મુઘલાઈ યુદ્ધો con.

            *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

    *મુઘલાઈ યુદ્ધોઃ ઔરંગઝેબ - શીખ સંઘર્ષ*

                  *પ્રકરણ:- 60*
                  અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1

         ઔરંગઝેબની કટ્ટર સુન્ની ધાર્મિક નીતિ ભારતના અનેક અન્ય ધાર્મિક સમુદાયોને પીડા આપી રહી હતી. તેમાં બધાથી વધુ વ્યથિત શીખો રહ્યા હતા. ઔરંગઝેબની ધાર્મિક ઉત્પીડન નીતિથી ઉત્તેજિત થઇ શીખોએ વિદ્રોહનું બ્યુગલ ફૂંક્યું હતું. વખત જતાં તે મુઘલાઈના પતનનું મહત્વનું કારણ પણ બન્યું હતું.
        ૧૬મા સૈકામાં પંજાબમાં ગુરુ નાનકદેવ દ્વારા શીખ સંપ્રદાયની સ્થાપના થઇ હતી. તેના ઉદેશો ધાર્મિક ભાઈચારો, એકેશ્વરવાદ, મૂર્તિપૂજાનો વિરોધ, બ્રાહ્મણો અને મુલ્લાઓની સર્વોપરિતાને પડકાર, આત્મસંપન્ન સુકર્મો અને નિર્વાણની પ્રાપ્તિ વગેરે રહ્યા હતા.શીખ ગુરુઓની આ પરંપરામાં પાંચમા ગુરુ અર્જુનદેવે ગુરુ ગ્રંથસાહેબનું સંપાદન કર્યું હતું. તેઓએ જહાંગીરને કેદ કરનાર શાહજાદા ખુશરોનું સમર્થન કર્યું હતું. પરિણામે ઈ.સ. ૧૬૦૬ના વર્ષે જહાંગીરે ગુરુ અર્જુનદેવની ક્રૂરતાપૂર્વક હત્યા કરાવી હતી. તેઓના પુત્ર ગુરુ હરગોવિંદે શીખોને લશ્કરી શિક્ષણ આપી લડાયક પ્રજા તરીકે પ્રસ્થાપિત કરી હતી. પરિણામે શીખો યોદ્ધા તરીકે તૈયાર થયા હતા. મુઘલોના શિકારનાં શાહી સ્થળો પડાવી લેવા તથા મુઘલ ફોજને પરાસ્ત કરવા બદલ તેમણે શાહજહાં સાથે ટકરાવું પડ્યું હતું.

          શાહજહાંએ અમૃતસરમાં તેમનાં ઘરબાર અને જમીન-જાયદાદ લગભગ વિસ્થાપિત અવસ્થામાં મૂકી દીધાં હતાં. શીખગુરુ તેગબહાદુર ગુરુ બન્યા ત્યારે ઔરંગઝેબ બાદશાહ બની ચૂક્યો હતો. તેણે અત્યંત આકરી ધાર્મિક નીતિ અખત્યાર કરી શીખોના ગુરુદ્વારા તોડી પડાવ્યા અને અનુયાયીઓને નગરોની બહાર ખદેડી મૂક્યા હતા. ઔરંગઝેબના આ અધમ કૃત્યનો ગુરુ તેગબહાદુરે વિરોધ નોંધાવતાં મુઘલ સેના ગુરુને કેદ કરી દિલ્હી લઈ ગઈ અને તેગબહાદુરને ઇસ્લામ સ્વીકારવા દબાણ કર્યું, પરંતુ તેઓએ ઇનકાર કરતાં સતત પાંચ દિવસ સુધી ઘોર યાતના બાદ ગુરુ તેગબહાદુરની ડિસેમ્બર ૧૬૭૫માં નિર્મતતાપૂર્વક હત્યા કરવામાં આવી. આ ઘટનાથી મુઘલો અને શીખો વચ્ચે ભવોભવનું વેર શરૂ થયું. શીખો માત્ર ઔરંગઝેબ કે મુઘલોના જ વેરી ન બન્યા, તેઓએ મુસલમાન માત્ર પ્રત્યે વેરભાવના અપનાવી હતી.તે પછી શીખોમાં "ગુરુને શિર દિયા પર સર ન દિયા" જેવી કહેવત પ્રચલિત બની હતી .

         પિતા તેગબહાદુરના મોતનો બદલો લેવાનો નિર્ણય તેમના પુત્ર ગુરુ ગોવિંદસિંહે કર્યો. તેઓએ કુનેહપૂર્વક શીખોને સૈનિક સંપ્રદાયમાં ફેરવી નાખ્યા અને તેનું નામ "ખાલસા" આપ્યું. ખાલસા પંથીઓ સામાન્ય શીખો કરતાં જુદા કપડાં પહેરતા. કેશ, કિરપાણ, કચ્છ, કડા અને કુંધી તેમની ઓળખ હતી. તેઓ જાતિભેદ અને ખાનદાની વગેરે બાબતોથી જોજનો દૂર રહેતા. ટૂંકમાં ગુરુ ગોવિંદસિંહે ઔરંગઝેબની ધાર્મિક નીતિનો જડબાતોડ જવાબ ધાર્મિક કટ્ટરતાથી આપવાનું અભિયાન ચાલુ કર્યું હતું. તેના ભાગરૂપે ઉત્તર પંજાબમાં મુઘલ સરદારો અને મુઘલોના વફાદારોને (હિંદુઓ સમેત) સાથે યુદ્ધો શરૂ કર્યાં અને અનેક રણમેદાનમાં પછડાયા પણ. ગુરુ ગોવિંદસિંહના નેતૃત્વમાં શીખ અનુયાયીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જતી હતી.
          મુઘલોએ શીખોને નિયંત્રણમાં લાવવા માટે ગુરુ ગોવિંદસિંહના આનંદપુર ખાતેના ઘરનો પાંચ વખત ઘેરો ઘાલ્યો હતો. આખરે કંટાળી ગુરુએ ઘર છોડી ખુલ્લા મેદાનમાં આશ્રય લેવો પડ્યો હતો. ત્યાં પણ તેઓ અને તેમના અનુયાયીઓને શોધી કાઢી પીછો શરૂ કરી શાંતિથી સ્થાપિત ન થવા દીધા. અંતિમ ઉપાય તરીકે તેઓએ પોતાના અનુયાયીઓ સાથે દક્ષિણ ભારતની વાટ પકડી. બિકાનેર થઇ દક્ષિણમાં જતા હતા તે દરમિયાન વર્ષ ૧૭૦૫માં ગુરુના બે પુત્રો માર્યા ગયા. બીજા બે પુત્રોને સરહિન્દના ફોજદારે મારી નાખ્યા. તેઓ દક્ષિણ ભારતમાં પહોંચ્યા ત્યાં સુધી મુઘલોએ તેમનો પીછો છોડ્યો ન હતો.

          ઈ.સ. ૧૭૦૭મા ધર્મઝનૂની ઔરંગઝેબનું અવસાન થયું. તે સમયની સ્થિતિનો લાભ લઇ ગુરુ ગોવિંદસિંહ પુન: ઉત્તર ભારતમાં આવ્યા અને ઔરંગઝેબ પછીના બાદશાહ બહાદુરશાહ સાથે સંઘર્ષ શરૂ કર્યો. છતાં ગુરુ અને શીખો માટે તે સમય પણ આસાન રહ્યો ન હતો. અંતે ઈ.સ. ૧૭૦૮માં ગોવિંદસિંહની ગોદાવરી નદીના કાંઠે નાદિર નામના સ્થાને એક અફઘાને છરો મારી હત્યા કરી હતી. તેમની હત્યા સાથે શીખોમાં ગુરુ પરંપરાનો અંત આવ્યો. ગુરુ ગોવિંદસિંહ શીખોના ૧૦મા અને છેલ્લા ગુરુ બન્યા.
      શીખ ગુરુઓએ ભલે તેમના પ્રાણોની આહુતિ આપી, પણ અમુક અપવાદોને ગણાતા તેઓ મુઘલ સત્તાને તાબે થયા ન હતા. એટલું જ નહીં, કૃષિ અને સીધી સાદી જિંદગી વિતાવતા પંજાબમાં લડાયક શીખ કોમ તૈયાર કરી તેમને વિદ્રોહી પ્રજા તરીકે પ્રસ્થાપિત કર્યા અને શીખ-ઇસ્લામ વચ્ચેનો જંગ શરૂ થયો. જે ભારતની આઝાદી સુધી ચાલુ રહ્યો હતો. શીખો અને મુઘલો વચ્ચેના સંઘર્ષની વાત અહીં અટકાવી કાલથી ઔરંગઝેબનાં દક્ષિણના યુદ્ધો તરફ જઈશું.

*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ