ્ર કરુણાંતિકા પાછળ નાનાસાહેબનો જ હાથ હોવાનું માની તેની સામે નાનાં-મોટાં યુદ્ધો શરૂ કરી દીધાં. તેમાં પરાજિત થઈ નાનાસાહેબ બીઠુંર નાસી ગયા. તરત જ બીબીઘરનું વેર વાળવા સેનાપતિ હેવલોકની સેનાએ કત્લેઆમ શરૂ કરી. શકમંદ બ્રાહ્મણોને બીબીઘરની ફર્શ પર પડેલું લોહી ચાટવાની ફરજ પાડી. આટલું કર્યા પછી અંગ્રેજોએ નાનાસાહેબનો મહેલ ફૂંકી માર્યો. કાનપુર જેવી ઘટનાઓ પંજાબના અરજાલા અને લખનૌમાં પણ બની હતી. અરજાલામાં બનેલી ઘટનામાં અત્યાચારોનો ભોગ ભારતીયો બન્યા હતા. અહીં બળવા તરફ આગળ વધી રહેલા ૨૩૭ સૈનિકોને અમૃતસરના ડેપ્યુટી કમિશનર ફ્રેડરિક કૂપરે શીખ સૈનિકો પાસે જ મારી નખાવી તેમની લાશો કૂવામાં ફેંકાવી દીધી હતી. તે પછી દાઝીલા કૂપરે કહ્યું કે, "એક કૂવો બીબીઘર કાનપુરનો છે અને બીજો અરજાલાનો છે." તેનો ભાવાર્થ સ્પષ્ટ હતો.
૧૮૫૭ના સંગ્રામમાં મોટાભાગનું ઉત્તર ભારત ખાંડાનો ખેલ ખેલી રહ્યું હતું. અહીંનું પ્રત્યેક સ્થળ અને નેતા મહાનિબંધનો વિષય બની શકે તેમ છે. એ બધાના યોગદાનની વિગતવાર વાત તો અહીં થઇ ન શકે પણ જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ અને ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ તથા તાત્યા ટોપેની વાત વગર ૧૮૫૭નો સંગ્રામ અધૂરો છે.
ડેલહાઉસીએ કુંવરસિંહની જગદીશપુરની નાની રિયાસત ખાલસા કરી. તેથી ૭૦ વર્ષનો બહાદુર, ઉદાર અને લોકપ્રિય શાસક કુંવરસિંહ ઉશ્કેરાયો હતો. ૭૦ વર્ષની પ્રૌઢ વયે નવજુવાનોને શરમાવે તેવા જુસ્સા સાથે તે અંગ્રેજો સામે લડ્યો અને પોતાની જાગીર પછી મેળવી હતી. નાનાં મોટાં વિજયો મેળવતો કુંવરસિંહ અંગ્રેજોનો પરસેવો પાડી રહ્યો હતો. મિલ્મેન, કર્નલ ડેમ્સ અને જનરલ ડગ્લાસ જેવા બળુકા અંગ્રેજ સેનાપતિઓને ધૂળ ચટાડી દીધી. પરંતુ અંતિમ યુદ્ધમાં અફવાઓમાં આવી જઈ બલિયા ઘાટ પાસે તે ગંગા પાર કરવા જતો હતો ત્યાં જ હોડીમાં બેઠેલા કુંવરસિંહના જમણા હાથે ગોળી વાગી અને હાથ લગભગ નકામો થઇ ગયો.પળભરનો વિચાર કર્યા વગર તલવાર વડે કોણીએથી હાથ કાપી ગંગામાં પધરાવી દીધો. તે પછી પણ જગદીશપુરમાં તેણે અંગ્રેજોને ભયના ઓથાર હેઠે રાખ્યા હતા. આખરે તેનો હાથનો જખ્મ પાક્યો અને જીવલેણ નીવડ્યો અને આ શૂરવીર શાસક ૨૬ એપ્રિલ ૧૮૫૮ના રોજ શહીદ થઈ ગયો. કુંવરસિંહની વીરતાની પ્રશંસા તો અંગ્રેજ લેખકોએ પણ કરી છે.
તેના પછી તેના નાના ભાઈ અમરસિંહે જગદીશપુરની આગેવાની લીધી હતી, પણ તે બહાદુર હોવા છતાં અંગ્રેજો સામે લાંબી ઝીંક ઝીલી ન શક્યો અને ૧૮૫૭ના સંગ્રામમાં જગદીશપુરની કહાની પૂરી થઈ ગઈ.
૧૮૫૭ના સંગ્રામમાં ભારતીય ક્રાંતિકારીઓમાં ઝાંસીની રાણીની વાત ન થાય ત્યાં સુધી આ સંગ્રામનો ઈતિહાસ અધૂરો રહે છે. "ખુબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી" જેવી કાવ્યપંક્તિઓ તો આજે પણ લક્ષ્મીબાઈનું ગૌરવગાન કરતી લોકજીભે રમે છે. લક્ષ્મીબાઈ શ્રેષ્ઠ અને કુશળ નેતા હતાં. ચારિત્ર્યશીલ રાણીનું ઝાંસીનો દરેક નાગરિક સન્માન કરતો હતો.
વિધવા થયા પછી તે ગળામાં મોતીનો હાર, હાથમાં હીરાની બંગડીઓ અને કાનમાં હીરાનાં ઇઅરરિંગ્સ સિવાય કોઈ ઘરેણાં પહેરતાં ન હતાં. ધાર્મિક અને ભાવુક સ્વભાવનાં લક્ષ્મીબાઈ સવારની પ્રાર્થના ભાગ્યે જ ચૂકતાં હતાં. દત્તક પુત્ર દામોદરરાવનો રાજ્યના વારસ તરીકે અસ્વીકાર અને રાણીને જુના મહેલમાંથી ઝાંસીના નવા મહેલમાં રહેવા જવાની ફરજ પાડવી એ બે મુદ્દાએ ૧૮૫૭ના સંગ્રામમાં રાણીને ઝંપલાવવા માટેનું નિમિત્ત પૂરું પાડ્યું હતું.
૬ જુન ૧૮૫૭ના રોજ દિલ્હીથી સંદેશો આવતાંની સાથે બળવો પોકાર્યો. અંગ્રેજ કેપ્ટન સમેત અનેક સ્ત્રી-પુરુષોને મારી નાખવામાં આવ્યાં. લક્ષ્મીબાઈએ પણ અગમચેતીના પગલારૂપે ૨૦ તોપો અને ૧૪ હજારનું સૈન્ય તૈયાર કરી લીધું અને ૧૮૫૮ના ફેબ્રુઆરી મહિનામાં ઝાંસીને અંગ્રેજોથી આઝાદ જાહેર કર્યું. ગવર્નર જનરલ લોર્ડ કેનિંગે રાણી સાથે નિપટવાની જવાબદારી મધ્ય પ્રદેશના લશ્કરી અધિકારી હ્યુરોજને સોંપી હતી. તે ૪ હજાર સૈનિકો અને થોડી તોપો સાથે ૨૨ માર્ચના રોજ ઝાંસી પહોંચી ગયો. તેણે ૨૫ માર્ચે ઝાંસીના મજબુત કોટ પર હલ્લો કર્યો, પણ રાણીએ પણ ૧૦ હજાર બુન્દેલા અને વિલાયતી તથા ૧૫૦૦ ઘોડેસવારો, ૩૦-૪૦ તોપો અને મહિલાઓની ટુકડી પણ સ્વરક્ષા માટે તૈયાર રાખી હતી. હ્યુરોજે આવતાંની સાથે કોટ પર તોપમારો શરૂ કરી, દીવાલોમાં મોટાં ગાબડાં પાડી દીધાં, જે રાણીએ જાત-નિરીક્ષણ દ્વારા તાબડતોબ પુરાવી દીધાં.
ઝાંસીના તોપચી ગુલામ ગોંસખાન પણ તેનું પરાક્રમ દાખવી રહ્યો હતો. મુકાબલો મુશ્કેલ બનતાં રાણીએ તાત્યા ટોપેની મદદ માગી. તે તરત આવી ચડ્યો. તાત્યાએ સળગતી મશાલો દ્વારા તેના આગમનની ખબર રાણી સુધી પહોંચાડી દીધી. પરંતુ હ્યુરોજની વ્યૂહરચના સામે તાત્યા સફળ ન રહ્યો. તેના ૧૫૦૦ સૈનિકો પણ માર્યા ગયા હતા. લક્ષ્મીબાઈ આવી વિકટ ઘડીમાં પણ અશ્વ પર સવાર થઈ પોતાના સૈનિકોનો જુસ્સો બરકરાર રાખી રહી હતી. તે ખુદ પણ અશ્વની લગામ મોઢામાં રાખી બબ્બે તલવારો સાથે લડતી રહી હતી. પણ અંગ્રેજ વ્યૂહરચના સામે તેનો સંઘર્ષ બહુ લાંબો ન ચાલ્યો અને વિશ્વાસુ સરદારોની સલાહ અનુસરી ૪૦૦ સૈનિકો અને પુત્ર દામોદરને લઇ પુરુષ વેશે મહેલમાંથી નીકળી પડી.
હ્યુરોજને તેનો ખ્યાલ આવતાં જ તેણે ચુનંદા સવારો સાથે લેફ્ટનન્ટ ડોકરને તેની પાછળ દોડાવ્યો. ડોકર અને રાણી સામસામે આવી જતાં રાણી ડોકરને ઘાયલ કરી આગળ વધી. આ સંઘર્ષપૂર્ણ સમયમાં રાણીએ ઝાંસીથી કાલ્પી સુધીનું અંતર માત્ર ૨૪ કલાકમાં કાપ્યું હતું. સેનાપતિ હ્યુરોજ પણ તેનો પીછો કરતો કાલ્પી પહોંચી ગયો. કંચ ખાતેના પહેલા યુદ્ધમાં રાણીએ હ્યુરોજને ખૂનખાર યુદ્ધમાં હરાવ્યો. ૨૪ મે ૧૮૫૮ના યુદ્ધમાં બંને વચ્ચે વધુ એક ભીષણ યુદ્ધ થયું. ઝાંસીની રાણીએ અપ્રતીમ વીરતા બતાવી, પણ હ્યુરોજની રણનીતિ સામે તે નબળી પડી અને ગ્વાલિયર તરફ નીકળી ગઈ.
હ્યુરોજ એક જ મુદ્દાનો કાર્યક્રમ લઇ નીકળ્યો હતો અને તે રાણી લક્ષ્મીબાઈ પર વિજય મેળવવો. તેણે બ્રિગેડિયર સ્મિથને રાણી પાછળ મૂક્યો. નાસતી રાણી પાછળ સ્મિથ પૂંઠ પકડીને પડ્યો હતો.
રસ્તામાં એક નાળું આવ્યું, રાણી એ નાળું કુદાવી ગઈ હોત તો ઝાંસીનો ઈતિહાસ જુદો હોત! પરંતુ રાણીનો ઘોડો નવો હોવાથી તે નાળું કૂદવાના બદલે નાળાની આસપાસ ચક્કર કાપવા લાગ્યો. તેટલામાં અંગ્રેજ ટુકડી આવી પહોચતાં બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. લક્ષ્મીબાઈ વીરાંગના, રણચંડી બની લડી, પણ અનેક ઘા તેના માથા, હાથ પર પડતા રહ્યા. અંતે બેહોશ થઈ ઢળી પડી. તેના અંગરક્ષકોએ અંગ્રેજોને તેના દેહનો સ્પર્શ પણ ન કરવા દીધો. તેના વફાદાર સેવક રામચંદ્ર દેશમુખે નજીક આવેલી બાબા ગંગાદાસની ઝૂંપડીમાં લઈ જઈ રાણીના મુખમાં ગંગાજળ મૂક્યું અને પુત્ર દામોદરનો હાથ રામચંદ્રના હાથમાં સોંપી આ વીરાંગના સ્વર્ગે સિધાવી. તેના સેવકોએ તરત જ નાની ચિતા સળગાવી ઝાંસીની રાણીને અગ્નિદાહ આપી દીધો અને ૧૮૫૭ના સંગ્રામનું એક વિરાટ પ્રકરણ પૂરું થયું.
રાણી લક્ષ્મીબાઈના ૧૮૫૭માં યોગદાનની વાત અહીં પૂરી કરીએ, પણ સત્તાવનની બધી વાત અહીં પૂરી થતી નથી. એક મહાકાવ્ય જેવી ઘટનામાં આપણા રાજ્ય ગુજરાતે આપેલા યોગદાન વિશે કાલે ચર્ચા કરીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (31)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment