૧૯૭૧નું ભારત - પાક.યુદ્ધ .

           *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

               *આઝાદ ભારતનાં યુદ્ધોઃ
           ભારત - પાક. યુદ્ધ    (૧૯૭૧)*

                  *પ્રકરણ:- 87*
                  અરુણ વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1

           પાકિસ્તાનનું સર્જન ભારત વિભાજનમાંથી થયું હતું. ભાગલા પછી બે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યાં હતાં. એક, હાલનું પાકિસ્તાન અને બીજું, પૂર્વ પાકિસ્તાન યાની આજનું બાંગલાદેશ. આજે આપણે એક પાકિસ્તાનથી ત્રસ્ત થઈ રહ્યા છીએ ત્યારે ૧૯૭૧ના વખતનાં બે પાકિસ્તાન વચ્ચે જીવતા ભારતની કલ્પના આજની પેઢીએ કરવા જેવી છે! પરંતુ ૧૯૬૫માં વિજય દ્વારા ભારતે પાકિસ્તાનની મજહબી પ્રવૃત્તિઓને જોરદાર લપડાક મારી હતી. તાશ્કંદમાં શાંતિવાર્તામાં પણ ભારતે મોટપણ દેખાડ્યું હતું, પણ "લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે" અને ‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી’ એ ન્યાયે ૧૯૬૫ની શિકસ્ત પછી પણ તેની હરકતોથી વાજ આવ્યું ન હતું અને પરિણામ ૧૯૭૧નું યુદ્ધ.
     ૧૯૬૫ના યુદ્ધ કરતાં પણ ૧૯૭૧ના યુદ્ધની પૃષ્ઠભૂમિ વધુ મજબુત હતી. ઐતિહાસિક કારણ પરંપરા સમજ્યા વગર યુદ્ધના પ્રસંગો અને પરિણામો સમજી શકાતાં નથી. તેથી ૧૯૭૧ના ભારત-પાક. યુદ્ધનાં કારણોની વાત કરીએ.
૧. આગળ આપણે જોયું કે આઝાદી પછી બે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યાં હતાં.આજનું બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું. ત્યાં વસ્તી પણ વધુ હતી, પણ રાજકારણનું કેન્દ્ર તો શરૂથી જ પશ્ચિમ પાકિસ્તાન રહ્યું હતું. પરિણામે પૂર્વ પાકિસ્તાનને રાજકીય રીતે અન્યાય થવો સહજ હતો. પૂર્વ પાકિસ્તાનના રાજકારણીઓ અને લોકો હંમેશાં પશ્ચિમ પાકિસ્તાન માટે શંકાના દાયરામાં રહ્યા હતા. પાકિસ્તાનના પહેલા પ્રધાનમંત્રી લિયાકતઅલી ખાનનું ૧૯૫૧માં ખૂન થયું. તેમાં પણ પાકિસ્તાની સરકારને પૂર્વ બંગાળના મુસ્લિમોનો હાથ હોવાની શંકા હતી. ૧૯૫૮માં પાકિસ્તાનમાં લશ્કરી બળવા થકી જનરલ અયુબ ખાન સત્તાસ્થાને આવ્યા. તે પછી પૂર્વ પાકિસ્તાનને ઘણા રાજકીય અન્યાયો અને આર્થિક શોષણ સહન કરવાં પડ્યાં હતાં.
        પૂર્વ પાકિસ્તાનને થતા અન્યાયો સામે લડવા માટે ત્યાં શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વમાં "અવામી લીગ" નામના પક્ષની રચના થઈ હતી. તેમના જ નેજા નીચે "મુક્તિ વાહિની" નામે ફોજ પણ તૈયાર થઈ હતી. તેમની લોકપ્રિયતા વધતાં અલગ બાંગલાદેશની માગ માટે જોરદાર આંદોલન શરૂ થયું હતું. પાકિસ્તાન આમાં ભારતનો ચંચુપાત અને સીધી દોરવણી સમજતું હતું. અલગ બાંગ્લાદેશની આ માંગ પાકિસ્તાન સહન ન કરી શક્યું અને બાંગ્લાદેશના મુક્તિ આંદોલનને કચડી નાખવા સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી. તેનાથી ત્રાસી હજારો બાંગ્લાદેશી નાગરિકોએ ભારતમાં શરણ શોધ્યું. ઇન્દિરા ગાંધીના વડપણ હેઠળની ત્યારની સરકારે બાંગ્લાદેશી શરણાર્થીઓને માત્ર આશ્રય જ ન આપ્યો, તેથી આગળ વધી બાંગ્લાદેશની મુક્તિ માટેનાં આંદોલનને ટેકો પણ આપ્યો. ભારતના આ માનવતાવાદી વલણની સર્વત્ર પ્રસંશા થઇ હતી, સિવાય કે પાકિસ્તાનમાં. પરિણામ ૧૯૭૧નું યુદ્ધ.
૨. ૧૯૬૫ના યુદ્ધ પછી ‘તાશ્કંદ કરાર’ થયો હતો. તેના પર ભારત –પાકિસ્તાનની ભાવિ શાંતિનો આધાર હતો, પણ પાકિસ્તાને તાશ્કંદ કરારને કાગળના ટુકડાથી વધુ ગણ્યો ન હતો. ઊલટું ભારતે તો કરારની ગંભીરતા પારખી યુદ્ધ કેદીઓની મુક્તિ, પાકિસ્તાનની જપ્ત કરેલી માલ-મિલકતો પરત કરવી, યુદ્ધ વખતે લાદેલાં બંધનો હટાવવાં જેવાં અનેક પગલાંઓ લઇ કરારની પવિત્રતા જાળવી હતી. જ્યારે જનરલ અયુબ ખાન અને ઝુલ્ફીકારઅલી ભુટ્ટો જેવા લશ્કરી મિજાજ ધરાવતા પાકિસ્તાની નેતાઓ તો સરેઆમ તાશ્કંદ કરારની ટીકા કરી કાશ્મીર મુદ્દે ઝેર ઓકતા રહેતા હતા. પરિણામે ભારત પોતાની સહનશક્તિ ૧૯૭૧ સુધી જ જાળવી શક્યું હતું.
૩. ૧૯૬૫ના યુદ્ધ પછી બંને દેશોની સરહદો પર આંતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી રહી હતી. સરહદી વિસતારોમાં ભારતીય વ્યવસ્થાતંત્ર ખોરવવું એ પાકિસ્તાનની પ્રાથમિકતા રહી હતી. તેનો સજ્જડ પુરાવો ૩૦ જાન્યુઆરી ૧૯૭૧ના રોજ ભારતના એક વિમાનને અપહરણ કરીને આપવામાં આવ્યો. અપહૃત વિમાનને પાકિસ્તાન લઈ જઈ તેમાંના યાત્રીઓને છોડી મૂકી વિમાનને સળગાવી દેવામાં આવ્યું હતું. તે પછી પણ પાકિસ્તાને સમગ્ર ઘટનાક્રમને પાકિસ્તાન ટેલિવિઝન પર પ્રદર્શિત કરી આતંકવાદીઓને દેશભક્તો તરીકે નવાજ્યા હતા. પાકિસ્તાનની આ વિકૃત હરકતના ભારતમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા અને ભારતે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું નક્કી કર્યું.

         અહીં દર્શાવેલાં પરિબળો સાથે બાંગલાદેશમાં સ્વતંત્ર બાંગ્લાદેશની ઉગ્ર બનતી ચળવળ અને તેનું પાકિસ્તાન દ્વારા બેરહેમીથી દમન, પાકિસ્તાનને મળી રહેલી આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિ વગેરેએ પણ ’૭૧ના ભારત-પાક. યુદ્ધ માટે પીઠિકા તૈયાર કરી હતી. અલગ બાંગ્લાદેશ માટેના પૂર્વ પાકિસ્તાનના આંદોલનને કચડી નાખવા માટે ૨૬ હજાર આંદોલનકારીઓની હત્યા કરી દીધી હતી. ખરેખર તો સમકાલીન એજન્સીના અહેવાલો પ્રમાણે આ આંકડો ૩૦ લાખથી વધુ હતો. ભારતમાં શરણાગતિ સ્વીકારનાર બાંગ્લાદેશીઓની સંખ્યા ૯૦ લાખથી વધુ હતી. આ અત્યાચારો તત્કાલીન પાક. રાષ્ટ્રપતિ યાહ્યા ખાન અને તેમના સલાહકાર ઝુલ્ફીકારઅલી ભુટ્ટોની નિગરાની અને લેફ્ટનન્ટ જનરલ ટીક્કા ખાનના આદેશો પ્રમાણે થયા હતા અને તેથી ટીક્કાખાન બાંગ્લાદેશમાં "બુચર ઓફ ઢાકા" (ઢાકાનો કસાઈ) તરીકે કુખ્યાત થયો હતો.
       બાંગ્લાદેશની ભયજનક સ્થિતિમાં ભારતે પોતાની કપરી આર્થિક સ્થિતિનો વિચાર કર્યા વગર ટેકો આપ્યો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ મુદ્દે બાંગ્લાદેશને મદદ કરવા અપીલ કરી હતી, પણ અમેરિકાએ તો બાંગ્લાદેશ સમસ્યા પાકિસ્તાનની આંતરિક સમસ્યા ગણાવી પાકિસ્તાને તેનો હલ પોતાની રીતે લાવવો જોઈએ તેમ જણાવી માનો કે પાકિસ્તાની અત્યાચારોને છુપા આશીર્વાદ આપ્યા હતા. અને પાકિસ્તાને ભારત, પાકિસ્તાનની આંતરિક બાબતોમાં દખલગીરી કરી રહ્યું છે તેવા બહાના હેઠળ ૩ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ પાકિસ્તાને ભારત સામે યુદ્ધ જાહેર કરી દીધું. (પાકિસ્તાની સરમુખત્યાર જનરલ મુશર્રફે તો પાકિસ્તાન તરફથી આટલી પહેલ થઇ હોવા છતાં તેમના "ઇન ધ લાઈન ઓફ ફાયર" પુસ્તક ૧૯૭૧માં ભારતે પાકિસ્તાનની પીઠમાં છરો ભોંક્યો હોવાનો બફાટ કર્યો છે.)
        ભારત પણ આ સ્થિતિ માટે તૈયાર જ હતું. પાકિસ્તાનની ટેન્કો અને જેટ વિમાનોએ ભારતની સીમાઓમાં પ્રવેશ કર્યો તેની સાથે ૧૩ ટેન્કો અને ત્રણ વિમાનો તોડી પાડ્યાં. ૧૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભારતીય વાયુદળના બાહોશ ફલાઈંગ ઓફિસર નિર્મલજીત શેખોએ એક વિમાનને તોડી પાડ્યું અને બીજામાં આગ લગાવી દીધી, પણ તેઓ પણ શત્રુઓ વચ્ચે ઘેરાઈ જતાં વીરગતિને પામ્યા હતા. નિર્મલજીત શેખોનું મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરી સન્માન કરાયું હતું. આવું જ પરાક્રમ શંકરગઢ વિસ્તારમાં મેજર હોશિયાર સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ક્ષેત્રપાલે તથા પૂર્વી મોરચા પર ગંગાસાગરની લડાઈમાં આલ્બર્ટ એક્કાએ કરી દેખાડ્યું હતું. આ તમામ શહીદોનું પરમવીરચક્રથી સન્માન થયું હતું. ૧૯૭૧ના યુદ્ધમાં અસાધારણ શૌર્ય દાખવવા બદલ ભારતીય સેનાના પાંચ શહીદોને પરમવીર ચક્ર પ્રદાન કરવામાં આવ્યાં હતાં. ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમના બળે ભારતે પૂર્વ અને પશ્રિમ એમ બંને છેડે વિજયપતાકાઓ લહેરાવી હતી.
       આખરે ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ઢાકાના રેસકોર્સ મેદાનમાં પાકિસ્તાની લેફ્ટનન્ટ જનરલ એ. કે. નિયાઝીએ ૯૩ હજાર સૈનિકો સાથે શરણાગતિ સ્વીકારવી પડી હતી. ત્યાં ભારતીય સૈન્યના વડા જનરલ જગજીતસિંહ અરોરા હતા. આ દિવસ ઇતિહાસમાં "બોગરા દિવસ" તરીકે ઓળખાય છે.
     પાકિસ્તાનના ભૂંડા પરાજય પછી ૧૭ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો. આ યુદ્ધે પાકિસ્તાનના બે ટુકડા કરી બાંગ્લાદેશ નામના નવા દેશને જન્મ આપ્યો. યુદ્ધે ભારત અને પાકિસ્તાનના રાજકારણમાં અનેક ચડાવ-ઉતાર આણ્યા હતા. ભારતની જ વાત કરીએ તો આ યુદ્ધ પછી ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં ઘણો વધારો થયો હતો, તો યુદ્ધ પહેલાં "ગુંગી ગુડિયા" તરીકે ઓળખાતાં શ્રીમતી ઇન્દિરા ગાંધી અટલબિહારી વાજપાઈના શબ્દોમાં "દુર્ગા"તરીકે ઊભરી આવ્યાં હતાં. યુદ્ધના ગાળામાં પોતાનું દુર્ગા સ્વરૂપ દેખાડનાર ઇન્દિરા ગાંધીએ ૨ જુલાઈ ૧૯૭૧ના રોજ સંપન્ન થયેલા ‘સિમલા કરાર’માં ભારતની ઉદારતા પણ પ્રદર્શિત કરી હતી, પણ ભારત જેટલી ઉદારતા દાખવતું હતું તેટલું જ પાકિસ્તાન લુચ્ચાઈ. કારણકે તેણે કદી બે દેશો વચ્ચેની સંધિવાર્તાને ગંભીરતાથી લીધી જ ન હતી, તો પછી સિમલા કરારની શી વિસાત ભલા?

આવતી કાલે કારગિલ યુદ્ધની ચર્ચા.

*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (38)
*Limited 10 પોસ્ટ* વતી
ખંજન અંતાણી
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ