ભારત - પાક.યુદ્ધો


       *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

*આઝાદ ભારતનાં યુદ્ધોઃ ભારત-પાક. યુદ્ધ (૧૯૬૫)*

            *પ્રકરણ:- 84*
            અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
             "ભૂતકાળને જાણ્યા વિના વર્તમાન વિશે અભિપ્રાય આપી શકાય નહિ અને તે સાંપ્રતને અન્યાય કરી બેસવા સમાન છે." ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૪૭માં આઝાદી મળવા સાથે શરૂ થયેલાં યુદ્ધોના સંદર્ભમાં આ વિધાન સુપેરે લાગુ પડે છે. જેમ ૧૯૬૫નું યુદ્ધ ભારતના ભાગલા પછી સર્જાયેલી સ્થિતિની નીપજ હતું, તો ભારત વિભાજન પણ કાઈ એક દિવસની પેદાશ ન હતું. ભારતના કોમી પ્રશ્નને સમજ્યા વગર ૧૯૬૫ અને પછીનાં યુદ્ધોને સમજવા માનો કે હવામાં બાચકાં ભરવા જેવો ઉદ્યમ ગણાય!

         આપણે ૧૮૫૭ના સંગ્રામ વખતે વાત કરી હતી કે વિપ્લવકારીઓએ પોતાનું નેતૃત્વ છેલ્લા મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરને સોંપ્યું હતું. વિશેષમાં ક્રાંતિકારીઓના ધર્મ નિરપેક્ષ વલણને કારણે ભારતના ઇતિહાસમાં કદી ન દેખાઈ હોય તેવી હિંદુ-મુસ્લિમ એકતાની ભાવના ૧૮૫૭ના સંગ્રામમાં દેખાઈ હતી. તે સંગ્રામના વ્યાપનું એક કારણ હતું, પણ ઈતિહાસબોધી અંગ્રેજો આવું બધું તો ક્યાંથી સહન કરે? પરિણામે શરુ થઈ હિંદુ-મુસ્લિમ વૈમનસ્યની શરૂઆત વાયા અંગ્રેજો. તેનો પહેલો મુકામ હતો ૧૮૭૫માં સર સૈયદ અહમદના નેતૃત્વમાં શરૂ થયેલું અલીગઢ આંદોલન. ૧૮૫૭ના સંગ્રામ પછી "હિન્દુસ્તાની વિદ્રોહનાં કારણો" (Causes of Indian Revolt) નામનું પુસ્તક લખી તેમાં હિંદુ અને મુસ્લિમ પ્રજાને ભારતરૂપી સુંદર સ્ત્રીનાં બે નેત્રો ગણાવી બંનેનું સહઅસ્તિત્વ છે તેવી ઐક્યની વાણી ઉચ્ચારનાર સર સૈયદ અંગ્રેજોના પ્રભાવમાં સમૂળગા બદલાઈ ગયા. તેમણે મુસ્લિમોમાં આધુનિક શિક્ષણ જેવી ઉત્તમ વાતો તો પ્રબોધી, પણ સાથે જ હિંદુ-મુસ્લિમ પ્રજામાં મૂળભૂત સાંસ્કૃતિક ભેદભાવો છે તેવી વિચારણાનો પાયો નાખ્યો. તેમના કોમી માનસના ઘડતરમાં અલીગઢ કોલેજના બેક. આર્ચીબોલ્ડ અને મોરિસન નામના ત્રણ અંગ્રેજ પ્રિન્સિપાલો માર્ગદર્શકની ભૂમિકામાં રહ્યા હતા. સમગ્ર વૈચારિક પ્રકિયા માટે રસ ધરાવતાઓએ અચ્યુત પટવર્ધન અને અશોક મહેતાના "હિંદનો કોમી ત્રિકોણ" ગ્રંથમાંથી પસાર થવું રહ્યું.
        ભારતમાં હિંદુ-મુસ્લિમ કોમી ઈતિહાસનો બીજો મુકામ ૧૯૦૬નું વર્ષ છે. ૧૯૦૬માં અંગ્રેજ વાઈસરોય લોર્ડ મિન્ટોએ લખેલી પટકથા મુજબ ઢાકામાં નામદાર આગાખાનના નેજામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને સાથે જ સર સૈયદ અહમદે નાખેલા કોમી વૈમનસ્યના પાયા પર ઈમારત ચણાવાની શરૂઆત થઈ ગઈ. મુસ્લિમ લીગની સ્થાપના અંગ્રેજોના એજન્ડા પ્રમાણે થઇ હતી અને તે પછી અંગ્રેજ અધિકારીઓએ લીગ અને મુસ્લિમ બૌદ્ધિકોને કોંગ્રેસ અને હિંદુઓ વિરુદ્ધ ઉકસાવવામાં કોઈ કસર છોડી ન હતી. આ બધા દ્વારા તેઓ કોંગ્રેસને "હિંદુસંસ્થા" ઘોષિત કરવા ચાહતા હતા. પરંતુ મુસ્લિમ લીગની કોમી પ્રવૃત્તિઓ એકધારી
ચાલી નહિ. સમયાંતરે લીગની નેતાગીરી બદલાતી રહી અને થોડો સમન્વયવાદી દૃષ્ટિકોણ પણ દેખાયો. ૧૯૧૬ના વર્ષે ઉત્તર પ્રદેશના લખનૌમાં મુસ્લિમ લીગ અને કોંગ્રેસનાં અધિવેશનો ભરાયાં. તેમાં એક સત્રમાં બંને સસ્થાઓના નેતાઓ એકઠા થયા અને ‘લખનૌ કરાર’ નામની વ્યવસ્થા ઊભી થઇ હતી. આ ગાળામાં "અલીભાઈઓ"( મૌલાના મહંમદઅલી અને મૌલાના શૌકતઅલી) ઉદાર મુસ્લિમ નેતાઓ તરીકે ઊભરી આવ્યા હતા.
       આ જ ગાળામાં કાયદે આઝમ મહંમદઅલી જિન્હા પણ રાષ્ટ્રવાદી નેતા તરીકે ગતિ કરતા હતા, પણ તેમનું રાષ્ટ્રવાદીપણું લાંબો સમય ટક્યું નહિ અને તેમણે ભારતમાં મુસ્લિમ કોમવાદની આગેવાની લીધી. ખિલાફત આંદોલન ૧૯૧૯-૨૦ દરમિયાન મહામુસીબતે તૈયાર થયેલું કોમી એકતાનું વાતાવરણ વેડફાઈ ગયું. રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામની સમાંતર દેશમાં મોટા પ્રમાણમાં કોમી હુલ્લડો પણ થયાં હતાં. આપણા ગુજરાતમાં જ અમદાવાદ, ગોધરા, વેરાવળ, સુરત અને પાટડીમાં એકાધિક વખત કોમી તોફાનો થયાં. કોમી સંસ્થાઓ અને સામયિકોએ તેમાં ઇંધણ પૂરવાનું કામ કર્યું અને કોમી તિરાડ દિન-પ્રતિદિન પહોળી થતી ગઈ. ૧૯૩૦-૩૬ના ગાળામાં તો મહમંદઅલી જીન્હાની નીતિરીતિઓને કારણે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને ઊભે રહ્યેય બનતું ન હતું. એવામાં ૧૯૪૦માં મુસ્લિમ લીગનું અધિવેશન લાહોરમાં યોજાયું અને તેમાં અલગ પાકિસ્તાનની રચનાનો સ્પષ્ટ ઠરાવ કરવામાં આવ્યો. તે પણ એક દિવસની પેદાશ ન હતું. ભારતમાં કોમી ચેતનાની પ્રવૃત્તિઓ ભારતની સાથે ઈંગ્લેન્ડમાં ચાલતી હતી.ચૌધરી રહેમતઅલી અને "સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા"ના સર્જક મહંમદ ઇકબાલે પણ કોમી ચેતનાને હવા આપી હતી. ચૌધરી રહેમતઅલીએ તો ૧૯૪૦ના ગાળામાં ભાવિ પાકિસ્તાનની ભૌગોલિક ભૂમિ કઈ હશે તેનું આયોજન પણ કરી દીધું હતું. તે સમયના રાષ્ટ્રીય નેતાઓ આ બધાં કોમી વલણો સામે લાચાર હતા.
      ઈ.સ. ૧૯૪૬માં તો વચગાળાની સરકાર સામે પોતાનો અસંતોષ દેખાડવા મુસ્લિમ લીગે "સીધા પગલા" દિવસની ઘોષણા દ્વારા કોમવાદની ચરમસીમા દર્શાવી હતી. ૧૯૪૭માં આઝાદી આવી અને અંગ્રેજોએ ભારત પર છેલ્લો ફટકો મારતા હોય તેમ ભારતનું કોમી ધોરણે વિભાજન કરી દીધું. ભારત-પાકિસ્તાનમાં સ્થળાંતરની પ્રક્રિયામાં લાખો લોકો એ જાન ગુમાવવા પડ્યા. ‘ગદરઃ એક પ્રેમ કથા’ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે તેમ.
આઝાદી પછી ૨૨ ઓક્ટોબર ૧૯૪૭થી જંગલી જેવા કબીલાઈ લોકોએ કાશ્મીરમાં આક્રમક હુમલાઓ શરૂ કર્યા હતા. કાશ્મીર પાકિસ્તાનનું છે તેવી માન્યતા સાથે થયેલા આ હુમલામાં આક્રમણકારીઓ ઠેઠ બારામુલા સુધી પહોંચી ગયા હતા. શ્રીનગરને વીજળી પૂરી પાડતું મોહુરા વીજળીઘર પણ કબીલાઈ હુમલાખોરોએ કબજે કર્યું હતું. આ ઘોષિત કે પૂર્ણ કક્ષાનું યુદ્ધ ન હતું છતાં પાકિસ્તાન તરફથી નિયોજિત હુમલો હતો. પાકિસ્તાન આમાં પોતાનો કોઈ હાથ ન હોવાનું ગાઈ-વગાડી કહેતું હતું, પણ પાપ છાપરે ચડી પોકારતું હોય છે. સમકાલીન સમાચાર માધ્યમોના અહેવાલો મુજબ કબીલાઈ લોકોએ જે વિસ્તારોમાં હુમલાઓ કર્યા હતા તે વિસ્તારોમાં મહંમદઅલી જિન્હા જોવામાં આવ્યા હતા. તેની સાથે પાકિસ્તાનના સેનાપતિઓનાં ભડકાઉ ભાષણો પણ અવિરતપણે ચાલતાં રહ્યાં હતાં.
હથિયારો અને પેટ્રોલ પુરવઠો પાકિસ્તાન તરફથી જ મળતો હોવાનું પણ સમાચાર એજન્સીઓ જણાવતી હતી. અમેરિકન અખબાર "ધ ન્યુ યોર્ક ટાઈમ્સ"એ નોંધ્યું હતું કે ૧૪ હજારની વસ્તીવાળા બારામુલામાં કબીલાઈ હુમલાઓ પછી માત્ર ૧ હજાર માણસો બચ્યા હતા. આવી અનેક સ્ફોટક વિગતો ભારતીય ઉપરાંત વિદેશી પત્રકારોએ જાહેર કરી હતી, પણ પાકિસ્તાનના આ છદ્મ હુમલાઓ અલ્પ આયુષ્યવાળા નીવડ્યાં. ભારતીય વાયુસેનાની ત્વરિત ગતિએ સૈન્ય કાર્યવાહીમાં કબીલાઈ હુમલાખોરો નેસ્તનાબુદ થઇ ગયા અને કાશ્મીરમાં કામચલાઉ શાંતિ સ્થપાઈ, પણ આ શાંતિ લાંબા ગાળાની ન હતી. હજુ મોટું યુદ્ધ બાકી હતું અને તે ખેલાયું ૧૯૬૫ના વર્ષે. નિમિત્ત હતું ફરી એકવાર કાશ્મીર પ્રદેશ. કાલે કાશ્મીર અને તે નિમિત્તે થયેલા ૧૯૬૫ના યુદ્ધની વાત કરીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ