ર.છો. પરીખ
સંસ્થા સમાં વિદ્વાન : રસિકલાલ પરીખ
(૧૮૯૭-૧૯૮૨)
આજે ત્રણ મોટા ગજાના સાહિત્યકારો-સંશોધકો - લિયો ટોલ્સટોય,ફિરાક ગોરખપુરી અને જીવંત સંસ્થા સમા રસિકલાલ છોટાલાલ પરીખનો જન્મદિવસ છે .
રસિકભાઈનો જન્મ અમદાવાદ પાસે સાદરામાં થયેલો પણ તેમનું વતન પેથાપુર હતું .રસિકલાલ પરીખે સાદરા,અમદાવાદ અને પુનાની ફર્ગ્યુસન કોલેજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું .સ્નાતકની પદવી તેઓએ પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર સાથે પાસ કરી હતી . તેમના જીવન પર મહાદેવ ગોવિંદ રાનડેનો ઊંડો પ્રભાવ હતો .
સ્વતંત્રતા આન્દોલનના કારણે અનુસ્નાતકનો અભ્યાસ ન કરી શકતા ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા .રસિકલાલ પરીખ કાવ્યાનુશાસન ,કાવ્યપ્રકાશ (રા,વિ.પાઠક સાથે ),ગુજરાતની રાજધાનીઓ ,ઈતિહાસ :સ્વરૂપ અને પદ્ધતિ ,ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ (હરિપ્રસાદ શાસ્ત્રી સાથે),મેના ગુર્જરી ,શર્વલીક ,સ્મૃતિ,શિખરીણી શતક,રૂપિયાનું ઝાડ ,જીવનના વહેણો,સરસ્વતીચંદ્રનો મહિમા-તેની પાત્રસૃષ્ટિમાં વગેરે જેવા અનુવાદ ,નાટક ,કાવ્ય,વિવેચન અને સંપાદનના પુસ્તકો આપ્યા છે .તેમનું ઈતિહાસ:સ્વરૂપ અને પદ્ધતિ પુસ્તક ગુજરાતી ભાષામાં ઈતિહાસની મીમાંસાના પુસ્તકોમાં શ્રેષ્ઠતમ છે .
મુસીકરના ઉપનામથી લખતા ર.છો .પરીખનું સ્મરણ પુરાત્તત્વ,યુગધર્મ અને પ્રસ્થાન જેવા સામયિકોના સંપાદક તરીકે પણ થાય છે .
તેઓનું દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર ,રણજીતરામ પુરસ્કાર ,ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ,ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ અને ગુજરાત યુનિ.ના ડીન એમ અનેક રીતે સન્માન થયું છે .
પોતાના સંશોધનોના બળે જ જીવંત સંસ્થા જેવા બનેલા રસિકલાલ પરીખનું ૧ નવે.૧૯૮૨ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨૦ ઓગસ્ટ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment