ગુણવંતરાય આચાર્ય
દરિયાલાલ : ગુણવંત રાય આચાર્ય (૧૯૦૦ - ૧૯૬૫)
આજે તારીખ ૯ ઓગસ્ટ ના રોજ લિયો ટોલસ્ટોય ભારતેન્દુ હરિશ્ચંદ્ર અને ગુણવંતરાય આચાર્યનો જન્મદિવસ તથા કિશોરલાલ મશરૂવાળા, ઇતિહાસકાર રાધાકુમુદ મુખરજીની પુણ્યતિથિ છે.
જામનગર જિલ્લાના જેતલસર ગામે જન્મેલા ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય એ કૉલેજ સુધીનું શિક્ષણ પણ લીધું ન હતું. કચ્છના માંડવીમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન તેઓમાં સ્થાનિક વાતાવરણના સહવાસથી દરિયાઇ કથાઓ લખવાનું બીજ વવાયું હતું. સૌરાષ્ટ્ર મિત્ર ,સૌરાષ્ટ્ર, ફૂલછાબ, પ્રજાબંધુ જેવાં સામયિકો તેમનાં સર્જનોની પૃષ્ઠભૂમિ હતી. ફૂલછાબ અને ફિલ્મી સામયિક મોજ મજાહનાં તો તેઓ તંત્રી પણ હતાં.
ગુણવંતરાય આચાર્ય એ દરિયા સારંગ, હાથીદાંતનો સોદાગર, દરિયાપીર ,હાજી કાસમ તારી વીજળી, દરિયાલાલ, કાળ વૈભવ, જળ સમાધિ, બંડખોર, રાય બુકકારાય, વતનનો સાદ, અલ્લા બેલી, સુભાષચંદ્ર બોઝ, સોરઠની સંધ્યા, હું બાવો ને મંગળદાસ જેવાં નવલકથા ,નાટક, નવલિકા, નિબંધને લગતાં ૧૦૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમનું સાહિત્ય સર્જન મુખ્યત્વે સાગર કથાઓ, ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ ક્ષેત્રે રહ્યુ છે.
દરિયાલાલ નવલકથાથી વ્યાપક પ્રસિદ્ધિ પામેલાં ગુણવંતરાય આચાર્યનું ૧૯૪૫ માં ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માન થયું હતું.
અત્યંત આધુનિક વિચારો ધરાવતા ગુણવંતરાય આચાર્યનું ૨૫ નવેમ્બર ૧૯૬૫નાં રોજ અવસાન થયું હતું. તેમનો સાહિત્યિક વારસો તેમની પુત્રીઓ ઈલા આરબ મહેતા અને વર્ષા અડાલજા સાચવી રહ્યાં છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,અમદાવાદ
Comments
Post a Comment