કારગીલ યુદ્ધ con.

          *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*
                આઝાદ ભારતના યુધ્ધો -
      કારગીલ યુદ્ધ -૧૯૯૯ (ઓપરેશન વિજય)*

                    *પ્રકરણ:- 89*
                   અરુણ  વાઘેલા
http://arunoday-itihas.blogspot.com/?m=1

           કારગીલ યુદ્ધ બેશક પાકિસ્તાની સેનાની ઘૂંસપેઠિયા પ્રવુતિ અને નિયંત્રણ રેખાનું -એલ.ઓ.સીના ઉલંઘનનું પરિણામ હતું .ગઈકાલે આપણે જોયું હતું કે પાકિસ્તાની સેનાની ભયજનક ગતિવિધિઓ સહુપહેલા સ્થાનિક ગડરિયાઓના ધ્યાનમાં આવી હતી ,તેમણે ઘડીનોય વિલંબ કર્યા વિના નજીકની ભારતીય ચોકી પર ખબર આપી .ત્યાં પેટ્રોલિંગ માટે રખાયેલી સેનાની ટુકડી વાસ્તવિક સ્થિતિનો ક્યાસ કાઢવા પેટ્રોલિંગ માટે નીકળી ,પાકિસ્તાની સેના તો યુદ્ધનું મન બનાવીને તૈયાર જ બેઠી હતી તેમણે પેટ્રોલિંગ ટુકડીના જવાનોને પકડી લીધા અને તેમાંના ૫ની હત્યા કરી નાંખી. પરિણામે ભારતીય સેનાએ સજ્જ થવું જ રહ્યું .
         કારગીલ શ્રીનગરથી ૨૦૫ કિલોમીટર દુર હતું જયારે ત્યાંથી પાકિસ્તાનની સરહદ ૧૭૩ કિલોમીટર દુર .એ રીતે પાકિસ્તાન ફાયદામાં હતું .પણ ભારતીય સૈન્યના મિજાજનો બબ્બે વખત વરવો અનુભવ કરી ચુકેલી પાકિસ્તાની સેના સખણી ન રહી અને કારગીલનું યુદ્ધ શરુ થયું . પાકિસ્તાન ૧૯૯૮મા ઉછીની ટેકનોલોજીથી બનાવેલા પરમાણું બોમ્બ પર મુસ્તાક હતું .આ યુદ્ધ અગાઉના યુધ્ધો કરતા જુદું અને વિકરાળ બનવાનું હતું એટલું તો નક્કી હતું .વળી તેનો સેનાધ્યક્ષ જનરલ મુશરફ હોય ત્યારે તો વિશેષ.
        કારગીલનું યુદ્ધ મે અને જુન મહિનામાં લડાયું હતું .શરદીની મોસમમાં અહી - ૪૮ ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડતો હતો .એ રીતે બંને સૈન્ય માટે સંજોગો આસાન ન હતા . ભારત પર આવી પડેલા આ યુદ્ધનો સામનો કરવા આપણા લશ્કરે લગભગ ૨ લાખથી વધુ સૈનિકોને કારગીલના મોરચે તૈનાત કરી દીધા. પરંતુ શરૂમાં તો પાકિસ્તાની સેનાએ ત્વરિત હુમલાઓ કરી ભારતીય સેનાનો કારગીલ માંહેનો દારૂગોળો નષ્ટ કરી દીધો હતો ,પણ ભારતની વધારાની ફોઝ મદદે આવી પહોંચતા મશ્કોહ ઘાટી ,દ્રાસ ,કાક્સર ,બતાલિક વગેરે સ્થળોએ જંગ જામ્યો. ભારતે કારગીલ જંગને "ઓપરેશન વિજય "નામ આપ્યું હતું અને ૨૬ મે ૧૯૯૯ ના રોજ પાકિસ્તાનની સેના અને તેના ભાડુતી ઘુસપેઠીયા વિરુદ્ધ સૈનિક કાર્યવાહી શરુ કરી દીધી. કારગીલ યુદ્ધનું સિલસીલાવાર અહેવાલ લઈએ તો ૨૭ મેં ના રોજ પાકિસ્તાની સેનાએ ભારતનું એક મીગ વિમાન ગીરાવી તેના પાયલટને બંદી બનાવી દીધા.
      ૨૮ મે ના રોજ દ્રાસમાં ભારતનું વધુ એક યુદ્ધ હેલિકોપ્ટર તોડી પાડયું , જેમાં ૫ ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા .પાકિસ્તાન તરફથી વધતી હરકતો પછી આજ સમયમાં ૨૬ મેના રોજ ભારતીય વાયુદળને આક્રમણનો આદેશ મળ્યો. ભારતના મીગ-૨૯ ,મીગ-૨૭ ,આર-૭૭ મિસાઈલો ,રોકેટોના હુમલાઓ અને બોમ્બમારો શરુ થયો. એક અંદાજ મુજબ કારગીલ યુદ્ધમાં અઢી લાખથી વધુ ગોળાઓ ફેંકાયા ,જે બીજા વિશ્વયુદ્ધ પછી કોઈપણ યુદ્ધમાં ફેંકાયેલા સૌથી વધુ હતા . જુન મહિનાના શરૂઆતના દિવસોમાં તો ભારતીય સેના પાકિસ્તાન પર સરસાઈ ભોગવતી થઇ ગઈ. ૩,૪,૯,૧૧,૧૩,૧૪,૧૫,૧૭,૨૦ મે અને તે પછી તો લગાતાર ૧૪ જુલાઈ એમ આશરે બે મહિના સુધી આંતરે દિવસે લડાઈઓ થતી રહી . વચ્ચે અમેરિકન પ્રમુખ બીલ ક્લીન્ટન પણ પાકિસ્તાનને એલ.ઓ.સી ન ઓળંગવા કહેતા રહ્યા હતા તેની અસર પણ પડી હતી .ભારતીય સેના હજુ પણ આપણા સીમાડામાં જ રહી લડી રહી હતી.છતાં ધીરે-ધીરે કારગીલ, જુબર હિલ, બતાલિક, મશ્કોહ. વગેરે જગ્યાએથી ઘૂસપેઠિયાઓ અને પાકિસ્તાનના સૈનિકોને ખદેડી મુક્યા હતા . મશ્કોહમાં ૩૦૦ ઘૂસપેઠિયાઓ હતા તેમણે નેસ્તનાબુદ કરી દીધા, દ્રાસ સેક્ટર પર કબજો કર્યા પછી કારગીલ યુદ્ધનો આખો નકશો જ બદલાઈ ગયો હતો .બીજા કેટલાક સ્થળોએ તો ભારતીય જવાનોએ અપ્રિતમ શૌર્ય અને સાહસનું પ્રદર્શન કરતા શત્રુઓની સુરંગોને પણ કુનેહપૂર્વક વળોટી લક્ષ્યપ્રાપ્તિ કરી હતી.
લડાઈ દરમિયાન પાક.પ્રધાનમંત્રી નવાઝ શરીફના અમેરિકાના વ્હાઈટ હાઉસનો દરવાજો ખખડાવ્યો અને ભારતના પડાવી લીધેલા બધા પ્રદેશો પાછા આપવાની ,ઘૂસપેઠિયા અને મુજહીદીનો ને પાછા બોલાવી સિમલા કરારનું ચુસ્તતાથી પાલન કરવાની કબુલાત આપી હતી, દિલ્હીના લાલ કિલ્લા પર લીલો પરચમ લહેરાવવાના ખ્યાબ સાથે વાયા કારગીલ શરુ થયેલું પાકિસ્તાનના સપનાનું  આ રીતે બાળમરણ થયું.
        આખરે ૧૪ જુલાઈના રોજ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈની વિજયની ઘોષણા સાથે કારગીલ યુદ્ધનો અંત આવ્યો .યુદ્ધના લેખા -જોખા પણ કરવા રહ્યા. અંદાજે ૨ મહિના ચાલેલી કારગીલની લડાઈમાં ભારતીય સેનાએ તેના ૫૨૭ થી વધુ વીરજવાનો ગુમાવ્યા હતા , આવા જામ્બાજોમાં કેપ્ટન વિક્રમ બત્રા (૧૯૭૪ -૧૯૯૯) ,રાયફલ મેન જયકુમાર, લેફ્ટેનેન્ટ મનોજકુમાર પાંડેય અને હવાલદાર યોગેન્દ્રસિંહ વગેરેનો સમાવેશ થતો હતો .તેમની શહીદી
"ગિરતે હૈ સહ્સવાર (અશ્વારોહી) હી મૈદાન -ઈ-જંગ મૈ, વહ તીફલ (બાળક) ક્યાં જો ઘુટનો કે બલ ચલે " આ યુદ્ધમાં ૧૩૦૦ થી વધુ ભારતીય જવાનો ઘાયલ થયા હતા . તો પાકિસ્તાન તરફે ૬૯૬ સૈનિકો અને ઘૂસપેઠિયાઓ માર્યા ગયા હતા . જાનહાનિની સાથે ઘનહાનિ પણ બંને પક્ષે અગણિત રહી હતી .યુદ્ધ તેના પ્રત્યક્ષની સાથે અનેક પરોક્ષ પરિણામો પણ આપતું હોય છે .કારગીલ યુદ્ધ પછી અત્યંત સંયમ સાથે કામગીરી કરનાર સ્વ.વડાપ્રધાન અટલબિહારી બાજપાઈની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં ભારે વધારો થયો હતો બીજી તરફ પાકિસ્તાનની રાજનીતિ તો વાત થાય તેમ ન હતી.
       કારગીલમાં પરાજય પછી પ્રધાનમંત્રી નવાઝ શરીફ જનરલ મુશરફને નિષ્કાસિત કરવા માંગતા હતા પણ મુશરફ પણ કાચી માટીનો ન હતો ,તેણે પોતાની  શ્રીલંકાની યાત્રાએથી પરત ફરતા હવાઈ જહાજમાં જ પાકિસ્તનમાં તખ્તો પલટાવાની ગોઠવણ કરી દીધી અને તે પાકિસ્તાનની ધરતી પર પગ મુકે તે પહેલા તો જનાબ નવાઝ શરીફને ગિરફતાર કરી સત્તા સીધી સેનાના હાથમાં ચાલી ગઈ .
        અહી એક વિચિત્રતા એ છે કે જનરલ મુશરફને પાકિસ્તાની સેનાનાયક બનાવનાર આ જ નવાઝ શરીફ હતા ,નવાઝ શરીફને કેવો અફસોસ થયો હશે ?  પાકિસ્તાન માટે આવું બનવું કાઈ નવાઈની વાત ન હતી. પણ અનેક તખ્તા પલટાયા છતાં ભારત પ્રત્યેના વલણમાં પાકિસ્તાન બદલાયું નથી તે ઐતિહાસિક હકીકત છે .૧૯૪૭મા ભાગલા પછી શરુ થયેલી આ પ્રવુતિઓ અટકવાનું નામ નથી લેતી .પૂર્વ અને પશ્રિમ જર્મની, ફ્રાંસ અને ઇંગ્લેન્ડ અને બીજા એવા અનેક પરંપરાગત શત્રુઓ સમયના વહેણમાં પોતાના વલણમાં સુધારો કરી રહ્યા છે પણ યહ પાકિસ્તાન હૈ કી માનતા નહિ!
      આપણા સ્વર્ગની (કાશ્મીર)શાંતિ પાકિસ્તાન પર નિર્ભર છે. અહી ભારત અને પાકીસ્તાન વચ્ચે લડાયેલા કારગીલના યુદ્ધની કહાની જ નહિ આપણી આખી યુદ્ધકથાઓને વિરામ આપી છીએ.

*(યુદ્ધકથાને વાંચવા અને પ્રતિભાવ આપવા બદલ સર્વેનો આભાર - ધન્યવાદ)*

*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (41)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ