કારગીલ યુદ્ધ

          *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
 
               *આઝાદ ભારતનાં યુદ્ધોઃ
       ભારત - પાક. યુદ્ધો     (કારગીલનું યુદ્ધ)*

                     *પ્રકરણ:- 88*
                   * અરુણ  વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
          ૧૯૪૭માં દેશ આઝાદ થયો, સાથે જ આપણે સમસ્યામુક્ત થઈ ગયા તેવી લાગણી સાથે આપણે આપણી આઝાદ ભારતની યાત્રા શરૂ કરી, પણ ૧૯૪૭-૪૮માં પાકિસ્તાન સાથે, ૧૯૬૨માં ચીન સાથે, ૧૯૬૫ અને ’૭૧માં વળી પાછું પાકિસ્તાન સામે યુદ્ધ. આમ આઝાદીના માત્ર બે દાયકામાં ૪-૪ યુદ્ધોનો સામનો કરવો પડ્યો. તાજા જ સ્વતંત્ર થયેલા કોઈપણ રાષ્ટ્ર માટે આ સ્થિતિ હિતાવહ નથી હોતી.
          ૧૯૭૧ના યુદ્ધમાં તો ભારતે પાકિસ્તાનને એવી તો ધોબીપછાડ આપી હતી કે ભારત ઉપરાંત પાડોશી દેશો પણ એવું માનતા થયા હતા કે પાકિસ્તાન નજીકના ભવિષ્યમાં યુદ્ધ કરવાની જુર્રત નહીં જ કરે! પરંતુ આ ધારણા ગલત સાબિત થઈ અને ’૭૧ના યુદ્ધ પછી માત્ર ૨૮ વર્ષ પછી ૧૯૯૯માં કારગિલનું ભીષણ યુદ્ધ થયું.
આ ગાળામાં ગંગા-જમનામાં ઘણાં નીર વહી ગયાં. ભારત અને પાકિસ્તાનની રાજનીતિમાં ઘણા આરોહ-અવરોહ આવી ગયા. પાકિસ્તાન તો સતત લશ્કરી નિયંત્રણમાં રહ્યું, તો ભારતે પણ ૧૯૭૫-૭૭ના ગાળામાં કટોકટીની અનુભૂતિ કરી. છતાં ભારત લોકશાહી પરંપરાની ભૂમિ તરીકે વિશ્વભરમાં પોતાનું સ્થાન બરકરાર રાખી શક્યું હતું. બીજી તરફ પાકિસ્તાન આ બે દાયકામાં ભારત સાથે પ્રત્યક્ષ યુદ્ધ તો ન લડ્યું, પણ પ્રોક્સિ વૉર ડગલે ને પગલે ભારતે સહન કરવાં પડ્યાં હતાં. લશ્કરી મિજાજના પાકિસ્તાની શાસકો ભારતને સતત યુદ્ધના ઓથાર હેઠળ રાખતા હતા. આતંકવાદી ગતિવિધિઓની ગંગોત્રી તો પાકિસ્તાનમાં જ હતી.
        ભારત સામેનાં બબ્બે યુદ્ધોમાં પરાજય પછી પાકિસ્તાન સતત વેરાગ્નિમાં તડપતું રહેતું હતું અને લશ્કરી સરમુખત્યારો સત્તા પર આવતા ત્યારે તો તેમની વેરભાવના બેવડાતી હતી. પાકિસ્તાની રાજનીતિનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર પણ કાશ્મીર અને ભારત રહ્યાં છે. "કાશ્મીર હમારા હૈ" અને "હિન્દુસ્તાન મુર્દાબાદ" જેવા નારાઓ આપો એટલે પાકિસ્તાનમાં સરળતાથી રાષ્ટ્રવાદી બની શકાય! સેનાધ્યક્ષ જનરલ મુશર્રફના પ્રમુખ બન્યા પછી ભારતવિરોધી પાકિસ્તાની ગતિવિધિઓમાં ઘોડાપુર આવ્યું હતું. તેમણે સેનાના અધ્યક્ષ થયા ત્યારથી જ ભારત સામે યુદ્ધ થવાનું જ છે તેમ માની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. શિયાળાની કાતિલ ઠંડીમાં સૈનિકો રક્ષણ મેળવી શકે તે માટે ખાસ પ્રકારના પોશાકો તૈયાર કરાવ્યા, ભારતનો સામનો કરવા માટે સૈનિકો માટે વિશેષ પ્રશિક્ષણની પણ વ્યવસ્થા કરી હતી.
         ભારત સામેની જનરલની નફરત તો પ્રધાનમંત્રી વાજપેયીની પાકિસ્તાન યાત્રાવેળાએ તેઓને સલામી પણ ન આપી દેખાડી હતી. પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના વડા બન્યા ત્યારે આવા સરમુખત્યારી માનસિકતાવાળા શાસક સાથે પણ અટલ બિહારી વાજપેયી જેવા યુગપુરુષે આગ્રામાં શાંતિવાર્તા યોજી હતી, પણ કાશ્મીર પર અટકેલી જનરલની સોયને કારણે મંત્રણા સફળ ન બની અને આગ્રા વાટાઘાટોને રઝળતી મૂકી મધરાતે ભારત છોડી ગયા. બે દેશો વચ્ચેની મંત્રણાનું આથી વધુ વરવું રૂપ શું હોઈ શકે?
       આગ્રા સમિટની નિષ્ફળતા પછી પાકિસ્તાન વળી પાછું તેના અસલ રંગમાં આવી ગયું. આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહિત કરવી અને ભારત માટે શિરદર્દ ઊભું કરવું એ માનો કે પાકિસ્તાનનો એક મુદ્દાનો કાર્યક્રમ બની રહ્યો હતો. તેની પરાકાષ્ઠા દેખાઈ કારગિલના યુદ્ધમાં. કારગિલ યુદ્ધ એટલે ઇતિહાસકારો માટે ખાસ જૂની ઘટના ન ગણાય. સમકાલીન ભારતની આ ઘટના વિશે લખવું એટલું આસાન કામ નથી જેવું કે આપણે પાછળના સમય વિશે લખતા આવ્યા છીએ. કારણકે ઐતિહાસિક ઘટનાના મૂલ્યાંકન માટે લઘુત્તમ સમયગાળો ૩૦ વર્ષનો હોવો અનિવાર્ય છે, એટલે જ આઝાદી પછીનો  ઈતિહાસ પત્રકારોનું અધિકારક્ષેત્ર ગણાયો છે.
        કારગિલના યુદ્ધ વિશે વિગતે વાત કરતાં પહેલાં ભારતના આ દુર્ગમપ્રદેશનો પરિચય કરી લઈએ. લગભગ ૧૦૪૫ કિલોમીટર પહોળું કારગિલ ક્ષેત્ર અધિકતર રીતે નિર્જન વિસ્તાર છે. મુશકોહ, દ્રાસ, કાકસર અને બટાલિક કારગિલ ભૂગોળના વિસ્તારો છે. શિયાળામાં હિમપાત વખતે અહીં રહેવું એ લોઢાના ચણા ચાવવા સમી પ્રવૃત્તિ છે. પરંતુ પાકિસ્તાન તો આવી વિપરિત ભૌગોલિક પરિસ્થિતિમાં પણ તેના ઈરાદાઓમાં બુલંદ હતું.
          જનરલ મુશર્રફ આ વિસ્તારમાં પહેલા આતંકી પ્રવૃત્તિઓ અને પછી સેનાના હુમલા દ્વારા લદ્દાખને શેષ ભારતથી નોખું પાડી દેવા માગતા હતા. આ માટે પાકિસ્તાને ઉત્તરી લાઈટ ઇન્ફન્ટ્રી તથા વિશેષ
જવાનો અને સૈનિક કમાન્ડોની અગ્રીમ પંક્તિ પણ તૈયાર કરી લીધી હતી. તોપો, મોર્ટાર, મિસાઈલો પણ ખાસ સ્થળોએ સજ્જ કરી દેવાઈ હતી. આ દળમાં ૨ હજારથી વધુ સૈનિકો તૈનાત હતા. આ સમગ્ર ગતિવિધિઓ ભારતીય સેનાના પડાવથી માત્ર ૩થી ૪ કિલોમીટર દૂર થઇ રહ્યું હતું. પાકિસ્તાનનો ફાયદો એ હતો કે તેઓ તેમનો મુકામ ઊંચાઈ પર હોવાથી ગોળાબારી કરવી તેમના માટે આસાન હતું. કારગિલમાં પાકિસ્તાનની આટઆટલી તૈયારીઓ છતાં ભારતીય સેનાને તેનો અણસાર સુદ્ધાં આવ્યો ન હતો. ૬ મે ૧૯૯૯ના રોજ ઘેટાં-બકરાં ચરાવવાવાળા ગ્રામજનોએ પાકિસ્તાનની ઘૂસપેઠિયા પ્રવૃત્તિઓથી સેનાને સૂચિત કર્યું હતું.
       ગામડાના ગડરિયાઓએ એક રીતે ભારતની લાજ રાખી હતી. પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓ વિશે માહિતી મળતાં જ ભારત સેના સફાળી જાગી, પણ આપણે મોડા તો હતા જ, કારણ કે કારગિલને કબજે કરવાના હેતુથી પાકિસ્તાન સામરિક સ્થળો પર તેનો કબજો જમાવી ચૂક્યું હતું અને બિલ્લી પગે એક પછી એક ભારતની ચોકીઓ પણ કબજે કરી રહ્યું હતું. આ બધું પહેલાં તો પરત મેળવવું અને પછી પાકિસ્તાની સેનાને ખદેડી મૂકવી આસાન કામ ન હતું. કદાચ ભારતીય સેના ચીન અને પાકિસ્તાન સામેનાં અગાઉનાં યુદ્ધો કરતાં પણ વધુ સંક્રાંતિની સ્થિતિમાં હતી. ભારતીય સૈનિકો માટે જોખમો અને અસુવિધાઓનો પાર ન હતો. છતાં ભારે હથિયારો પીઠ પર લાદી રસ્સીઓના સહારે, શત્રુઓની નજર ચૂકવતા તેઓ મિશન તરફ ગતિ કરી રહ્યા હતા. યુદ્ધ હથિયારોથી નહિ હિંમતથી જીતાય છે તે કહેવત ભારતીય સૈનિકો કારગિલમાં સાર્થક કરવાના હતા. કારગિલના યુદ્ધ અને આપણી આ આખી યુદ્ધ શ્રેણીનું સમાપન કાલે.

*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (39)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ