રમેશ મહેતા
રમૂજના રાજા : રમેશ મહેતા ( ૧૯૩૨ - ૨૦૧૨ )
આજે તારીખ ૨૨ જુનના રોજ ગુજરાતી સિને જગતમાં હાસ્યનું હુલ્લડ ,રમૂજના રાજા તરીકે પંકાયેલા રમેશ ગિરધરભાઈ મહેતા અને ઈટાલીયન રાષ્ટ્રવાદના
પયંગબર ગ્યુસેપ મેઝિનીનો જન્મદિવસ છે .
ગુજરાતી ફિલ્મોમાં જેમની એન્ટ્રી માત્રથી દર્શકોના ચહેરા પર મુસ્કરાહટ આવી જાય તેવા રમેશ મહેતાનો જન્મ પ્રગતિશીલ રાજ્ય ગોંડલના નવાગામ ખાતે થયો હતો .પિતાનો સાહિત્યિક વારસો પ્રાપ્ત કરનાર બાળક રમેશે માત્ર ૬ વર્ષની નાની વયે નાટકોમાં અભિનય શરુ
કર્યો હતો .
રમેશ મહેતા પોતાનો નાટકનો શોખ પોષવા માટે ૧૯૫૫મા મુંબઈમાં ઇન્ડિયન થીએટરમાં જોડાયા હતા .તેઓએ સૂડી વચ્ચે સોપારી અને હું તારો વર
છું જેવા નાટકો અને ૨૫ કરતાં ફિલ્મોની પટકથા પણ લખી છે તો જેસલ તોરલ ,રેતીના રતન ,હસ્ત મેળાપ ,ઘૂંઘટ ,રાજા ભરથરી ,હોથલ પદમણી , વાલો નામોરી સોન કંસારી જેવી ૧૯૦ કરતા વધુ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા .
ગુજરાતી ફિલ્મોના ૧૯૭૦ -૮૦ના સુવર્ણ દાયકામાં દર્શકો માટે ઉપેન્દ્ર ત્રિવેદી ,સ્નેહલત્તા સાથે રમેશ મહેતા સિનેમા ઘરો સુધી આવવા માટેનું આકર્ષણ હતા .
ગુજરાતી ચલચિત્ર જગતના આ દિગ્ગજ હાસ્યકારનું ૧૧ મે ૨૦૧૨ના રોજ રાજકોટમાં અવસાન થયું ત્યારે ખરેખર ગુજરાતી ફિલ્મોના એક યુગનો અંત આવ્યો હતો . કારણકે ગુજરાતી ચલચિત્રોમાં રમેશ મહેતાનું સ્થાન આજે પણ વણપુરાયું રહ્યું છે.
પોતાની વિશિષ્ટ અભિનય શૈલીના કારણે અનેક માન -સન્માનો પામનાર રમેશ મહેતાનું હાસ્ય કલાકાર તરીકે ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં ચિરંજીવ સ્થાન છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨૨ જૂન ૨૦૧૯ ,અમદાવાદ
Comments
Post a Comment