ઝવેરચંદ મેઘાણી
સહુનાં લાડકવાયા : ઝવેરચંદ મેઘાણી (૧૮૯૭ - ૧૯૪૭)
" મારા મોઢામાંથી એકપણ શબ્દ અચેતનપણે નીકળશે નહિ "એવી શ્રદ્ધા સાથે હંમેશા બોલનાર મહાત્મા ગાંધીએ જેઓને "રાષ્ટ્રીય શાયર"નો દરજ્જો આપ્યો છે
તેવાં અને
" ખુમારીથી ઝઝૂમતી હોય જોવી ગુર્જર વાણી,
કસુંબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી"
એવું જેમના વિશે કહેવાયું છે તેવાં ઝવેરચંદ મેઘાણીનો આજે જન્મદિન છે.
વતન ભાયાણી ( બગસરા) અને જન્મ ચોટીલામાં થયો હતો. મેઘાણી ૧૯૧૨માં મેટ્રિક અને ૧૯૧૬માં બહાઉદીન કોલેજ જુનાગઢથી વિનયન સ્નાતક થયા હતા .સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત, કંકાવટી, માણસાઇના દીવા, સોરઠી સંતો, સોરઠી બહારવટિયા, સિંધૂડો, તુલસી ક્યારો, યુગવંદના,સૌરાષ્ટ્રના ખંડેરો અને
લોકસાહિત્યનું સમાલોચન ,સોરઠ તારા વહેતા પાણી જેવાં પુસ્તકો દ્વારા ગુજરાતી લોકસાહિત્ય, સાહિત્ય અને ગુજરાતી સમાજની અવિસ્મરણીય સેવા બજાવી
છે.
તેમની છેલ્લો કટોરો, કોઈના લાડકવાયા, લાગ્યો કસુંબીનો રંગ અને હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ જેવી કાવ્યપંક્તિઓ તો કહેવતોની જેમ ગુજરાતીઓની
જીભે રમે છે. ઝવેરચંદ મેઘાણીનું સ્મરણ "સૌરાષ્ટ્ર" અને " ફૂલછાબ "પત્રના તંત્રી તરીકે અને ધોલેરા સત્યાગ્રહમાં જોશીલી વાણી માટે પણ થાય છે.
આઝાદીના જંગમાં મડદામાં પણ પ્રાણ ફૂંકે તેવી વાણી પ્રબોધનાર ઝવેરચંદ મેઘાણીનું આઝાદી મળે તે પહેલા ૯ માર્ચ ૧૯૪૭ ના રોજ અવસાન થયું હતું.
ઝવેરચંદ મેઘાણીનું રણજીતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૨૮)ગુજરાતી સાહિત્યના પ્રમુખ (૧૯૪૬),મહીડા પારિતોષિક (૧૯૪૬) એમ અનેક રીતે સન્માન થયું છે .
આજે ક્રાંતિકાર શિવરામ હરિ રાજગુરુ ,સ્વર્ણકુમારી દેવી અને પ્રોફેસર જેઠાલાલ ચિ .સ્વામીનારાયણનો પણ જન્મદિવસ છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨૮ ઓગસ્ટ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment