ભારત - પાક.યુદ્ધ
*રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
*આઝાદ ભારતનાં યુદ્ધો :
ભારત-પાક. યુદ્ધ (૧૯૬૫) (ચાલુ)*
*પ્રકરણ:- 86*
અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1
ગઈકાલે આપણે ૧૯૬૫ના યુદ્ધ માટે ભારતને ઉશ્કેરતી પાક.ની નાપાક હરકતો જોઈ હતી. ૧૯૬૫નું યુદ્ધ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થયું હતું, પણ તે પહેલાં પાકિસ્તાની સૈન્યનાં છમકલાં ગુજરાતની કચ્છ સરહદે શરૂ થઇ ચૂક્યાં હતાં. અમેરિકા પાસેથી ઉછીનાં લીધેલાં શસ્ત્રોની ક્ષમતા પારખવા માટે ૯ એપ્રિલ ૧૯૬૫ના દિવસે પાકિસ્તાનના જાણીતા જનરલ ટીક્કા ખાનના નેતૃત્વમાં એક સૈન્યબ્રિગેડે કચ્છની સરદાર ચોકી પર હુમલો કરી ત્વરિત ગતિએ ચોકી પર કબજો કરી લીધો. અહીં પાક. સેનાએ અમેરિકા પાસેથી પ્રાપ્ત ટેન્કોનો ઉપયોગ કર્યો હતો. તેની તુલનામાં ભારતીય સૈનિકો પાસે શસ્ત્ર સરંજામ અપૂરતો હતો. છતાં મુકાબલો ટક્કરનો રહ્યો હતો. આ યુદ્ધ પૂર્ણ કક્ષાનું યુદ્ધ બને તે પહેલાં બ્રિટીશ પ્રધાનમંત્રી હેરાલ્ડ વિલ્સનની દરમિયાનગીરીથી યુદ્ધ વિરામ થયું, જે સંઘર્ષ ૩૦ જુલાઈ ૧૯૬૫ના રોજ શરૂ થયો. પરંતુ તેના પછી તરત જ પાકિસ્તાને "ઓપરેશન જીબ્રાલ્ટર" તરીકે જમ્મુ-કાશ્મીરમાં નવો મોરચો ખોલી દીધો. વાસ્તવમાં તેમનું લક્ષ્ય પણ તે જ હતું.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ઘુસપેઠ ચાલુ થઇ હતી. આ અભિયાન માટે પાકિસ્તાન ફિલ્ડ માર્શલે ૩૦ હજાર ગેરિલાઓની વિશાળ સેના તૈયાર કરી હતી. ભારતીય સેનાએ આગોતરી રણનીતિ અનુસાર ગેરિલા સમૂહોને તોડી પાડ્યા. તેમાં પાકિસ્તાની સેનાના નિયમિત સૈનિકો પણ સામેલ હતા. આટલું પત્યા પછી પાકિસ્તાની સૈન્યએ તેની બખ્તરબંધ બ્રિગેડ અને તોપખાનાને આંતરરાષ્ટ્રીય સીમામાં ઘુસાડ્યું, પરંતુ તેમની આગેકૂચને ભારતીય સૈન્યએ અખનુર નામના સ્થળથી ૬ કિલોમીટર દૂર જ રોકી દીધી હતી. આ ઘટનાક્રમને પણ પાકિસ્તાને પાક. અધિકૃત કાશ્મીરમાં પોતાની નિયમિત સૈનિક કાર્યવાહી ગણાવી હતી, પરંતુ એ અથડામણમાં પાકિસ્તાનને થયેલી હાનિ પાકિસ્તાનથી છૂપાયે છુપે તેમ ન હતી. ૧ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ પાકિસ્તાને ભારતના છામ્બ અને જમ્મુ-કાશ્મીર પર હુમલાઓ કર્યા. પેટન ટેન્કો રણમાં ઊતરી પડી. જોધપુર અને સિયાલકોટમાં બોમ્બવર્ષા થઈ. પાકિસ્તાને ગુજરાતનાં જામનગર અને ભુજ જેવાં નગરોને નિશાનબનાવ્યાં હતાં. ભુજમાં તો સાયરન અને બોમ્બના ધડાકા અવિરતપણે સંભળાતા હતા.
૮ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ સૂર્યોદય થતાંની સાથે જ પાક. સેનાએ અમેરિકન ટેન્કો સાથે વધુ આક્રમણ શરૂ કર્યું. સવારે ૯ વાગતાં સુધીમાં તો તેઓ ભારતીય સુરક્ષા પંક્તિથી માત્ર ૩૦ ગજની દૂરી પર આવીને ખડા થઈ ગયા. પ્રતિક્રિયારૂપે ભારતીય સૈનિકોએ ગ્રેનેડો ફેંકી આગ ઓકવાની શરૂઆત કરી. આફતનો અવસર પારખી કંપની ક્વાર્ટર માસ્ટર અબ્દુલ હમીદે અદ્વિતીય સાહસ અને પરાક્રમ દેખાડતાં ૨ ટેન્કો નષ્ટ કરી. થોડીવાર માટે યુદ્ધ થંભી ગયું, પરંતુ મર્યાદિત સમય માટે સ્થપાયેલી આ શાંતિ આવનારા તોફાનની એંધાણી હતી. લગભગ ૧૧ વાગ્યે પાકિસ્તાનનાં બીજા બે દળોએ હુમલા શરૂ કર્યા. આ હુમલો ટેન્કો નાશ કરવાવાળા સૈનિકો અને ખાસ તો અબ્દુલ હમીદ સામે હતો. પરંતુ ભારતીય સૈનિકો એટલા અજાણ ન હતા કે સહેલાઇથી શત્રુઓનો ભોગ બની જાય! સવાર થતાં સુધીમાં હમીદે બીજી બે ટેન્કોનો નાશ કર્યો અને ચાર ટેન્કો બિનઉપયોગી બનાવી દીધી હતી. અબ્દુલ હમીદે કુલ ૧૩ ટેન્કો નષ્ટ કરી અસાધારણ કૌવત દાખવ્યું હતું.
ટેન્કના ગોળાઓની બૌછાર વચ્ચે આ જાંબાઝ હવાલદાર ખુલ્લી જીપમાં મોરચો સંભાળવા આગળ ધપી રહ્યો હતો. પોતાના સાથીઓને યુદ્ધ માટે લલકારતાં જીપ લઇ આગળ વધતા હમીદ પાકિસ્તાની સેનાના નિશાના પર હતા. આ દૃશ્ય મહાભારતના યુદ્ધમાં શત્રુઓના ટોળા વચ્ચે ઝઝૂમી રહેલા અભિમન્યુ સમું હતું. એટલામાં દેશભક્તિથી ભારોભાર ભરેલા અબ્દુલ હમીદ પર દુશ્મનોના ગનરે વાર કર્યો, જે હમીદ માટે યમદૂત પુરવાર થયો. પરંતુ મરતાં પહેલાં હમીદે ગનરને પણ પૂરો કર્યો હતો. અબ્દુલ હમીદની જેમ જ ઉત્તર-પશ્ચિમ છેડાઓ પર પણ ભારતીય સૈનિકો પાકિસ્તાનના છક્કા છોડાવી રહ્યા હતા.
૧૯૬૫ના યુદ્ધનો બીજો મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ કર્નલ અરદેશર બુજરજી તારાપોરે સર્જ્યો હતો. ૧૪ સપ્ટેમ્બરના રોજ આ સાહસિક કર્નલે પુના હોર્સ રેજિમેન્ટના બહાદુર સૈનિકોને પાકિસ્તાનના સિયાલકોટ ક્ષેત્રના ફિલ્લોર પર લશ્કરી કાર્યવાહી આરંભી હતી. "દિલ દિયા હૈ જાન ભી દેંગે, એ વતન તેરે લિયે"ની ભાવના સાથે સેનાએ ડોગરંડી-બટુર વિસ્તાર પર કબજો જમાવ્યો હતો, પરંતુ વધુ મદદ સમયસર ન મળતાં અને ટેંક મુકાબલો શરૂ થઈ જતાં કર્નલ તારાપોર તેમાં શહીદ થઇ ગયા હતા. આ બહાદુર કર્નલની સ્મૃતિમાં મુંબઈમાં તારાપોર ગાર્ડન અને સૈન્યના અધિકારીઓના રહેવા વાસ્તે તારાપોર ટાવરનું નિર્માણ થયું છે. ભારત સરકારે દેશના સર્વૌચ્ચ સૈનિક સન્માનથી તેમનું મરણોત્તર સન્માન કર્યું હતું.
ભારતીય ભૂમિદળની સાથે વાયુદળે પણ ૧૯૬૫ના યુદ્ધમાં અનેક કારનામાંઓ કરી દેખાડ્યાં હતાં. શક્તિશાળી ભારતીય વાયુદળે હવાઈ તાકાતના જોરે પાકિસ્તાની વાયુદળને સતત ભયના ઓથાર હેઠળ રાખ્યું હતું. ૧૯૬૫ના સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ભારતીય સેનાએ ત્રણ નવા મોરચા ખોલ્યા હતા. ૧૫ સપ્ટેમ્બર સુધીમાં તો પાકિસ્તાનની વાયુસેના ઘૂંટણિયે પડી ગઈ હતી. અમેરિકાનાં ઉછીના શસ્ત્રો નાકામ બન્યાં હતાં. વિજયકૂચની દિશમાં આગળ વધતાં ભારતીય લશ્કર અને વહીવટીતંત્રે ચીનની મદદ અને આખરીનામાને પણ કોઈ જ ગણતરીમાં લીધું ન હતું. ચોતરફ પરાજય ભાળી ચૂકેલું પાકિસ્તાન હારથી બચવા અને યુદ્ધવિરામ માટે ફાંફા મારતું રહ્યું. તેનો પરાજય પણ નક્કી જ હતો, પણ આખરે યુનો પાકિસ્તાનની મદદે આવ્યું. તેની મધ્યસ્થીથી ૨૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ મધરાતે સાડા ત્રણ વાગ્યે યુદ્ધનો અંત આવ્યો હતો.
આ યુદ્ધ દરમિયાન ગુજરાતે પણ બળવંતરાય મહેતા નામના મુખ્યમંત્રી ગુમાવ્યા હતા. તેઓ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ મીઠાપુરની મુલાકાતે ગયેલા, ત્યારે પાકિસ્તાનના રડારમાં તેમનું વિમાન ઝડપાયું અને પાકિસ્તાની વિમાને તેનો પીછો કરી ભુજથી ૧૦૦ કિલોમીટર દૂર સુન્થરી પાસે તેમના વિમાનને તોડી પાડ્યું હતું. આ હુમલામાં બળવંત મહેતા તેમનાં પત્ની અને પત્રકાર કે. પી. શાહ મૃત્યુ પામ્યાં હતાં.
૨૩ સપ્ટેમ્બરના રોજ થયેલા યુદ્ધવિરામ પછી ભારતનો પરચમ લહેરાયો અને પાકિસ્તાન સાથેનું મહત્ત્વપૂર્ણ યુદ્ધ પૂરું થયું. આ યુદ્ધની ટૂંકાગાળાની અને દીર્ઘકાલીન એવી અનેક અસરો હતી. સહુ પહેલાં તો ’૬૨ના ચીન સામેના યુદ્ધમાં પરાજય પછી ભારતે ગુમાવેલી શાખ પછી મેળવી હતી. ૧૯૬૫ના યુદ્ધમાં ભારતમાં દેશભક્તિનો જબરદસ્ત જુવાળ પેદા થયો હતો. કાશ્મીર સમેત આખા દેશે કોમી એકતા અને અખંડિતતાનો અભૂતપૂર્વ સંદેશ આપ્યો હતો અને સંકટ વેળાએ ભારત બેવડા જુસ્સા સાથે નીવડી આવે છે તે બાબત સાબિત કરી હતી. ૧૯૬૫ વખતે ભારતમાં નબળી નેતાગીરી છે તેમ માની પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો, પરંતુ પાકિસ્તાને નબળા માની લીધેલાં શાસ્ત્રીજીએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું અને યુદ્ધકાળ દરમિયાન જ લાલબહાદુર શાસ્ત્રીનું "જય જવાન જય કિસાન" સૂત્ર ગુંજતું થયું હતું. એટલું જ નહીં, વામન કદના પણ વિરાટ પ્રતિભા ધરાવતા શાસ્ત્રીજીએ વૈયક્તિક નહીં, પણ ભારતના ઉદાર હૃદયનો પરિચય ૧૯૬૬માં ‘તાશ્કંદ કરાર’માં આપ્યો હતો. એકંદરે તાશ્કંદ કરારમાં ભારતનો હાથ ઊંચો રહ્યો હતો. તાશ્કંદ કરાર યુદ્ધ પછીનો ટેબલ વાર્તાલાપ હતો. બંને દેશોએ સમાધાન અને શાંતિથી જીવવાના કોલ આપ્યા, પણ આ કરારની શરતો માત્ર ૬ જ વર્ષમાં તૂટી પડી. ૧૯૭૧માં પાકિસ્તાન સાથે બીજું યુદ્ધ થયું. આ વખતે ભારતને એક "દુર્ગા" નામે ઇન્દિરા ગાંધી નેતૃત્વ પૂરું પાડી રહ્યાં હતાં. તેની કહાની કાલે.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (37)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
1965 માં ખેમકારણ નું યુદ્ધ પણ નોંધપાત્ર હતું. જેને માટે Gen a g vaidya ને સન્માન મળેલું. તેના વિશે માહિતી આપશો તો વાચકો ને જરૂરથી રસ પડશે.
ReplyDelete