ભારત - પાક.યુદ્ધો .con.


            *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

                *આઝાદ ભારતનાં યુદ્ધોઃ
             ભારત-પાક. યુદ્ધ (૧૯૬૫) - 2*

                      *પ્રકરણ:- 85*
                      અરુણ  વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1

         ૧૯૬૨માં ચીન સામેના યુદ્ધમાં પરાજય પછી ભારતની હાલત ઘણી ખરાબ હતી. યુદ્ધમાં શિકસ્તના ગમમાં પંડિત નેહરુનું અવસાન થયું અને ભારતીય રાજનીતિમાં મોટો શૂન્યાવકાશ સર્જાયો. આ સંજોગોમાં કદમાં વામન પણ પ્રતિભામાં વિરાટ એવા લાલબહાદુર શાસ્ત્રી ભારતના પ્રધાનમંત્રી બન્યા. તેના બીજા જ વર્ષે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કરી ભારત પર યુદ્ધ લાદી દીધું. પાકિસ્તાન સાથે થયેલાં બધાં જ યુદ્ધોનું નિમિત્ત કાશ્મીર રહ્યું છે, ત્યારે કાશ્મીર વિશે પણ થોડીક વાત કરવી જોઈએ.
       પ્રાચીનકાળમાં સમ્રાટ અશોકે શ્રીનગર વસાવ્યું ત્યારથી કાશ્મીરના ઇતિહાસનાં પ્રમાણો પ્રાપ્ત થાય છે. ઇતિહાસના વિવિધ તબક્કે કાશ્મીરની ભારતીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. કુષાણ શાસક કનિષ્કે તો કાશ્મીરના કુંડાળવારામાં ચોથી બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું હતું. ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગ તો કાશ્મીરી પ્રજાના ચંચળ અને શરમાળ સ્વભાવ તથા વિદ્યાપ્રીતિની ધગશનાં ઘણાં વખાણ કરે છે. પ્રાચીન કાળના જુના હિંદુ રાજ્યવંશોનું સુંદર વર્ણન "રાજતરંગિણી" નામના ઈતિહાસ ગ્રંથમાં કલ્હણ નામનો ઇતિહાસકાર કરે છે. .ઈ.સ. ૧૩૨૦માં મોંગોલ આક્રમણ પછી પૃથ્વી પરના આ સ્વર્ગની અવદશા શરૂ થઈ હતી. અલબત્ત મુઘલોના શાસનમાં કાશ્મીર ફરી ફૂલ્યું ફાલ્યું હતું. મુઘલ બાદશાહ જહાંગીરને તો કાશ્મીર એટલું તો ગમી ગયું હતું કે જીવનમાં ૬ વખત ત્યાં ગયો હતો. મુઘલકાલીન ફ્રેંચ મુસાફર અને ડોક્ટર બર્નીયર પણ કાશ્મીરી પ્રજાના હાજરજવાબીપણા, કવિતા-વિજ્ઞાનમાં લગાવ, શાલ બનાવવાની કળા વગેરેનાં ખૂબ વખાણ કરે છે.
        ઔરંગઝેબના અવસાન-સ્થાયી શાસનના અભાવ પછી કેટલાક સ્થાનિક સરદારો કાશ્મીર પર હકુમત ચલાવવા અહમદશાહ અબ્દાલીને કાશ્મીરમાં તેડી લાવ્યા હતા, પણ તેમની હાલત "આસમાન સે ગિરે ઔર ખજુર પે અટકે" જેવી થઇ હતી. અફઘાનોના કાશ્મીર પરનાં ૬૭ વર્ષનો આબેહુબ ચિતાર આ કાવ્ય પંક્તિમાં મળે છેઃ
"મૈંને માલી સે પૂછા ચમન ઉજડા કૈસે,
ઉસને આહ ભરતે કહા કરતુત અફઘાનો કા."

       અફઘાનો પાસેથી શેર-એ-પંજાબ રણજીતસિંહે કાશ્મીર જીતી લીધું. આ જીત પછી તે એટલો તો ખુશ થયો હતો કે ૩ દિવસ સુધી લાહોર અને અમૃતસરમાં રોશની કરી હતી. રણજીતસિંહ પાસેથી અંગ્રેજોએ કાશ્મીર પડાવી લીધું અને તે સ્થિતિ ૧૯૪૭ સુધી જળવાઈ રહી. અલબત્ત આઝાદીના આંદોલન દરમિયાન જાગેલા કોમી દાવાનળમાં ભાવિ ભારત વિભાજનમાં મુસ્લિમ લીગના કોમવાદીઓ કાશ્મીરને અલગ પાકિસ્તાનની માંગમાં શીર્ષસ્થ સ્થાને રાખતા હતા. એનો અર્થ એ હતો કે આઝાદ ભારતમાં પૃથ્વી પરનું આ સ્વર્ગ ભારતીય વહીવટીતંત્ર અને સૈન્યને જંપીને બેસવા દેવાનું ન હતું. તેની જીકર ગઈકાલે આઝાદી પછી તરત શરૂ થઈ ગયેલા કબીલાઈ હુમલાઓ વખતે પણ કરી હતી. પરંતુ ૧૯૬૫નું યુદ્ધ કેટલાક ખાસ સંજોગોને આધીન થયું હતું. તેની વાત કરીએ.
૧. ૧૯૪૭માં ભારતની આઝાદી સાથે કોમી ધોરણે પાકિસ્તાન નામના નવા રાષ્ટ્રનો ઉદય થયો. તરત જ કાશ્મીર પર હક્કદાવા સાથે કાશ્મીર પર હુમલાઓ થયા. જેની સામે ભારતે ૧૯૪૮માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ફરિયાદ કરેલી. તેમાં યુનોએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવી સમાધાન કરાવ્યું અને પરિણામે પાકિસ્તાને જીતેલો પ્રદેશ તેની પાસે "આઝાદ કાશ્મીર" પ્રદેશ તરીકે રહ્યો હતો. તે પછી પણ પાકિસ્તાન આખા કાશ્મીર પર પોતાનો હક્ક જતાવતું હતું અને હક્ક જતાવવાની પરાકાષ્ઠા ૧૯૬૫ના યુદ્ધ વખતે દેખાઈ. આક્રમણોની સાથે કાશ્મીરમાં લોકમત લઈ તેને પાકિસ્તાનમાં ભેળવવાની ચેષ્ટા પણ પાકિસ્તાન કરતુ રહ્યું હતું.

૨. સ્વતંત્રતા વખતે પાકિસ્તાન લગભગ "પગથી માથા" સાથે જીવતું હતું. તેથી સૈન્ય શસ્ત્ર-સરંજામ વગેરેની આત્મ નિર્ભરતા વગેરેનો તો કોઈ સવાલ જ આવતો ન હતો, પણ ૧૯૬૫ના યુદ્ધ અગાઉ જગતના જમાદાર એવા અમેરિકાએ પાકિસ્તાનને ૧૫૦ કરોડ ડોલર મૂલ્યના લશ્કરી સાધનો આપ્યાં હતાં. જેમાં ટેન્કો, લડાકુ વાયુયાનો, સ્ક્વોડ્રન અને બોમ્બવર્ષકોનો સમાવેશ થતો હતો. આ બધા દ્વારા અમેરિકાએ "માંકડાને નિસરણી આપવા જેવો" ઉપક્રમ યોજ્યો હતો. કારણકે આટલી ભારે માત્રામાં શસ્ત્ર સરંજામ પાકિસ્તાન જેવા યુદ્ધરત દેશ માટે ભારે પ્રોત્સાહન હતું. તેનો ઉપયોગ ૯ એપ્રિલ ૧૯૬૫ના રોજ કચ્છ પર થયેલા હુમલા વખતે થયો હતો .

૩. પંડિત નેહરુ પોતાના જમાનાના દિગ્ગજ નેતા હતા. તેમના પછી વડાપ્રધાન પદે આરૂઢ થયેલા શાસ્ત્રીજીની મુત્સદ્દીગીરી કે વહીવટી ક્ષમતામાં ગતિ નથી તેવું પાકિસ્તાન મનાતું હતું. એટલે હાલ ભારતમાં નેતાગીરી નબળી છે અને તેથી તેઓ પાકિસ્તાનનો મુકાબલો કરી શકશે નહિ તેવી ભ્રમણામાં જીવતા હતા. પાકિસ્તાન તાજેતરમાં જ ભારત ચીન સામે પરાસ્ત થયું છે ત્યારે પડતાં પર પાટું મારવાની ફિરાકમાં હતું. પરંતુ આ જ વામન કદના લાલબહાદુરે ભારતીય સૈન્યની તાકાત પર 65માં પાકિસ્તાનને ચત્તુંપાટ કરી દીધું હતું.

૪. કાશ્મીર પાકિસ્તાનમાં ભેળવવા માટે ત્યાંની પ્રજાની ધાર્મિક ભાવનાઓને ભડકાવવી પાકિસ્તાનની હંમેશાં નાજાયઝ પ્રવૃત્તિ રહી છે. ૧૯૬૫ પહેલાં પણ તેમને આવા ઘણા મોકા મળ્યા હતા. તેમાંનો એક બનાવ હઝરત બાલનો હતો. ૨૭ ડિસેમ્બર૧૯૬૩ના રોજ હઝરત બાલ મસ્જિદમાંથી મહંમદ પયગમ્બરના પવિત્ર વાળની મસ્જિદની બારીના કાચ તોડી ચોરી થઇ હતી. તે પછી ગુનેગારોને શોધી સખ્ત નસીહત કરવા માટે તોડફોડ અને લુંટફાટ જેવી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. ઇન્ટેલિજન્સના વડાએ પવિત્ર વાળને મસ્જીદમાં પરત મૂકવાની ગુનેગારને તક આપી અને ૪ જાન્યુઆરી ૧૯૬૪ના રોજ પવિત્ર વાળ પાછા મસ્જીદમાં પરત આવી ગયા અને આંદોલન શાંત પડ્યું પણ, પછી પણ પાકિસ્તાન આ મુદ્દે કાશ્મીરીઓને ઉશ્કેરતું રહ્યું હતું. બીજી તરફ કાશ્મીરના શેર કહેવાતા શેખ અબ્દુલ્લાનું રાજકારણ પણ ચાલતું રહ્યું હતું તેમને વિદેશ પ્રવાસો અને ખાસ તો ચીનના વડા ચાઉં -એન –લાઉંને મળ્યા હતા તે પરત આવ્યા. તેમની ધરપકડ કરી પાસપોર્ટ જપ્ત થયો તે પછી કાશ્મીરમાં રાજકારણ ખૂબ ગરમાયું હતું અને ભારત-પાકિસ્તાન યુદ્ધની ભૂમિકા વધુ સુદૃઢ બની હતી.

૫ . ચીન તો ૧૯૬૨ના યુદ્ધ પછી ભારતનું દુશ્મન હતું જ, તેનો પાકિસ્તાન લાભ ઉઠાવવા માગતું હતું. સાથે દૂર બેઠેલા અમેરિકાની શસ્ત્રસામગ્રી અને માનસિક સધિયારો પણ પાકિસ્તાનને સાંપડ્યો હતો. અમેરિકાએ તો યુદ્ધ શરૂ થાય પછી બીજા દિવસ સવારનો નાસ્તો તમે દિલ્હીમાં કરી શકશો તેવો આત્મવિશ્વાસ પાક. વડા અયુબ ખાનને આપ્યો હતો. પરંતુ ‘પારકી આશ સદા નિરાશ’ અને ‘જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરવાની’ તેના જેવી હાલત ૧૯૬૫માં પાકિસ્તાનની થઈ. વધુ વાતો કાલ પર રાખીએ?

*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (36)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ