નર્મદ
અર્વાચીનોમાં આદ્ય : નર્મદ (૧૮૩૩..૧૮૮૬)
"સૈા ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે,
યા હોમ કરીને પડો ફતેહ છે આગે"
અને
"છતરિયો હમે કા ના હોડિયે,
પગરખાં હમે કા પહેરિયે,
રાંડેલીનાં લગ્ન કા નહીં ?"તથા જય જય ગરવી ગુજરાત ની અહાલેક જગાડનાર
આવી રાષ્ટ્રવાદી અને સમાજ પરિવર્તન અને પ્રાદેશિક અભિમાનની પ્રોત્સાહક કાવ્યપંક્તિઓનાં સર્જક , સુધારાના કડખેદ અને જેનાં મૂલ્યાંકન માટે વિશેષણો ટાંચા પડે અને અનેક રીતે અભૂતપૂર્વ એવાં નર્મદાશંકર લાલશંકર દવે ઉફેઁ કવિ નર્મદનો આજે જન્મદિવસ છે.
સુરતમાં જન્મેલાં નર્મદ સુરત અને મુંબઇમાં ભણ્યાં અને સુરત ઉપરાંત ગુજરાતમાં સમાજસુધારણાના આગેવાન બન્યાં. નર્મ કવિતા,નર્મકોશ, નર્મગદ્ય, મારી હકીકત (આત્મકથા), દશમસ્કંધ (સંપા.), ડાંડિયો (સાપ્તાહિક), કાઠીયાવાડ સર્વસંગહ, ગુજરાત સર્વસંગ્રહ (અનુ.),રાજ્યરંગ જેવાં અનેક સર્જનો કર્યા છે.
સમાજસુધારાની અનેક સંસ્થાઓમાં પણ નર્મદનું સીધું યોગદાન રહ્યું હતું. આદિવાસીઓને પણ શિક્ષણ ઉપલબ્ધ થવું જોઈએ તેવી વાત તો સૌપ્રથમ નર્મદે જ કરી હતી .પ્રારંભે પશ્રિમના ધોરણે ગુજરાતી સમાજમાં સુધારા કરવા મથતા નર્મદને પછીથી પશ્રિમના ભૌતિકવાદ કરતાં ભારતીય અધ્યાત્મવાદ ચડિયાતો લાગ્યો હતો અને પરંપરાગત દૃષ્ટિકોણથી સમાજસુધારા માટે હામ ભીડી હતી.
ઉત્તરાવસ્થાનો નર્મદ લાંબુ જીવી ન શકયો . કવિ, વિવેચક, નિબંધકાર, સમાજ સુધારક નર્મદનું ૫૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર, ૨૪ ઓગસ્ટ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment