નાગજીભાઈ દેસાઈ
સુખ તમારું દુઃખ મારું :
નાગજીભાઈ દેસાઈ ( ૧૯૩૧ - ૨૦૧૯ )
આજે તારીખ ૧૪ ઓક્ટોબરના રોજ સહકારી અગ્રણી સર લલ્લુભાઈ શામળદાસ મહેતા ,પત્રકારત્વના ઇતિહાસકાર રતન રુસ્તમ માર્શલ અને માબાપ વગરના બાળકોના " માબાપ " તરીકે પ્રસિદ્ધ થયેલા નાગજીભાઇ દેસાઈનો જન્મદિવસ અને સિક્કાશાસ્ત્રી પરમેશ્વરીલાલ ગુપ્ત અને સ્વતંત્રતા સૈનિક મોહન ધારિયાની પુણ્યતિથિ છે .
શ્વેત દાઢી ,વિશાલ કપાળ ,મજબુત બાંધો અને સદૈવ ખાદીમાં સજ્જ રહેતા નાગજીભાઈનો જન્મ ઉત્તર ગુજરાતના માણેકપુર ગામે માલધારી પરિવારમાં થયો હતો .૧૯૫૯મા બિસ્માર અને ખંડેર જેવા મકાનમાં અનાથ અને નિરાધાર કે ત્યેજાયેલા બાળકો માટે સુરેન્દ્રનગરમાં અનાથાશ્રમ શરુ કર્યો . ભાઈ અને તાઈ તરીકે ઓળખાતા પતિ-પત્ની મિત્રો પાસેથી ઉઘરાવેલા ધાબળાઓથી શિયાળાની ઠંડીમાં ઠુંઠવાતા માનવીઓને બચાવવાનું કામ કરતા . તે પછી બાલાશ્રમ ,છાત્રાલય ,બાલગૃહ ,પુસ્તકાલય ,અનાથ બાળકોનું કલ્યાણ કેન્દ્ર , ભગીની સંસ્થા અને મૈત્રી વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ શરુ કરી સાંદીપની ઋષિના આશ્રમની જેમ અનેક યશોદાનંદનો અને સુદામાઓને જીવનશિક્ષણ સંપડાવ્યું .
આ ભગીરથ કાર્ય દ્રારા નાગજીભાઈએ " ત્રણ વાના મુજને મળ્યા : હૈયું ,મસ્તક અને હાથ ,બહુ દઈ દીધું નાથ ! જા ,ચોથું નથી માંગવું " કાવ્યપંક્તિને સાર્થક કરી હતી . " ના કોઈ વિશ્વમાં જેનું ,સદા જે અંતરે રડતું ;હસાવો એમને જઈને જગતને પ્રેમ અર્પો સહુ " અને સુખ તમારું દુઃખ અમારુ " ના જીવનગણિત સાથે જીવી ગયેલા નાગજીભાઈ દેસાઈનું ૨૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૪ ઓકટોબર ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment