ચીન યુદ્ધ con.
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*આઝાદ ભારતનાં યુદ્ધોઃ
ભારત-ચીન યુદ્ધ (૧૯૬૨)*
*પ્રકરણ:- 83*
અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
અગાઉ આપણે વાત કરી છે કે ભારત અને ચીન વચ્ચે આઝાદી પહેલાં મધુરસંબંધો હતા. પરંતુ તકલીફ ચીનમાં ૧૯૪૯માં સામ્યવાદી સરકાર રચાયા પછી શરૂ થઈ હતી. અહિંસાવાદી સંઘર્ષના આધાર પર સ્વરાજ્ય પ્રાપ્ત કરવાવાળા આપણા દેશે યુદ્ધવિહીન ભાવિ ભારતની કલ્પના સાથે આઝાદ ભારતની યાત્રા શરૂ કરી હતી. શાંતિપ્રિય રાષ્ટ્રના રૂપમાં ભારત સંસાર સામે સદભાવના, સહિષ્ણુતા અને અહિંસાના ગાંધી ચીંધ્યા આદર્શો પ્રસ્તુત કરવા માગતું હતું અને તેનું પરિણામ એ સ્વતંત્ર ભારતની વિદેશનીતિ, પંચશીલના સિદ્ધાંતો અને બિનજોડાણવાદી નીતિ હતા.
આ જ પૃષ્ઠભૂમિ પર સૈનિકશક્તિ અને લશ્કરી સાધનો વિશે પણ વિશેષ અભિરુચિ દેખાડતી ન હતી. એક તરફ કાશ્મીરમાં કબીલાઈ લોકો ત્રસ્ત કરી રહ્યા હતા. બીજી તરફ સામ્યવાદી ચીન તેનો અસલ રંગ દેખાડી રહ્યું હતું, ત્યારે પણ આપણે એ જ આઝાદી પૂર્વેના આદર્શોમાં જીવી રહ્યા હતા. ભારતીય સંસદમાં તો હાલ જે સૈન્ય શક્તિ છે તે પર્યાપ્ત છે અને લશ્કરી ખર્ચ ઘટાડવાની ચર્ચાઓ પણ થતી રહેતી હતી. ચીન સરહદે તૈનાત ભારતીય સૈનિકો બર્ફીલા માહોલમાં ટકી શકે તેવાં વસ્ત્રો અને અન્ય જરૂરી સાધનોના અભાવમાં જીવતા હતા અને નેહરુ સહિતના રાજકારણીઓ ચીન ભારત પર કદી આક્રમણ નહીં કરે તેવા ખોટા ખ્વાબમાં જીવતા હતા.
ચીને પૂર્વ સરહદ પર ભારતનો સેંકડો કિલોમીટર વિસ્તાર પહેલેથી દબાવી રાખ્યો હોવા છતાં તેમને ચીન પર આંધળો વિશ્વાસ હતો, પણ તે અંધવિશ્વાસના ૧૯૬૨માં ભાંગીને ભુક્કા થઇ ગયા. એ દ્વારા ચીને "રાજનીતિમાં વર્તમાન જ શ્રેષ્ઠ હોય છે, ભૂતકાળ કે ભવિષ્ય નહીં"વાળી ઉક્તિને સાર્થક ઠેરવી હતી.
ભારત સાથેના સદીઓ જૂના રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો ભૂલી ચીને ૨૦ ઓક્ટોબર ૧૯૬૨ના રોજ હુમલો કર્યો. આ દિવસે આખું ભારત રાવણ પર રામના વિજયના પ્રતીકરૂપે વિજયાદશમી માનવી રહ્યું હતું.
ચુ નામના સ્થળે રહેલી ભારતની ૭મી ઈન્ફન્ટ્રીની એક બ્રિગેડને હરાવી ચીની સૈન્ય આગળ વધ્યું. ઓછી સંખ્યામાં સૈનિકો હોવા છતાં શીખ રેજિમેન્ટના નેતૃત્વમાં સુરક્ષા માટે આગળ વધી. પરંતુ ત્યાં તો અસંખ્ય ચીની સૈનિકો મોજુદ હતા. તેમની વિશાળ સૈન્ય શક્તિ સામે માર્યાદિત ભારતીય સૈનિકોની તો કોઈ વિસાત જ ન હતી. પરંતુ ભારતીય સૈનિકોમાં હાડોહાડ દેશપ્રેમ અને માભોમ માટે મરી ફિટવાની ભાવના હતી. મર્યાદિત સંખ્યામાં હોવા છતાં ભારતીય સૈનિકોએ તેમનો મજબૂતીથી સામનો કર્યો. પરિણામે ચીની સૈનિકોએ દૂમ દબાવી ભાગવું પડ્યું. પરંતુ પહેલી ટુકડી ભાગી તેના ગણતરીના કલાકોમાં તો બીજી ચીની ટુકડી આવી ચડી. આ તરફ ભારતીય સુબેદાર જોગિન્દર સિંઘને સાથળમાં ગોળી વાગતાં તેઓ ઘાયલ થયા હતા. તેમના સાથળમાંથી લોહી વહી રહ્યું હતું, છતાં તેઓ યુદ્ધ મોરચે અણનમ બની લડી રહ્યા હતા. પોતાના સાથીઓની સલાહને અવગણી સુબેદાર જોગિન્દર લડતા રહ્યા. તેમના એક સાથીએ તો કહ્યું પણ ખરું, "સાહેબજી, તમે હટી જાવ. લોહી રોકાવાનું નામ નથી લેતું." જોગિન્દરે કહ્યું, "ભાઈ, સૈનિકનું લોહી તો માભોમની રક્ષા માટે વહેવા માટે જ બને છે, લોહી શરીરની અંદર વહે કે બહાર, જ્યારે લોહી રોક્યું રોકાતું નથી ત્યારે આપણે શું કામ રોકાવું જોઈએ?" અને "જો બોલે સો નિહાલ’ અને ‘સત શ્રી અકાલ"ના ગગનભેદી નારા સાથે શીખ ટુકડી ફરી લડવા હેતુ સાબદી થઈ.
ચીન સામે લડવાનો ભારતીય સૈનિકોનો ઉત્સાહ અદમ્ય હતો, પણ તેમને ખાટલે ખોડ દારૂગોળાની હતી. નજીકના ભવિષ્યમાં બીજી મદદ મળવાની કોઈ ઉમ્મીદ પણ ન હતી. ત્યારે એકસાથે ભારતીય સૈનિકો બંદૂકોની નોંક પર છરા (સંગીનો) લગાવી ચીની સૈન્યના ઝૂંડમાં ઘૂસી ગયા. ઘચાઘચ ચીની સૈનિકોનાં પેટમાં છરા ભોંકાવા લાગ્યા અને ચીની સૈન્ય ધરાશયી થતું ગયું, પણ ઘાયલ જોગિન્દર પકડાઈ ગયા. કેદી તરીકે ચીન લઈ ગયા અને અસહ્ય યાતનાઓ વેઠી આ જાંબાઝ સુબેદાર વીરગતિને વર્યા. તેમની શહીદીના સન્માનમાં જોગિન્દર સિંઘને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત થયું હતું.
N. ચીન યુદ્ધનું બીજું રણક્ષેત્ર હતું હિમાલય પર્વત શ્રેણીનું લદાખ. સમુદ્રતલથી 10 હજાર ફૂટ ઉપર લદાખની રાજધાની લેહ અને તેની અધ્ધર ૧૪થી ૧૭ હજાર ફૂટ ચુસુલ પર શત્રુઓ સામે લડવું એ લોઢાના ચણા ચાવવા જેવું જ કામ હતું. જ્યાં ચોતરફ બરફની શ્વેત ચાદર જ ઢંકાયેલી હોય ત્યાં હાથમાં હથિયાર ધારણ કરવા એ અદભુત પરાક્રમ કહેવાય! અહીંની ભૌગોલિક વિચિત્રતા એ હતી કે ચીન તરફથી ભારત તરફની જમીન સપાટ-સમતલ અને ભારત તરફનું ક્ષેત્ર પહાડીઓને કારણે દુર્ગમ અને કઠિન હતું. અહીંના સૈનિકો પાસે દારૂગોળો અને શસ્ત્ર-સરંજામ અપૂરતો હતો, પણ દેશદાઝ લગીરેય ઓછી ન હતી. ૧૯-૨૦ ઓક્ટોબરના રોજ ચીનાઓએ ઉત્તર-પૂર્વની પહાડીઓ પરથી ઊતરી આક્રમણ કરી રહ્યા હતા. તેમનું લક્ષ્ય સીરીજપ અને યુલા નામનાં સ્થાનો હતાં. એના જવાબમાં ભારતીય સૈનિકોએ ઉત્તર-પશ્ચિમના ચીપચાપ, ગાલબાન અને પેગાંગ પર શક્તિ પ્રદર્શન કર્યું. સીરીજપમાં ગોરખા રાઇફલના જવાનોએ મોરચો સંભાળ્યો હતો. તેમણે મરણિયા થઈ ચીની આક્રમણનો મુકાબલો કર્યો. ચીની સેનાની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈ ધનસિંહે ખાઈઓ ખોદાવી. કાતિલ ઠંડીમાં આશ્રય લીધો, પણ ૨૦ ઓક્ટોબર ૧૯૬૨નીવહેલી સવારે સાડા ચાર વાગ્યે થયેલા ચીની સૈનિકોના હુમલામાં લગભગ અઢી કલાક સંઘર્ષ કર્યા પછી ૨ સિવાયના બધા સૈનિકો શહીદ થઇ ગયા. ગોરખા રેજિમેન્ટના કમાન્ડર ધનસિંહ થાપાને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત થયું હતું.
સીરીજપના આક્રમણ વખતે ભારતીય સૈનિકોએ છેલ્લા સાત સાથીઓ બાકી હતા ત્યાં સુધી ચોકી બચાવી રાખી હતી. સુબેદાર મીન ગોરંગ પણ અપ્રતિમ વીરતા બતાવતાં શહીદ થયા હતા. તેની સાથે ચીની સેનાએ ૧૦ દિવસ ચાલેલા આ યુદ્ધ પછી પોતાની લશ્કરી સર્વોપરિતા પુરવાર કરતાં લદાખથી નેફા સુધીના વિસ્તાર પર કબજો જમાવી દીધો.
આમ ભારત-ચીન યુદ્ધ ભારતીય સૈનિકોના અપ્રતિમ સાહસ-પરાક્રમ અને રાજનેતાઓના દીર્ઘદૃષ્ટિવાળા અભિગમ સાથે પૂરું થયું. ભારત ભલે ચીન સાથેના યુદ્ધમાં હાર્યું પણ તે ભારતીય રાજનેતાઓ અને જનતાને પણ અનેક પદાર્થપાઠો અને ચેતવણીઓ આપતું ગયું હતું. આદર્શવાદમાં રાચતા પંડિત નેહરુની રાજનીતિની ભારતમાં મન ભરીને ટીકા થઇ, પણ સબૂર! નેહરુનું મૂલ્યાંકન ચીન સામેના આવા પરાજયમાં જ નહીં કરી કરાય! આ એક બોધપાઠ હતો તેમાંથી શિખામણ ગ્રહણ કરી ભારતે સૈનિક તાકાતમાં લીધેલાં પગલાંઓ અને તેનો ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં મળેલો ભરપુર લાભ વિશે તો વિવેચકો કંઈ કહેતા જ નથી. અલબત્ત, પૂર્વ સરહદ પર જાતિગત બળવાખોરી અને માઓવાદી નક્સલવાદ અને આજે પણ ચીન સાથે સળગતા સીમા વિવાદો વગેરેનાં સગડ લેવા જઈએ તો તેનાં મૂળ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધ પછી પ્રાપ્ત થાય છે તેટલું નોંધવું રહ્યું. અહીં ચીન સાથેના ૧૯૬૨ના યુદ્ધની કથા પૂરી કરી. આવતી કાલે પાકિસ્તાન સામેના ૧૯૬૫ નાયુદ્ધ વિશે ચર્ચા શરૂ કરીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
Comments
Post a Comment