નરસિંહરાવ
રાજનીતિના ચાણક્ય :પી.વી.નરસિંહરાવ
આજે તારીખ ૨૮ જુન મહાન તત્વજ્ઞ રૂસો,ઇતિહાસકાર ઈ.એચ.કાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી .નરસિંહરાવનો જન્મદિવસ તથા આજના દિવસે જ પહેલા વિશ્વયુદ્ધના પાયામાં જે ઘટના હતી તે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને પાટવી કુંવર આર્કડયુક ફાન્સિસ ફર્નીનેન્ડની સર્બિયામાં હત્યા થઇ હતી.
પી.વી.નરસિંહરાવનું આખું નામ પામુલાપરની વેંકટ નરસિંહરાવ અને જન્મ આંધ્રપ્રદેશના કરીમનગરમાં થયો હતો.તેઓએ ભીમદેવરાપલ્લી ,હેદ્રાબાદ અને નાગપુરથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.સ્નાતક અને એલ.એલ.બી થયેલા નરસિંહરાવ ૧૭ ભાષાઓ જાણતા હતા.
આઝાદીના આન્દોલનથી જાહેરજીવનમાં સક્રિય થયેલા નરસિંહરાવની રાજકીય વિકાસયાત્રા ધારાસભ્ય,સાંસદ,રાજ્ય-કેન્દ્ર સરકારમાં મંત્રી અને છેલ્લે વડાપ્રધાન સુધી રહી હતી.
૧૯૯૧મા સક્રિય રાજનીતિમાંથી નિવૃત થયા પણ રાજીવ ગાંધીના આકસ્મિક અવસાન પછી તેઓ ભારતના નવમાં વડાપ્રધાન બન્યા હતા.તેમનો પ્રધાનમંત્રીકાળ આર્થિક સુધારાઓ અને ઉદારીકરણનો હતો. વૈશ્વિકીકરણના વાવાઝોડામાં ભારતમાં પણ મુક્ત આર્થિક નીતિનો પ્રારંભ થયો હતો.પરિણામે ભારતીય અર્થતંત્રમાં ધરખમ પરિવર્તનો આવ્યા.નરસિંહરાવના સમયમાં વિદેશી મૂડીરોકાણ વધવાની સાથે મિસાઈલ અને પરમાણું કાર્યક્રમમાં પણ પ્રગતિ થઇ હતી. રાજનીતિના આ ચાણક્ય આર્થિકનીતિઓના કારણે તેઓ આર્થિક સુધારાના પિતા પણ કહેવાયા હતા.
૨૦મા સૈકાના છેલ્લા દાયકામાં ભારતીય અર્થકારણને સફળતાપૂર્વક નવી દિશામાં દોરી જનાર વડાપ્રધાન નરસિંહરાવનું ૨૩ ડિસે.૨૦૦૪ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૮ જૂન ૨૦૧૯ ,અમદાવાદ
Comments
Post a Comment